Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘સમયને તો વહી જવાની ટેવ પડી છે’- પ્રફુલ ઠાર


“કલમની સાક્ષીએ મારૂં સત્ય” -સમયને તો વહી જવાની ટેવ પડી છે,  
ભાગમભાગ કરતાં દોડતાં વાવાઝોડાને કોઇક જ્ઞાનીએ તે વાવાઝોડાને પૂછ્યું : ‘અરે ભાઈ, શું કામ આમથી તેમ નિર્થક ભાગમભાગી અને દોડાદોડી કરે છે ?’ વાવાઝોડાએ એ જ ઝડપે ભાગતાં ભાગતાં જ જવાબ આપ્યો કે ‘ હું સ્થિર અનિલને (હવાને) શોધી રહયો છું.’ એ જ્ઞાનીએ હળવેથી હસીને કહ્યું કે : ‘ભાઈ, તારી વ્યર્થ દોડધામ અને ભાગમભાગ બંધ કર; તો તું પોતે જ સ્થિર અનિલ (હવા) બની જઈશ કે જેને તું ખામનો શોધી રહયો છે.’ બધા જ આવા જ્ઞાનીની જેમ  સમજી શકે કે સ્થિરતાં જ એ જીવનના ખજાનાને હરિયાળી રાખવાનો જાદુ છે. માણસ કેટલું બધુ ભાગે, કેટલું બધુ પછડાયા કરે, કેટલું બધું અહિંથી ત્યાં ફેંકાય, કેટલી નારાજગી અનુભવે, કેટલી બધી ટીકા ટિપ્પણમાંથી પાસ થઇ રોટલાની જેમ  ટિપાયાં કરે… તો પણ મનની ઇચ્છા પાર ના પડે અને ત્યાંના ત્યાં જ રહી જાય. મને યાદ આવે છે કે મારી પણ તે વાવાઝોડા જેવી દોડા દોડ કહો પછી મહેનત કહો, તે જોઇને મારા સ્વર્ગસ્થ માતુશ્રી અને પિતાશ્રી કહેતા કે ‘ ભાઇ, કોઇ ભિક્ષુક સવારથી સાંજ સુધી પણ ભિક્ષા માંગે તો પણ જો તેના નસીબમાં બે પવાલા હોય તો બે જ પવાલા જેટલું જ મળે.’ પછી ભલેને  એ છઠના દિવસે લખેલા વિધાતાને ફરિયાદોનાં ફરફરિયાં લખાતાં રહીયે, મનની મૂંઝવણ કદી ઘટે નહીં, અંતરના ઉકળાટો શમે નહીં, જિંદગીની જમાવટ થાય નહી કે પછી ઇચ્છાનો નાશ ન થાય અને છેવટે રહી જાય છે  વિચારોના વિટંબણાંઓની માળા.
એક હાસ્ય ટપકાવતોં હું ઘણીવાર સગા સંબંધીઓને રૂબરું કે પછી કોઇકવાર ફોન ઉપર પુંછતો કે મારા  બંને સ્વર્ગસ્થ માત પિતા તમને યાદ કરે છે. આજે જ ફોન આવેલો તમારા સમાચાર પુંછતાં હતાં કે ઘરે આવે છે કે ? મને તમારી પૃચ્છા કરે છે અને વળી કોઇક કોઇક વખતતો મને ઇમેલ આવેલો એમ પણ મજાકમાં કહી દઉં છું. મજાકની વાત તો જાણે મજાક કહેવાય પણ મને ખરેખર વિચાર આવી જાય છે કે માનવીએ બધી જ હરણફાળ શોધો અને વિજ્ઞાન ખરડી દિધું તો પછી ઇશ્ર્વર સાથે નો સીધો સંપર્ક કે ત્યાં સીધો ફોન , મોબાઇલ કે ઇમેલ કેમ શોધી ન શક્યા ? જો આવું હોત તો આપણે સીધા જ ઇશ્ર્વર પાસે પ્રાર્થના ન કરત ? કે, “હે પ્રભુ, તું મારી બુધ્ધિનો પ્રકાશ છે, મારા આત્માની પવિત્રતા છે, મારા અંતરનું શાંત બળ છે, મારા શરીરની સહનશક્તિ છે, મને ફક્ત તારો જ આધાર છે અને હું સર્વ રીતે તારો બનવા માગું છું. મારા માર્ગમાં આવતાં સર્વ વિઘ્નો મને પાર કરાવજે.” જો કે આજના યુગમાં પણ જયારે જયારે બધી જ આશાઓ છોડીને બેસી જઇએ, બંને હાથ હેઠા પડે, ત્યારે ક્યાંક ને ક્યાંકથી જરૂર મદદ આવીને પડે છે એમ મેં અનુભવ્યું છે. જો કે કડક કસોટીઓમાંથી પણ પસાર થવું પડે અને માનસિક ત્રાસ પણ સહન કરવો પડે છે.
આંખના કે હ્યદયના ડૉકટર પાસે જતાં મને વિચાર આવે છે કે આંખના ડૉકટર તેના મશીનથી આંખની અંદર કે અંદરના પડદામાં શું છે ? તે જો જોઇ શકે છે તો આંખની અંદરની પ્રેમ અને લાગણીઓને જોઇ શકતા હોત તો? અને એનો રિપોર્ટ આપી શકતા હોત તો? કે પછી હ્યદયનાં ડૉકટરો ટુ ડી એકો કાઢી માણસનું હ્યદય કેટલું નિખાલસ અને ચોખ્ખું છે એવો રિપોર્ટ આપી શકતા હોત તો કેટલું સારું થાત ? અથવા તો ખરાબ હોય તો તેનું ઓપરેશન કરીને કાઢી શકતા હોત તો ? ઘણી વખત મને પ્રશ્ન થાય છે કે ઈશ્વરે માણસને મન શા માટે આપ્યું? અને મન આપ્યું જ છે તો બધાંના મન એક સરખાં શા માટે ન આપ્યા? પણ ખૂબીની વાત તો એ છે કે જેમ લેખક ડૉ.શરદ ઠાકરે એક લેખમાં સારું લખ્યું છે કે ‘ જીવનની રંગભૂમિ પર તમાશો જિંદગીનો છે, મજાનો ખેલ ઇશ્ર્વરનો જ હોય છે જેને સમજાય તે ખરો’..
સમયની ઝડપભેર કોઇ ઉંચાઇએ પહોંચવાની પ્રક્રિયામાં આપણે આપણાં નિર્દોષ સંબંધો-મિત્રતા ક્યાંક ખોઈ નાંખતા હોઈએ છીએ જેવી રીતે. જેમ જેમ આપણી વય વધતી જાય તેમ તેમ  નાની ચડ્ડીનું સ્થાન લાંબી પેન્ટ લઈ લે છે… તેવી જ રીતે મોટાઇના કુંડાળાઓ આપણને મર્યાદિત કરી નાંખે છે. જેમાં પગ મૂકતાવેંત આપણાં નિર્દોષ સંબંધો અને આપણી મિત્રતાનો નાશ કરી નાખે છે.. આ કુંડાળા આપણા અહમના, મોટાઈના કે સંકુચિત સંબંધો અને અલ્પ સમજૂતીના હોય છે જે સમયની સાથે વહે છે પણ તેના વહેણમાંથી બહાર આવવું અઘરું છે. મારા સ્વર્ગસ્થ પિતાશ્રી મરણ પથારી પર હતાં ત્યારે થોડી થોડી વારે ગણગણતા “સમય સમય બલવાન હૈ, નહીં માનવ બલવાન.” જે તેને સમજે છે, સાચવે છે તે ટકી જાય છે; જે તેને નથી સમજતો અને તેને નથી સાચવતો તેને તે તોડી નાખે છે. માટે જ ગુજરાતીમાં કહેવત છે ‘સમય વર્તે સાવધાન’
તમે કદાચ અનુભવ્યું હશે કે જયારે માણસ કોઇકવાર સમયના વિચારોના વમળમાં ચઢી જાય છે ત્યારે તેના દિલમાં એક ડર પેદા થતો દેખાય છે. માણસ સમયને કેમેય કરીને બાંધી શકતો નથી કે તેને પકડી શકતો નથી અને પકડવા જાય તો હાથમાંથી પાણીની માફક સરકી જાય છે. કુદરતે તેને ચોવીસ કલાકના ભાગલામાં વહેંચ્યો છે  દિવસ રાત, કલાક, મિનિટ, સેકન્ડ અને મિલિસેકન્ડમાં તેના નિયમો કરી ભાગ કર્યા છે. આમ, છતાં તે તેને કોઇ તોડી શકતું નથી અને તેથી જ માણસ ઘણી બધી ભાગંભાગ કરવા છતાં જેમ અભુમન્યુ ચક્રવ્યુમાંથી નીકળી શકયો ન હતો તેમ માણસ પણ સમયના ચક્રમાંથી બહાર નીકળી શકતો નથી અને માણસ તે સમય રૂપી વિશાળ સમુઢ્રમાં તરીયા કરતો રહે છે. કોઈ કુશળતાથી તરતો હોય છે તો કોઈ ફંફેડાતો તરતો હોય છે.માણસ ભલે તરતો રહે પણ ક્યારેક તો થાકવાનો જ અને પછી ડૂબવાનો જ હોય છે. પણ જે વહેતો રહે છે તે કદાચ સામે પાર પહોંચી પણ શકે છે. આવા મોટા સમુઢ્રના અદ્દભુત મોજાઓ, ભરતી અને ઓટની વચ્ચે નસીબ સારા હોય તો કદાચ હેમ ખેમ તરી જાય છે.
મેં એક શેર વાંચ્યો હતો જે ગરવી ગુજરાત નામના સામાયીકમાં પ્રકાશિત થયો હતો કે ‘કેટલી મજબૂર છે આ જિંદગી, ખુદને મળવા પણ સમય મળતો નથી.’ આજના યુગમાં નાના થી મોટા ના મુખમાંથી અચૂક સાંભળવા મળશે “સમય નથી ખૂબ બીઝી છીયે” પાતાની સ્વાર્થની વાત સીવાય પોતિકા માટે પણ સમય મળતો નથી.કયાંક એ પણ વિચારવાનો સમય મળતો નથી કે આપણે શું શું કર્યું ?શું શું બાકી છે? કોઇની સાથે કયાંક કોઇકની લાગણીઓ તો દુભાવી નથી ને? કોઇકે આપણને મદદ કરી હોય કે ક્યાંક કામ લાગ્યા હોય તો તેનો આભાર માનવાનો બાકી રહી ગયો નથી ને ? કે કયારે તેનો બદલો વાળશું?આવી ઘણી ભાબતો છે જેનું મંથન કરવા જો સમય કાઢવામાં આવે તો માણસ ઘણાં ને ન્યાય આપી શકે તેમ છે.
આકાશ ભલે કોરું દેખાતું હોય પણ ભાગ્યમાં ભીંજાવાનું લખેલું હોય તો કયારેક કયારેક કોઇક કોઇક નાની નાની વાદળીઓ છાનું છાનું વરસીને પણ કોઇક કોઇકને ભીંજવી જતી હોય છે…..એનો અનુભવતો આકાશ તળે ચાલનારાઓંને જ ખબર પડે કે તેઓ ભીંજાય રહ્યા છે…..
જો કે ‘ ઘણાં સ્મરોણો જીન્દગીને જીવતી રાખે છે. જયારે ઘણા સ્મરણો જીન્દગીને હડસેલી નાંખવા પ્રેરે છે ‘ મને ‘ ભુત નાથ ‘ સીનેમાના એક ગીત ના શબ્દો  બહુ ગમી ગયા ‘ समयका पैया चलता है, दिन ढलता है…रात आती है….. આમને આમ સમયના પૈડાની જેમ જીંદગી ચાલતી રહે છે, દિવસો ઢળતા રહે છે અને રાતો પણ વહી જાય છે.માણસ એના એજ વાતાવરણમાં રાચતો રહે છે અને છેવટે ‘રામ બોલો ભાઇ રામ..’ તેથી જ કોઇ ગઝલકારે કહયું છે કે…સમયને તો વહી જવાની ટેવ પડી છે, પણ કોઇકને ને કોઇકને તો બસ, વિચારતાં જ રહી જવાની ટેવ પડી છે….
*********
Advertisements

જાન્યુઆરી 4, 2010 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: