Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘માતૃવંદન’ લેખક-શ્રી જીગ્નેશ અધ્યારૂ


Posted by- પ્રફુલ ઠાર
[પ્રિય વાચક મિત્રો, કહેવાય છે કે આ આખું અઠવાડિયું માતૃવંદનાનું હોય અને તેથી જ aksharnaad.com ના લેખક અને સંપાદક શ્રી જીગ્નેશ અધ્યારૂએ ‘માતૃવંદન’ વિષેનો લેખ તેની વેબ સાઇટમાં મુકેલો છે. કહેવત ખોટી નથી કે ‘માં એ માં બીજા વગડાનાં વા’… તેથી જ, અમોને ‘માં’ વિષેનો તેમનો રસથાળ અમોને અહીં પ્રકાશિત કરતાં આનંદ થાય છે.]
 

 

શ્રી વેણીભાઇ પુરોહીતની રચનાની એક કડી મને ખૂબ ગમે છે,

” આશિર્વાદ જનેતાના તો કદી નથી કરમાતા,
એક જ અક્ષર અજર અમર છે, એક જ મંત્ર છે ‘માં’.”

માં શબ્દને કોઇ વર્ણનની જરૂર નથી. “માં” એ શબ્દને કોઇ વ્યાખ્યા, કોઇ શબ્દજાળના બંધનમાં ન બાંધી શકાય. સ્ત્રીને ખબર પડે કે તે ગર્ભવતી છે, ગર્ભના ચિહ્નો દેખાય ત્યારથી એ લાગણીનો તાર બંધાય છે, અને માતા – સંતાનનો અનેરો સંબંધ શરૂ થાય છે. એવા જીવ સાથે એ કેટકેટલી વાતો કરે છે જે હજી દુનિયામાં આવ્યું પણ નથી, તેની સાથે, તેની બંધ આંખોથી માં કેટકેટલા સ્વપ્નો જુએ છે. પોતાના શરીરના એક ભાગ રૂપે વિકસતા એ જીવ પ્રત્યે તેનો ભાવ, તેની મમતા કેટકેટલા સ્વરૂપે વરસે છે ! પ્રસવ પછી નાનકડું બાળક જ્યારે પ્રથમ વખત તેની માતાના હાથમાં આવે છે ત્યારથી તેને ઓળખતું હોય છે. અરે એ પહેલાથી !

મળી ન હરને માં, મહેશ્વર જો પશુ થયા;
પણ જાયો ઇ જશોદા, કાન કેવાણો, કાગડા!

કવિ શ્રી દુલા ભાયા ‘કાગ’ કહે છે કે જ્યાં સુધી માં ન મળી ત્યાં સુધી પરમેશ્વરે પણ પશુ સ્વરૂપે અવતાર લેવો પડ્યો, પણ જ્યારે તેમને માં મળી ત્યારે જ તેઓ કાન કહેવાયા, માતા વગર જો પ્રભુનું જીવન પણ શક્ય ન હોય તો આપણે તો કઇ વિસાતમાં?

બાળકની નાળ કપાય અને તેને સ્વતંત્ર અસ્તિત્વ મળે એટલે તે માંની છાયામા ઉછરે છે, વિકસે છે, મોટું થાય છે. માંની આંગળી પકડીને તે જીવનપથ પર ચાલવાની શક્તિ, જીવનના અઘરામાં અઘરા કાંટાળા રસ્તાને પસાર કરવાની આવડત મેળવે છે. એક નાનકડા શિશુને જ્યારે તેની માં કાળું ટપકું કરે છે ત્યારે તે શ્રધ્ધાના, બાળકની સુરક્ષાના અને તેના સુખદ જીવનના દરેક પાસાઓને આવરી લેવાની એક તીવ્ર મહેચ્છા હોય છે, બાળક મોટું થાય અને બહારના વિશ્વના સંપર્કમાં આવે એટલે તેનો માતા સિવાય અન્ય વ્યક્તિઓ સાથે વ્યવહાર અને સંપર્ક વધે છે, પરંતુ માં માટે હજી પણ બાળક સાથેનો એ સંબંધનો તાર કદી ક્ષીણ થઇ શકતો નથી, એ બાળકના દુ:ખમાં રડે છે, તેની ખુશીમાં રડે છે, તેની દરેક સફળતા પર કે નિષ્ફળતા પર સદાય કોઇ પણ આશા વગર તેની સાથે સતત ઉભી રહે છે, તેનો આધાર કદી દગો આપતો નથી. ભાગવતમાં એક પ્રસંગ છે કે શ્રીકૃષ્ણ માટી ખાઇ જાય છે ત્યારે યશોદામાં તેમને તેનું મોં તપાસે છે અને તેમાં યશોદામાંને બ્રહ્માંડ દેખાય છે, એ તો પ્રતીકાત્મક છે, વિશ્વની કોઇ પણ ‘માં’ ને તેના સંતાનમાં જ દરેક સુખ, વિશ્વની દરેક વસ્તુ દેખાવાની. બાળકના સુખ, તેના પ્રેમથી વધુ માંની મહેચ્છા કઇ હોઇ શકે?

ખલીલ જીબ્રાન કહે છે કે માનવજાતિના હોઠ પરનો સૌથી સુંદર શબ્દ માં છે, સહુથી સુંદર સાદ છે ‘માં’. એ એક એવો શબ્દ છે, જે આશા, લાગણી, સ્નેહ અને પ્રેમથી ભરેલો છે, એક મધુર શબ્દ, જે હૃદયનાં ઊંડાણોમાંથી આવે છે. મા બધું જ છે; શોકમાં તે આશ્વાસન છે. દુ:ખમાં તે આશા છે; દુર્બળતામાં તે શક્તિ છે. તે પ્રેમ, કરુણા, સહાનુભૂતિ અને ક્ષમાશીલતાનું ઝરણું છે. માં વિશે ઘણુંય લખાયું છે, કવિ હર્ષદેવ માધવની એક રચનામાં તેઓ માતા શારદાને કહે છે કે કલ્પવૃક્ષની લેખણ લઇને ઇશ્વરના ગુણો લખતાં જો ઇશ્વરના ગુણો ખૂટી જાય તો માંના ગુણો લખી લે. કદાચ તે ઇશ્વરથી વધારે જ હોવાનાં. તેઓ જ અન્ય એક રચનામાં લખે છે,

” આમ તો આકાશની ઉંચાઇ પણ
ઓછી લાગે
એની બાજુમાં
એમ
ચૂપકીદીથી
એ વધારતી રહે છે એની ઉંચાઇ
આકાશની જેમ જ અકળ રીતે ”

હું હજીય એ દિવસો ઘણી વાર યાદ કરૂં છું. પીપાવાવ થી મહુવા અને મહુવા થી પીપાવાવની અમારી રોજની અપડાઉનની દોડાદોડ અમને આસપાસના ખેતરો અને રસ્તામાં વચ્ચે આવતા ગામડાઓના જીવનવ્યવહારમાં એવા ઘણાં પ્રસંગો દેખાડે છે જેમાં માતૃત્વની ઝલક દેખાયા કરે. જ્યારે યાદ આવે નાનપણનાં સોહામણા દિવસો, અમે ભાઇ બહેન ખૂબ તોફાન કરતાં, લેશન કરવામાં ચોરી કરતાં, અમારી માં અમને મારવા દોડતી, ક્યારેક પકડાઈ જતા તો ક્યારેક કોઈક બચાવી લેતા. કોઈ ના હોય તો ઢીબાઈ પણ જતાં અને પછી અમને રડતાં જોઈને એ અમને ખોળામાં લઈને રડતી, વહાલથી પંપાળતી, એક એકા એક અને એક દૂની બે યાદ કરાવતી. મને યાદ છે હું ખૂબ નાનકડો હતો ત્યારે કૂવા પાસેની જગ્યામાં કપડા ધોવા બેસતી અને ઓશરીના પગથીયે બેસીને હું પહાડા બોલતો એ મને ખૂબ પ્રેમ કરતી, મારૂ માથું ઓંળી આપતી, સરસ પાથી પાડી આપતી, મને સ્કૂલ જતા નાસ્તાનો ડબ્બો ભરી આપતી, વહાલ થી બકી કરતી, ખોળામાં સૂવડાવતી. જેણે મારી ઓંળખાણ મારી સાથે કરાવી, જે મને મારી પહેલા થી ઓળખે છે, અને હું જેના અસ્તિત્વનો એક ભાગ છું એવી મા માટે હું શું લખી શકું. શબ્દો કાયમ ઓછા જ પડવાના….

મધર્સ ડે એક જ દિવસ ન હોવો જોઇએ, જ્યારે માતાની વંદના થાય, તેને યાદ કરાય, કાર્ડસ અપાય, તેના પર કૃતિઓ થાય અને પછી સગવડતાથી ભૂલી જવાય. એ તો પશ્ચિમની ભેટ છે. મારી માતાનો જન્મદિવસ આ અઠવાડીયે આવે છે. અને છેલ્લા કેટલાય જન્મદિવસોથી તેને અમે કોઇ ભેટ આપી નથી, તેણે કોઇ દિવસ એ વાત ઉચ્ચારી પણ નથી, કે કોઇ દિવસ આ વાતનું દુ:ખ કે અફસોસ પણ વ્યક્ત કર્યો નથી. મોબાઇલમાં આવતા રીમાઇ ન્ડર ઘણાંય સંબંધોના પ્રહરી છે, એ આપણને આવા મહત્વના દિવસો યાદ કરાવે છે, જાણે યાદ કરાવે છે કે આપણી લાગણીઓ અને સ્નેહની જરૂરત કોને કોને છે. કદાચ તેનું મન એટલું વિશાળ હોઇ શકે કે દર વખતે અમારી શુભકામનાઓથી ચલાવે છે, અમારા જન્મદિવસે પૂરણપોળી કે ગુલાબજાંબુ બનાવતી માંને મેં કદી તેના જન્મદિવસે કાંઇ વિશેષ બનાવતા જોઇ નથી, પરંતુ આ વખતે વિચાર્યું કે તેનો આભાર માનવા મારી પાસે કઇ કઇ સગવડો છે? પૈસા, ભેટ, હોટલમાં ભોજન…. હા, એ બધુંય થઇ શકે, પણ તેને ખરેખર એ બધાંની જરૂરત નથી. મારી પાસે બીજી સગવડ છે મારી અભિવ્યક્તિનું સજીવ સ્વરૂપ, મારા વિચારો, જીવનનું પ્રતિબિંબ એટલે અક્ષરનાદ. અક્ષરનાદ પર એટલેજ આ આખુંય અઠવાડીયું માતૃવંદના સંબંધિત કૃતિઓ મૂકી રહ્યાં છીએ.

આપણા અમર ગુજરાતી સાહિત્યમાં એવી અનેકો કૃતિઓ છે જે માતૃવંદનાનાં, લાગણીના આ અમર સંબંધને ખૂબ સુંદર રીતે અભિવ્યક્ત કરે છે, બાળકોની તેમની માતા પ્રત્યેના પ્રેમની છડી પોકારતી અસંખ્ય રચનાઓ મળી આવી, તેમાંથી મુખ્ય સંદર્ભોની એક નાનકડી સૂચી નીચે આપી છે. તો જે મિત્ર લેખકોને આ અઠવાડીયા માટે કૃતિ મોકલવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમાંથી ઘણાં મિત્રોએ ખૂબ ટુંકા સમય છતાં અમને તેમની રચનાઓ મોકલી છે, એ માટે તેમનો ખૂબ આભાર અને ધન્યવાદ. જો કે રોજ બે રચનાઓ અને આઠ દિવસની અવધી હોવા છતાં ઘણી કૃતિઓ લઇ શકાઇ નથી તે માટે ઘણો ખેદ છે.આ સિવાય અત્યાર સુધી અક્ષરનાદ પર મૂકાયેલી આ જ વિષયાનુસંગત કૃતિઓની સૂચી પણ નીચે આપી છે.

તો માતૃવંદના વિષયક, માતાને એક લક્ષ્ય ગણી લખાયેલી કૃતિઓનો રસથાળ આપની સમક્ષ આવી રહ્યો છે, માણો ’www.aksharnaad.com’  રોજ બે સુંદર રચનાઓ… .

સંકલન માટેનું સંદર્ભ સાહિત્ય : 

1. પુસ્તક: માતૃદેવો ભવ, પ્રકાશક: ઇમેજ પબ્લિકેશન્સ
2. પુસ્તક : બા લાગે વહાલી, સંપાદક : પ્રવીણ ભૂતા
3. કાગવાણીના વિવિધ ભાગો
4. અરધી સદીની વાંચનયાત્રાના અંકો
5. અખંડ આનંદ સામયિકનાં વિવિધ અંકો
6. નવનીત સમર્પણ સામયિકના વિવિધ અંકો

અક્ષરનાદ પર અત્યાર સુધીની માતૃવંદના વિષયક કૃતિઓ :

1. માં – A Tribute to the Motherhood
2.
આંધળી મા નો કાગળ – ઇન્દુલાલ ગાંધી
3. શાંતુ બા – વિકાસ બેલાણી
4. હાલરડું અને મમત્વ
5. પપ્પાનું વ્હાલ મમ્મીને
6. એક ચપટી પ્રેમ

આશા છે આપને પણ ગમશે..

– જીજ્ઞેશ અધ્યારૂ

 

Advertisements

નવેમ્બર 22, 2009 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: