Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

એ જ જીન્દગી… એ જ રફતાર…. એ જ જીવન..-પ્રફુલ ઠાર


મુંબઇ શહેર જેવા ધમાલ્યા જીવનમાં અને ઓફિસમાં હાજરી પત્રકમાં લેટ માર્ક ન થાય, કે કોઇ સાહેબના બે શબ્દો સાંભળવા ન પડે, કે પછી પોતે જ કોઇ જવાબદાર હોદદા પર હોય અથવા તો બધી જ વાતમાં સમયમાં માનનારી કે સિધ્ધાંતોમાં માનનારી વ્યકતિને સમયસર ઓફિસમાં પહોંચવાનું હોય છે. તેથી સમયસર તૈયાર થઈને તે ઘરમાંથી હાય હુસ કરતો ટ્રેન, બસ કે કોઇ વાહન પકડવા તેના ઉપડવાનાં સમય કરતાં હંમેશા વહેલો તે પકડવાના સ્થળ પર પહોંચી જતો હોય છે. આવી ઘણી વ્યકતિઓને પણ રોજ તે જ વાહન પકડવાનું હોય છે અને તે પોતાના ઘરેથી કદી પણ સમયસર તે પકડવાના સ્થળ પર પહોંચવા માટે નીકળી શકતો નથી.પણ રસ્તામાં અધવચ્ચે હોય છે ત્યારે તે લેટ માર્ક કે ઉપરી અધીકારીનો ડર તેને દોડતા કરી દેતા હોય છે કે વાહન તેના ઉપડવાના સ્થળ પર આવીને ચાલી જશે તો તે ઓફિસમાં સમયસર પહોંચી નહી શકે…..
સમય કરતા વહેલા પહોંચેલા માણસને વાહન મળવા છતાં વિચારમાં ચઢી જાય છે કે ભઇ ! પહોંચી તો ગયો પણ સમયસર ઉપડીને સમયસર પહોંચાડે તો સારું. પણ જે વ્યકતિ ઘરેથી જ મોડી નીકળેલી હોય છે તે વિચારમા ને વિચારમાં ભાગે છે કે તે વાહન જો કોઇ કારણસર મોડું ઉપડે તો કેટલું સારું ?
માણસો કેટલા બધા હાય હુંસ અને ઉકળાટની જીન્દગીમાં જીવતા હોય છે તે તેઓના વિચારોનો આ જીવતો જાગતો દાખલો છે. જો કે કોઇને સહેજે થાય કે બન્ને પોત પોતાની રીતે સાચા છે પણ એકવાર બીજા માણસના વિચાર માટે કહેવું પડે કે ભાઇ થોડો ઘરેથી વહેલો નીકળતો હોય તો ? જો કે માણસ પોત પોતાના સંજોગોને જ આધીન હોય છે.કયાંક તો લાંબે રહેતો હોય છે, તેના ઘરથી બસમાં આવતાં ટ્રાફીકમાં જામ થઇ ગયો હોય છે કે ક્યાંક ઘરે કોઇ માંદુ-સાજુ હોય તેની વિટંબણામાં નીકળી શક્યો ન હોય.કે એવા ઘણાં કારણો હોઇ શકે. આ ફકત કોઇ તમારા, મારા કે બે માણસોની વાતો નથી. પણ આવા ઘણાં માણસોની યોજનાઓ પોતપોતાની મજબૂરી પર આધારિત હોય છે. જીંદગીમાં પણ આવી જ મજબૂરીઓ આવતા માણસની યોજના ખોટી પડતા જોવા મળતી હોય છે. અને ત્યારે માણસ હતાશા અનુભવતો હોય છે.અને વિચારતો બેસી જાય છે કે આયોજન કેટલું પ્લાનિંગથી અને વિગતવાર પોતે વિચારીને કર્યું હતું ! અને છતાં તે નિષ્ફળ ગયો. અને વિચારે ચઢી જાય છે અને નસીબ જ જાણે અવડા છે તેમ વિચારી તેને દોષ દઇને નાસીપાસ થઇને બેસી જાય છે.
ઉપરના પ્રસંગ ઉપરથી એવું પણ ઘણીવાર બને છે કે ઘણાં માણસો કોઇ પણ જાતનો પહેલેથી આયોજનો કરતાં નથી છતાં તેને અચૂક સફળતા મળે છે. જેમ કે ઘરેથી મોડી નીકળેલી વ્યકતિ રસ્તામાં અટવાતો અટવાતો ધક્કામુકી કરતાં તે કેમેય કરીને સ્ટેશને પહોંચી જાય અને પછી પસીનો લુછતો બાજુની બેઠક ઉપર બેઠેલાને હાશ અનૂભવતા કહેશે: અરે ભાઇ, “હું તો હાય હુશ કરતો છેલ્લી ઘડી સુધી ભાગમભાગ કરતો પહોંચ્યો, અને નસીબે ગાડી તો મળી અને બેઠક પણ મળી ગઈ ! આનું નામ તે નસીબ.” અથવા તો કહેશે કે “નીકળતા પહેલાં દહિં ખાઇને નીકળેલો ” અથવા કહેશે યાદ નથી આવતું પણ કોઇક સારા સકન થયા હશે.” નિષ્ફળ થયેલી વ્યકતિઓને ઘણીવાર વિચાર આવે છે કે જો સમજ અને સૂજથી બનાવેલા પ્લાનો સાચા જ ન પડતા હોય તો શું કામનું. ? આ બાબતે ઘણાબધાં માણસોને ચર્ચા કરતા સાંભળ્યા છે કે પ્લાન કરવા કે ના કરવા ? કોઈ ચોક્કસ સમયપત્રક બનાવવું કે ના બનાવવું ? પણ જે પ્લાન બનાવીને કાર્ય કરે છે અને જે્યારે તેને સફળતા મળે છે ત્યારે અચૂક કહેતો ફરે છે કે માણસે બરાબર પ્લાનિંગ કરવો જ જોઈએ અને કહેશે તો જ સફળ થવાય અને પસ્તાવાનો વારો ન આવે.અને તે સુખી થાય ! જો કે આ વાતને અસત્ય તો ન જ ગણાવી શકાય પણ જે નિસફિકર છે અને સાથે સાથે જેને આવી આવડતો જો ફાવતી જ નથી તેને વળી ઉલ્ટા સાંભળ્યા છે કે પ્લાન કરવાનો કોઈ જ ફાયદો નથી ! કારણકે ભાગ્યમાં જે લખેલું હોય તેજ થાય છે કોઇદી પાંચમની છઠ્ઠ કદી થતી નથી કારણકે જીવનમાં પોતે વિચારેલું બનવા કરતાં અણધારેલું વધારે બને છે એટલે જ નહીં વિચારવું તે જ વધુ સારું છે !
માનવીને આવા પ્રશ્નો સતત સતાવતા જ રહે છે કે સમજપૂર્વક જીવવું કે આડેધડ જીવવું ? આ સવાલનો જવાબ શો ? અને તેનો તેના સમર્થનમાં અને વિરોધમાં જોઈએ તેટલી દલીલો અને અનુભવો કહી શકાતા હોય છે. જેવી રીતે ત્રણ પત્તિનો જુગાર રમવા વાળો કોઇક વળી બ્લાઇન્ડ રમીને આડેધડ રમતાં રમતાં જીત ઉપર જીત કરતો હોય છે જયારે બીજો વળી બાજી જોઇને અને સંભાળીને રમતો હોવા છતાં એક પણ બાજી જીતતો હોતો નથી અને જો તે પણ પહેલા માણસની જેમ નસીબ અજમાવવા બ્લાઇન્ડ રમવા જાય તો સંભાળીને રમતો હોય તેના કરતા પણ વધુ ગુમાવવાનો વારો આવે છે. છેવટે કહેશે “આ જગ્યા જ અપશુકનવંતિ છે ચાલ બદલાવ્યે….”
માણસ સારા વિચારોને ટાળી તો શકતો જ નથી. અને ખરી મુસીબતો ત્યારે જ દેખાય છે જ્યારે તે પોતાની કંઇ કરી લેવાનાં અને સફળતા પ્રાપ્ત કરવાનાં શમણામાં રહેતો હોય છે. અનુભવો તો સમજાવે છે કે દરેકના માનવીના જીવનમાં પોતાના વિચારો ચાલતા હોતા નથી. કારણકે આપણે સાઘારણ રીતે માનતા હોયે છીએ કે જે કંઇ કરવાનું છે તે આપણા માટે કરવાનું છે તો ત્રાહિત વ્યકતિની સલાહ સૂચના શા માટે લેવા જોઇએ ?
એક સરસ નાનું ઉદાહરણ મેઁ વાંચેલું કે જે દરેકે કયાંક ને કયાંક અનુભવેલું જ હશે કે આપણી સાથે જેને આપણાં સંજોગો સાથે કંઇક જ લાગતું વળગતું હોતું નથી અને આપણે વહેમનાં ઓસડમાં મુકાય જઇએ છે. જેમ કે તમે કોઇ ખુશીથી બની ઠનીને સારા પ્રસંગ માટે નીકળ્યા હોય અને સામે કોઈકની નનામી નીકળે તો કેવી અકળામણ મનમાં થઇ જાય છે ! તેનો અનુભવ તો બધાને થયો જ હોય અને તરત જ મનમાં ગણગણાટ કે એક ધ્રુજારી ઊઠી નીકળે છે કે અત્યારે જ આ લોકોને નનામી કાઢવાનું કેમ સૂઝ્યું હશે ! અથવા તો વિચાર્યે કે આ માણસને આજે જ કેમ મરવાનું થયું હશે ? અને થોડી વાર પછી……! એ વિચારનારનું મન થોડું સ્થિર અને શાંત થઇ તેની મુળ જગ્યા ઉપર આવે ત્યારે તરત જ તેના વિચાર બદલાઇ જશે અને થશે કે બિચારા તે માણસને ખબર પણ નહીં હોય કે તે આજે આ મૃત્યુલોકથી પર થઇ તેના પરિવારથી હતો-ન-હતો થઇ જશે ! બિચારા તેના પરિવારનું શું થશે ?…વગેરે…વગેરે.. ઘણીવાર તો બિલાડી કે કોઇ દરિઢ્ર માણસ પણ સામે આવે તો તરત જ જીભ કચરી દઇએ છીએ કે આ સામે કયાં ભટકાણો કે ભટકાણી ! છેવટે મન ને રાજી રાખવા આવી માનતાઓને આપણે ઠુકરાવી દેવી પડતી હોય છે ! એક વાત સો ટચના સોના જેવી છે કે સમજણ વગર માણસે ચાલવું ન જોઇએ અને એટલું જ તથ્ય છે કે તે સમજવા માટે આખો દિવસ મુંજવણની મથામણમાં પણ પડી ન રહેવું જોઇએ અને પકડવું અને છોડવું એવો અભિગમ રાખી પોતાનું કાર્ય કરતાં રહેવું જોઇએ જેવી રીતે ઇશ્ર્વરે પણ માણસની જિંદગી નો દેહ જીવન અને મૃત્યુના તાલ પ્રમાણે ધારણ કરાવ્યો છે, જન્મ આપે છે છોડી દે…..આપે છે છોડી દે… અને એટલે માણસે ફક્ત તેના વિચારોના ચોકઠામાં બેસીને જ જિંદગીનો દમ ઘૂંટવાની કોશિશ કરતાં બેઠા રહેવું ન જોઇએ ! ઘણાં બધા અનુભવો ઉપરથી કહી શકાય કે જયારે જયારે માણસના બધા જ પાસાઓ ઉલટા અને ખોટા પડે ત્યારે એ વ્યકતિ માટે નિરાશા અનિવાર્ય જ હોય છે પણ સાથે સાથે એ પણ હકિકત છે કે આપણી ઇચ્છાઓનો અધિકારોનો હિસ્સો આપણાં એકલાનો જ નથી ચાલતો ! કારણકે.આ તો ઉપરથી લખાઇને જ આવ્યું હોય છે..જો કે આ બધી એક ફિલસુફીની અને મનને મનાવવાની વાતો છે અને આવી વિચાર શ્રેણી બધા જ માટે શક્ય હોતી નથી કારણકે ઘણીવાર માણસના અટવાઇ ગયેલા પ્રસંગોની ચોંટ ભયાનક પણ હોય શકે છે.
સ્મશાનમાં ભલભલા મોટા માણસની લાશ બાળવા ગયા હોય અને સામે ભડ…ભડ..ભડ લાશ રાખમાં વિલીન થતી હોય છે અને અંદર અંદર ડાઘુઓ વાત કરતા સાભળ્યા છે કે “જો ને બીચારાને કેટલું બધું ભગવાને આપ્યું હતું ! પણ અંતે તો લાકડામાં જ જવાનું થયું ને ! અંતે તે બિચારો શું પામ્યો ?” “એના કરતાં બે રોટલીના બટકા માટે શા માટે હાય હોય કરવાની ? વગેરે વગેરે…” જો કે આ વૈરાગ્ય, આ વિચાર, તે ઘડી પુરતો જ હોય છે પાછા ત્યાં ને ત્યાં જ અને સ્મશાનની બહાર નીકળ્યા પછી. એજ ગણતરી…એજ હુંસા તુંસી….એજ અદેખાઇ…એજ આપણાં સાથેનાની હરીફાઇ..એજ બળતરા…એજ હાય હોય…એજ લોહી ઉકાળા….અનેછેવટે એ જ જીન્દગી… એ જ રફતાર…. એ જ જીવન…..
Advertisements

ફેબ્રુવારી 16, 2010 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

2 ટિપ્પણીઓ »

 1. ભાઈ પ્રફુલ્લ
  આપે માનવીના મન અને તેના વિચારો કેટલા ચંચળ છે તે સરસ રીતે રજૂ કર્યા છે. માનવી સામાન્ય રીતે પોતાને જ કેન્દ્રમાં રાખી વિચારતો રહે છે પોતાની સગવડ અગવડને જ તેના વિચારોમાં અને તારણોમાં પ્રાધાન્ય દેતો રહે છે.
  આવજો ! મળતા રહીશું !
  સ-સ્નેહ
  અરવિંદ

  ટિપ્પણી by arvind | ફેબ્રુવારી 18, 2010 | જવાબ આપો

  • શ્રી અરવિંદભાઇ
   આપના પ્રતિભાવ બદલ આભાર.
   પ્રફુલ ઠાર

   ટિપ્પણી by prafulthar | ફેબ્રુવારી 19, 2010 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: