Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

જીવનનો લસરકો..-પ્રફુલ ઠાર


“કલમની સાક્ષીએ મારૂં સત્ય”   જીવનનો લસરકો….
આપણને કયાંક ને કયાંક મોટેરાંઓ પાસેથી કે કોઇ કથાકાર જ્ઞાની પાસેથી સાંભળવા મળતું જ હોય છે કે માણસ કેટલું જીવ્યો એ કરતાં તેણે જીવનમાં શું શું કર્યું અને કેવી રીતે જીવ્યો એ મહત્વનું છે. મેં થોડા દિવસો પહેલાં જ લેખીકા તન્વીબહેન બુચ ની એક સુંદર કૃતિ ‘જીવનનું સત્ય’ વિષે વાંચ્યું હતું કે જીવન જીવવું અને જીવતા રહેવું એ બંને વચ્ચે ફરક છે. હૃદયના ધબકારા જ્યાં સુધી ચાલતા રહે ત્યાં સુધી આપણે ચોક્કસ જીવતા છીએ એમ કહેવાય છે, પરંતુ સ્વાભાચિક વાત તો એ છે કે જીવનનો સંસાર શાંતીથી અને પ્રસન્નતાથી ચાલતો રહે તો જ  જીવંતતા ટકી રહે છે. અને તેથી અનુભવોથી કહી શકાય કે જીવનની જીવંતતાને સડસડાટ ચાલતી રાખવા કે ટકાવી રાખવા માટે કોઇકને કોઇક કલાનો શોખ જીવનમાં કેળવવો જરૂરી હોય છે. દરેક માણસને મનગમતા પોત પોતાની રૂચી પ્રમાણેના શોખો હોય છે. શોખ અને કલા એ સિક્કાની બે બાજુ જેવા છે. માણસને જે વસ્તુનો શોખ હોય તો તે શોખ કલામાં પરિવર્તન થઇ માણસના જીવનમાં ઉભરાય આવે છે; પરંતુ શોખ તો ઘણી જાતના હોય શકે જેમ કે સતત મોટા અવાજો સાથે ટીવી જોવાનો કે જેમાં કંઇજ ભલીવાર કે ત્થય ન હોય પણ ઘડિયાળના કાંટે કાંટે ચોક્કસ એપીસોડ જોવાય જ અને અનાયાસે બહાર ગયા હોય તો બારણું ખોલતાની સાથે જ ટી.વી.નું રિમોટ ઓન કરવામાં આવે અને જો તે પણ બાકી રહી જાય તો બીજે દિવસે તે જ જે સમયે રીપીટ થાય તે દિવસે જોય હાશ અનુભવાય.
વળી કોઇક વ્યકતિને કંઇ વાંચનનો, કંઇ તીખું-મીઠું ખાવાનો, કંઇક લખવાનો, એકલા એકલા સમુઢ્ર કિનારે ફરવા જવાનો કે કોઇ મિત્રો સાથે સમય ગાળવાનો વગેરે વગેરે શોખો હોય છે. માણસને કયા પ્રકારનાં શોખો છે તે પ્રશ્ન નથી. પણ શોખ એટલે પોતાના કાર્યમાં એકધારી એકાગ્રતા અને નિષ્ઠા રાખવી તે છે. અને તે શોખ ક્યારેક કલામાં બદલાય જાય છે..દરેક મનુષ્યમાં કોઇક ને કોઇક પ્રકારની કલા તો વસેલી જ હોય છે. પણ તે આપણે શોધવી પડે છે. માણસ જન્મે છે ત્યારથી જ કલાકારનું નજરાણું લઇને જ જન્મે છે અને પછી એ નજરાણા બોક્ષને ખોલીને જે રીતે એક ઝાડના રોપને સિંચવામાં આવે અને પછી ધીરે ધીરે સિંચીને તે વૃક્ષને મોટું કરવામાં આવે તેમ આપણામાં રહેલી તે કલા સિંચવાની હોય છે અને કલાને મોટી કરવાની હોય છે.
એક વાત માન્યમાં રાખવા જેવી છે કે પોતાના શોખનો વિસ્તાર કરવાથી અને સાથે સાથે કોઈ મહત્વકાંક્ષી યોજનામાં આગળ આવી જવાથી માણસને જીવવાની શકતિ મળી જાય છે. સાથે સાથે નવું નવું શીખવાથી કે જાણવાથી મગજનો વિકાસ  થાય છે. મનની દ્રષ્ટિ પણ લાંબી થાય છે. અને એકજાતનો પોતાનામાં આત્મવિશ્વાસ વધે છે. માણસને કલા ખીલવવાનો શોખ હોય તો તે માટેની જરૂરી તાલિમ લઈને વ્યક્તિ પોતે એક સારો કલાકાર બની શકે છે.
મને અહિ એક વાતનો ઉલ્લેખ કરતાં આનંદ થાય છે કે ૧૯૬૮ માં હું મુંબઇના ફોર્ટ વિસ્તારમાં આવેલી એક આઝાદ મિત્ર મંડળ નામની સંસ્થામાં જોડાયેલો હતો. સંસ્થાના સંચાલકો એક સેન્ટ્રલ બેંકના એક પારસી કુટુ્બના હતાં જેમનું નામ શ્રી કેરસી પાંઉવાલા અને કુમારી કેટી પાંઉવાલા હતું જોકે તેઓ એક જ ભાઇ અને બહેન જ હતા અને તેઓએ લગ્ન જ નોહતા કર્યા અને..તે મંડળમા તે જમાનામાં પાંચસોની ઉપર છોકરાંઓ સભ્ય હતાં અને કોઇ પણ જાતની સભ્ય ફી લેવામાં આવતી નહિ.આ મંડળનો મુખ્ય ધ્યેય બાળકોને જુદી જુદી જાતની કલાઓ શિખડાવીને પોતાનામાં રહેલી કલાને બહાર કાઢી તેને જાહેરમાં લોકોની સામે કોઇ પણ ડર વગર મુકવાનો હતો.
આ મંડળમાં ઉંમર પ્રમાણેના એવા ત્રણ ગ્રુપ હતાં એ, બી અને સી. આમાં એ, એટલે મોટું બી, એટલે વચલું અને સી, એટલે નાનામાં નાનું ગૂપ. અહિંયા મોટા ગ્રુપની પાછળ સંસ્થા પૈસાનો ખર્ચો કરે અને તેને પ્રોફેશનલ પાસે કલા શિખડાવડાવે. પહેલાં એ ગૃપને શિખવા મોકલે અને પછી તેઓ શીખી લ્યે પછી તેઓ બી ગ્રુપને શિખડાવે અને તે બી ગ્રુપ શીખી લીધા પછી છેવટે તેઓ સી ગ્રુપને શિખવાડે અને શિખતા શિખતા સભ્યો કોઇ કાર્યક્રમમાં તેની કલાનું પ્રદર્શન કરે.
અગત્યની વાત તો એ હતી કે આ સંસ્થામાં કોઇ જ મોટી વ્યકતિઓ પદ ધરાવનારા નહોતા અને જે કોઇ પ્રમુખ, મત્રી કે કારોબારીના સભ્યો હતાં તે અંદરો અંદર જ છોકરાઓ હતાં જેમાં ચૂંટણીથી માંડીને સભા, સરક્યુલરો અને નોટિશો કેમ લખવી અને તે જમાનામાં હાથેથી સ્ટેનસીલ કટ કરી લેખો લખી સ્લાયક્લોસ્ટાઇલથી કેમ છાપવું તે પણ શિખવાડતાં આ ઉપરાંત, નાટકો, ઓરકેસ્ટ્રાના બધા જ વાજીંત્રો, ગીતો વગેરે વગેરે અગણીત કલા શિખવાડતાં.
મને યાદ છે કે એક વાર અમને માથેરાન પિકનીક ઉપર લઇ ગયા હતાં અને ત્યાં બધાં મદારીનો જાદુનો ખેલ જોતાં હતાં અને ખેલ પુરો થયો એટલે અમારા સંસ્થાના શ્રી કેરસીભાઇની અચાનક નજર મારા ઉપર પડી અને તેણે મને તેની પાસે બોલાવીને પુછયું કે તારે જાદુ શિખવા છે ? એટલે મેં હા પાડી. તેણે મને એટલું જ કહયું કે શિખ્યા પછી જયાં જયાં પોગ્રામો થાય ત્યાં ત્યાં બતાવવા પડશે. મેં હા પાડી દીધી. અને તે મદારીઓએ મને થોડા પૈસા લઇને જાદુની હાથ ચાલાકી શિખવાડી અને તે પછી મને તેનો શોખ જાગ્યો અને પછી મોટા મોટા જાદુગરો પાસે હું દિવસે દિવસે ઘણી બધી ટ્રિકસ શિખતો ગયો અને છેવટે બે કલાક સુધીના પોગ્રામો આપવા લાગ્યો અને મેં ઘણાંની ચાહના મેળવી જે આજ દિવસ સુધી મેં એક જાદુગર તરીકેનું નામ જાળવી રાખ્યું.
ખરેખર, કલાનો એક લસરકો માનવીને ક્યારેક જીવન જીવવાની કલા પણ શીખવી શકે છે. કલાનો સંગાથ માનવીને રચ્યો પચ્યો રાખે છે. હંમેશા પ્રફુલ્લિત રહેવા માટે કંઈક નવું નવું શીખવું પડે તો માણસે સતત શીખતા રહેવું જોઈએ. પોતાના શોખને કેળવવા માટે યોગ્ય વ્યક્તિની મદદ લેવી પડે તો પણ લેવી જોઈએ પરંતુ સવાલ છે જીવનના આ આનંદને માણવાનો…. આમ કરતાં જે કલાકો પસાર થાય છે એમાં કદાચ આપણને પૈસા ન મળતા હોય એમ બને; પરંતુ એકવાર વ્યક્તિનો શોખ કલામાં રૂપાંતર થાય છે. એ સમય ‘નકામો’ નથી થતો પરંતુ ‘કલાની મૂડી’ થાય છે. અને તેથી જ હંમેશા કલાર્થી બની રહેવાની આ એક જાદુઇ ચાવી છે નવું નવું શીખતા રહેવું ને મસ્તીથી જીવન જીવવુ. નવું શીખવા માટે ની કોઇ ઉમર હોતી નથી એનો એક અનુભવ લખું છું કે અમે લંડન હતાં ત્યારે એક સ્નેહીને ત્યાં મળવા ગયા હતાં જયાં કેન્યાથી આવીને વસેલા એક માસી ૭૮ વર્ષના ત્યાં આવેલાં વાત વાતમાં તેઓ બોલ્યા કે તે ૬૦ વર્ષ પછી ભાંગ્યુ તુટ્યું અંગ્રેજી શીખ્યા જેથી એને ક્યાય વાંધો આવતો નથી. એટલે જ કોઇકે લખેલું છે કે પ્રશ્ર્નોનાં પૂર્ણ વિરામો કરવાં કરતાં તો સમસ્યાઓને ઉકેલતાં ઉકેલતાં દરિયામાં તરવું એ વધારે યોગ્ય ગણાય. જેવી રીતે કહે છે ને કે કસોટીની સોટીથી ડરે તે કાયર, આંધી વચ્ચે પણ ગાતો રહે તે શાયર!.
માણસને અલગ-અલગ પ્રકારનાં શોખ તો હોવા જ જોઈએ. એ બધાં શોખ ભલેને પછી કલામાં પરિવર્તન ન પણ પામે ! પરંતુ વિવિધ ક્ષેત્રોમાં નવું નવું જાણવા કે શીખવાનું તો મળી જ રહે ! આપણે ભલે એક જ ક્ષેત્રમાં નિપુણ બનીએ પરંતુ અલગ અલગ પ્રવૃત્તિઓ કરીને એક નવી જ દુનિયાના નીતનવા અનુભવ કરવા એ કંઈ ખોટની વાત નથી. માણસ અને જગત બધું જ પરિવર્તનશીલ છે. એકનું એક ક્યારેય કંઈ રહેવાનું નથી. પ્રત્યેક માનવી હરહંમેશ કંઈક નવું ઝંખે છે. એક જ પ્રકારના કાર્યથી વ્યક્તિ કંટાળી જાય છે. માણસની આંખ અને હૃદયને હંમેશાં કંઈક નવું જોઈએ છે. કંઈક નવું જાણવાની તાલાવેલી કેળવીને જ માનવી આ પ્રકારની નવીનતાનો અનુભવ કરી શકે છે. આપણે બધાએ અનુભવ્યું છે કે આપણી શેરીમાં સાપ નીકળે તો લોકો એને જોવા ટોળે વળે છે કારણ કે એ આપણને રોજ જોવા નથી મળતા, પરંતુ જો ગાય નીકળે તો લોકો જોવા ટોળે વળે ખરા ?
કંઈક અનોખું જાણવામાં જ માણસને રોમાંચનો અનુભવ થાય છે. વ્યક્તિ તેમાં આનંદ પ્રાપ્ત કરે છે. શોખ આપણે વિવિધ આનંદદાયક પ્રવૃત્તિઓને જીવનમાં એક નિશ્ચિત સ્થાન આપી શકીએ છીએ. શોખ કેળવવો એ સહજ બાબત છે. તે આપોઆપ પ્રગટે છે અને વિકસે છે.‘આમ નહીં કરું તો હું મૂર્ખ દેખાઈશ’ એમ જબરજસ્તી કરીને કોઈ શોખ વિકસાવી શકાતા નથી. એનાથી તો ઊલટું જીવનતત્વ ઓછું થઈ જાય છે. કોઈ પણ શોખને સહજ રીતે વિકસવાની અને પાંગરવાની મોકળાશ મળે ત્યારે તે કલામાં પરિવર્તિત થતો હોય છે. તમે અનુભવ જોશો તો મહારાષ્ટ્રના મુંબઇ જેવા શહેરમાં ગણેશ ચતુર્થિ પહેલાં ઘણાં મહિના અગાઉ ગણપતિદાદાની મૂર્તિઓ ઘડવા માટે શિલ્પીઓ ખૂણે ખાંચડે બેસી ગયેલા હોય છે અને જ્યારે ગ્રાહક પોતાના ઘરે ગણપતિદાદાને પધરાવવા શિલ્પીને ત્યાં આપેલા ઓર્ડર મુજબ મુર્તિ જ્યારે લેવા આવે છે ત્યારે બારિકાઇથી મૂંર્તિને પહેલા નિહાળે છે અને ક્યાક નજર પડતાં એવું લાગે કે કંઇક ઉણપ દેખાય છે તો તરત જ તે શિલ્પીને બોલાવીને થોડું ક્યાંક ટચ-અપ કરવાનું જણાવે છે. અને આંખના પલકારામાં જ તે શિલ્પી એક કલરની પિછીનો લસરકો મારે કે તરત જ જાણે મૂર્તિમાં એક જીવંતતાના દર્શન થતાં દેખાય છે. તરત જ ઘરાક હસતાં ચહેરે બોલશે “ જેનું કામ જે હોય તે જ કરી શકે. જો ને એક પિછીંના લસરકાએ એક જ ક્ષણમાં આખી મૂર્તિને જીવંત કરી નાખી..” આ પ્રસંગ બોધ એજ આપે છે કે ‘એક રંગની પિછીંનો લસરકો આટલો ફેરફાર કરી શકે ત્યાં જ કલા નો જન્મ થાય છે.’ આટલી નાની અમથી સાદી વાત સ્વીકારવાને બદલે આપણે સમસ્યાનો ઉકેલ અવનવા માધ્યમોમાં શોધતા હોઈએ છીએ. ખાસ તો ટેલિવિઝન જેમા આવતી ધળા વગરની સિરિયલો કે જેમાં કોઇ જ તથ્ય હોતું નથી., ધણી વ્યકતિઓ આ વાતનું સમર્થન કરે પણ છે. આ બધું સમજ્યા પછી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે કે તમને ભાગી છૂટવા પ્રેરે તેવી સમસ્યાઓ કઈ છે ? ઘણા અનુભવીના મંતવ્ય પ્રમાણે હતાશાને આ યુગની સૌથી મોટી વ્યાધિ ગણાવી છે. માટે જ આ હતાશાને દૂર કરવી હોય તો કલાકાર બની કોઇક શોખ કેળવવો પડે અને મગજની ચાંપમાં એક લસરકો મારવો પડશે.
*********
Advertisements

જાન્યુઆરી 23, 2010 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: