Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘સગા વહાલાનું અટપટું ગણિત’ પ્રફુલ ઠાર


“કલમની સાક્ષીએ મારું સત્ય”

‘સગા વહાલાનું અટપટું ગણિત’

 

[પ્રિય વાચક મિત્રો, લેખક એટલે કે કલમ અને કાગળનાં પંખી. ઉડતાં ઉડતાં કોઇક સાહિત્યની ડાળે બેસી જાય. હમણાં થોડા દિવસ પહેલાં એક એવી લેખકની ડાળ પર બેઠો કે તે ડાળ ઉપર શ્રી જીગ્નેસ અધ્યારુના લેખ રૂપી એક મીઠું ફળ હાથ લાગી ગયું ‘સગા કેટલા વહાલા?’  જે અહીં તે લેખમાંનો થોડો અંશ સુધારા વધારા સાથે બ્લોગમાં પ્રકાશિત કરતાં મને આનંદ થાય છે. જો કે પ્રસંગો અને વાતો બધાને ત્યાં થોડે ઘણે અંશે બનતી જ રહે છે અને વાંચવામાં કે કયાંક સાંભળવામાં પણ આવે છે. આપણે બધાં જ રોજ-બરોજ સવારે ચા ની ચુસ્કિ સાથે છાપું વાંચ્યે છીયે પણ સવારના પહોરથી જ લડાઇ, ઝગડા, ખૂન ખરાબાના કે કોઇ અકસ્માતનાં જ વિષયો વંચાય છે. જ્યારે કોઇ સાહિત્યની કે બોઘની વાત વાંચીયે તો જરા દિલને ટાઢક મળે છે કારણકે તેમાંથી કંઇક મળી જાય છે. જો કે દરેક વાતોમાં ક્યાંક અપવાદ તો હોય છે કે જે બધાંને લાગુ પડતી હોતી નથી.]

સંબંધો બે પ્રકારના હોય છે. એક લોહીના સંબંધો અને બીજા લાગણીના સંબંધો, એવું પણ કહેવાય છે કે, ગમે તેમ, પણ લોહીનો સંબંધ એ જ સંબંધ કટોકટીમાં પડખે ઊભો રહે છે, પણ એવા દાખલા છે જ્યારે માણસ ભારે દુ:ખમાં કે આફતમાં આવી પડ્યો હોય ત્યારે લોહીનો સંબંધવાળા સ્વજનોએ બારણાં બંધ કરી દીધાં હોય, જાણે એની સાથે કોઈ ઓળખાણ-પિછાન ન હોય એવો વ્યવહાર કર્યો હોય. જ્યારે લાગણીની સગાઈ ધરાવનારને એને ઘરમાં બોલાવી હૂંફ અને હિંમત આપી હોય.

આમ તો કહેવાય છે કે પોતાનાં એ પોતાનાં અને પારકાં એ પારકાં. ઘણા એવું પણ કહે છે, પારકાં તે કદી પોતાનાં થયાં જાણ્યાં છે ? પણ, ક્યારેક પ્રચલિત માન્યતાઓ કરતાં ઊલટી જ વાત બની જાય છે. પોતાનાં બિલકુલ પરાયાં બની જાય છે, અને પરાયાં બિલકુલ પોતાનાં બની જાય છે. આવું બને છે ત્યારે ભારે અચરજ થાય છે. નજીકના સંબંધો જ્યારે દૂરના બની જાય છે અને દૂરના સંબંધો નજીકના બની જાય છે. ત્યારે લાગે છે કે માણસના મનનું ગણિત ઉકેલી ન શકાય તેવું અટપટું છે કે સગા એ વહાલા હોતા નથી અને વહાલા તે સગા હોતા નથી…

આપણે ત્યાં સગા વહાલા શબ્દ એક સાથે બોલાય છે. લોહીનો સંબંધ એટલે સગાં અને સગા વહાલા હોવા જોઇએ એવી જ કોઇ માન્યતાને લીધે સગા વહાલા શબ્દ સાથે બોલાતો હશે. સામાન્ય માન્યતા એવી છે કે માણસને સુખ દુ:ખ, સારા નરસાં પ્રસંગે સંબંધીઓની જરૂરત પડવાનીજ. સુખ વહેંચવાથી વધે અને દુ:ખ વહેંચવાથી ઘટે, એટલે એ વહેંચણી માટેના પાત્રો એટલે સગા વહાલા નામના લેબલો તેને લાગેલા છે જેવા કે મામા, કાકા, ફુઆ, માસા, સસરા, ભાઇ, ભાભી અને આવા નજીકના અને દૂરના તો અનેક સંબંધો અને તેના પાછાં સંબંધોના અનેક ગૂંચવાળા કરોળીયાના જાળાની જેમ બાજેલાં છે. તેમાં ફરક એટલો જ કે કરોળીયો જાળુ જાતે વણે અને આપણને સંબંધોનું જાળુ જન્મતાંવેંત ભેટમાં વણાયને જ આવે છે..

જૂનાં સમયમાં સંયુક્ત કુટુંબની પ્રથા હતી અને હજી પણ ઘણાં કુટુંબોમાં આ પ્રથા જળવાઇ રહી છે. પણ મોટાભાગે નોકરી માટે કે ધંધા રોજગાર માટે કે કોઇ અસાધારણ કારણે કુટુંબો વિસ્થાપિત થાય છે, વિભક્ત થાય છે, અલગ થાય છે. ઘણાં મનથી તો ઘણાં ક-મને, પણ આવું થાય છે એ હકીકત છે. કોઇક ભાવિકે કહ્યું છે કે સંબંધોની માણસને જરૂરત નથી એ વાત જો ખોટી હોત તો વૃધ્ધાશ્રમોનું અસ્તિત્વ ન હોત. માણસને જો મા-બાપની પણ જરૂરત ન અનુભવાતી હોય તો પછી બીજા દૂરના સંબંધોનું અસ્તિત્વ અને જરૂરત કેટલી? તો સામે પક્ષે આવા વૃધ્ધોની સંભાળ લેવા પોતાની ફરજ સમજીને તેમને પરિવારનો પ્રેમ અને સગવડો આપવા જતાં લોકોને કયા સંબંધના નામે બાંધવા? તેમની ફરજ નથી, પણ કર્તવ્ય સમજીને અન્યના કાર્યને કરતા આવા પનોતા પુત્રો સંબંધના કયા ત્રાજવે તોલવા?

મને થોડા વર્ષ પુર્વેના પ્રસંગની યાદ છે કે મેં અને મારા થોડા જુનિયર ચેમ્બર્સના મિત્રોએ બોરિવલી અને દહિંસર વચ્ચેના એક ઝુપડ-પટ્ટી જેવા અનાથાશ્રમની મુલાકાત લીધેલી કારણકે અમારો એક પ્રોકેક્ટ હતો કે માં બાપ વગરના છોકરા જોવા એનાથી દુ:ખદાયી બીજું કોઇ દ્રશ્ય નથી.ઘણાં નસીબના લીધે કે અકસ્માતમાં માં-બાપને ગુમાવી બેસે છે, પણ જેના માં બાપ તેને કચરાના ડબ્બામાં સડવા છોડી જાય છે, તેમને બીજા કયા સંબંધની જરૂરત હોય? અને જો માં-બાપની જરૂરત છોકરાને ન હોય અને છોકરાંવની જરૂરત માં-બાપને ન હોય તો સમાજ કયા સંબંધોના આધારે ટકી રહ્યો છે?  તો સામે પક્ષે એક અનાથને પોતાના ખોળે બેસાડી, પોતાનું લોહી ન હોવા છતાં તેમને ઉછેરનાર, મોટા કરનાર માળીને ફક્ત માં-બાપ ન કહી શકાય, એથી તેઓ ઘણાં વિશેષ છે.

થોડાક દિવસ પહેલા મેં ‘સુખ કે સબ સાથી’…. અને બીજો લેખ ‘સબંધોનો છેડો’ વિશે લખ્યું હતું, તો હ્યદય પર હાથ રાખીને કહો કે કયા સબંધથી તમને પૂર્ણ સંતોષ છે ? કયા સંબંધમાં કદી તમને મન દુ:ખ થયું નથી કે કડવાશ થઇ નથી. આંગળીને વેઢે ગણાય એટલા આવા વિશુધ્ધ સંબંધો મળે તો તમે ખરેખર નસીબદાર છો. કે આવા સંબંધો પણ મળે છે, પણ એને શોધવાની દ્રષ્ટી અને તેને નિર્વાહ માટે ઘણાં ત્યાગ અને ઘણી બાંધછોડ કરવી પડે. અને એવા નાનામાં નાના ત્યાગ કે બાંધછોડમાંય જો તમને આનંદ આવે તો કોઇ પણ જાતની ખચકાટ વગર તમે એ કરી શકો તો એ વ્યક્તિ તમારી સાથે લોહીના સંબંધથી બંધાયેલી હોય કે નહીં, એ તમારા સગાવહાલામાં છે એમ માની શકાય પણ એવો ત્યાગ કર્યા પછી તમે સામે વાળા પાસે પણ એવાજ ત્યાગ કે બાંધછોડની અપેક્ષા ન રાખી શકાય.

કહેવત છે કે જેનાં અન્ન નોખાં એનાં મન નોખાં. એટલે ક્યારેક સારા નરસાં પ્રસંગોએ અથવા સમયાંતરે થતાં મિલન મુલાકાતો સિવાય કુટુંબો નાના થતા જાય છે,  હૈયાઓ વચ્ચેના અંતરો તેમની વચ્ચેના સ્થૂળ અંતરો કરતાં પણ વધી જાય છે. અરસપરસની સમજણ ઘટતી જાય છે, વિશ્વાસ ઘટતો જાય છે, સન્માન ઘટતું જાય છે. આવા સંજોગોમાં એક બીજાને સમજવા ન માંગતા, એક બીજાથી દૂર ભાગતા સગાં કરતાં પડોશીઓ, સહકર્મચારીઓ અને મિત્રો ઘણી વખત પણ વધુ નજીક અને વધુ ઉપયોગી થાય છે, અને સગાં દૂર થતા જાય છે. લોહીના સંબંધો કરતા વિશ્વાસના સંબંધો વધુ નજીકના બની જાય છે.

ઘણી વાર સંબંધીને ત્યાં ઘરનાં લગ્નપ્રસંગે કે કોઇક શુભ-પ્રસંગે નાની નાની વાતોમાં સગાવહાલાંઓમાં વાદવિવાદ અને મનદુ:ખ થતાં જોવા મળી જાય છે. જાણે કે સબંધીઓ કોઇ ઉંબાડીયું મૂકવાનું નક્કી કરીને આવ્યા હોય તેમ તે વ્યકતિના સગાઓ દૂર રહીને સગવડો બગાડવામાં લાગી ગયા હોય છે અને એવા થોડાક સગાઓ નજીવા કારણોસર એવડું મોટું મહાભારત સર્જે છે કે જેના ઘરે પ્રસંગ હોય છે તે અને અન્ય ઘરવાળાઓનો લગ્નનો કે સારા પ્રસંગનો સઘળો આનંદ ઓગળી જાય છે અને એમનું મન પ્રસંગનો આનંદ લેવાને બદલે સગાવહાલાઓને ચા-પાણી પીવડાવવાની યોજનાઓમાં કે સરા-ભરામાં વધુ લાગી જાય છે. માની લઇએ કે બધાંની સગવડ સાચવનાની જવાબદારી યજમાનની છે, પણ મહેમાન ત્યારે જ શોભે જ્યારે તે યજમાનને તેના પ્રસંગોમાં મદદરૂપ થઇ રહે. તમે એક વખત કોઇકના પ્રસંગમાં અણધાર્યા અણબનાવો ઉભા કરો, લોકોનો આનંદ બગાડો ત્યારે તમને કોણ પોતાના પ્રસંગમાં બોલાવશે? ઘણી વાર તેનાથી વિપરીત વાત એ હોય છે કે એ મિત્રના પડોશીઓએ જે મદદ અને સંકલન કરે કે એ જોઇને આપણાંથી એ મિત્રને એવું બોલાઇ જાય છે કે તમે ખરેખર નસીબદાર છો કે આવા સુંદર પડોશી મળ્યા છે, જે તમારો આખો પ્રસંગ ઉપાડી લીધો છે, અને તમે ખરેખર બદનસીબ છો કે તમને આવા નગુણા સબંધી મળ્યા જેમણે પોતાની નાનકડી સગવડો માટે દાયકાઓની ઓળખાણ છતાં જરાય શરમ વગર  તમારો આખોય પ્રસંગ બગાડ્યો. હવે કહો આમાં સગા વહાલાં ક્યાંથી થાય? સમાજની કેટલીક રૂઢીઓ હવે તદ્દન વાહીયાત થઇ ગઇ હોય એમ અનુભવાય છે. પોતાના ઘરે રોટલી અને શાક ચૂપચાપ ખાઇ લેતા લોકો સગાંના ઘરે રજવાડી જમણની અપેક્ષા રાખતાં હોય છે. આપણા નજીકના મિત્રો સંબંધીઓમાં આવા લોકો હોય કે ન હોય શું ફરક પડે? ઘણી વાર જો તમે પ્રસંગની સીડી બતાવતાં હો તો કહેશે કે “તમારા ભાઇ તો ક્યાય દેખાંતાં જ નથી.“ પણ તેઓ એટલું સમજતા હોતા નથી કે કદાચ બની શકે કે કોઇ બીજાની સરા-ભરામાં રહી જાય.

એક પ્રશ્ર્ન જરૂર ઉદ્દભવે કે સમાજ કે સગા સબંધીઓ માણસને સુખી કરવા બને છે કે દુ:ખી કરવા? થોડા દિવસ પૂર્વે મારે ત્યાં એક પ્રસંગ બની ગયો હતો અને સોસાયટીમાંથી એવા દિવડા જોવા મળ્યાં કે છે જે પોતાનું યોગદાન આપીને કોઇ પણ આશા રાખ્યા વગર ઉભા રહી ગયા હતા. અને એ “વહાલાં”ની કેટેગરીમાં અવશ્ય આવે. અને આવા મિત્રો પર ખરેખર ગર્વ છે, એ મિત્રોનું મારા જીવનમાં સ્થાન ક્યાંય ઉંચુ છે, કારણકે તેઓ મારી કદર તો કરે છે સાથે સાથે અર્ધિ રાતે તન, મન અને ધન ખર્ચીને સંકટ સમયે આવીને ઉભા રહે છે…બાકી તો છેવટે નસીબ તો છે જ….

Advertisements

નવેમ્બર 10, 2009 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: