Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘એક હજાર લખોટીઓ’-અજ્ઞાત


પ્રેષક: શ્રી સંદિપ શાહ – કાંદિવલી –મુંબઇ
પ્રકાશક: પ્રફુલ ઠાર
[પ્રિય મિત્રો, વિશ્ર્વભરના ધમાલ્યા જીવનમાં સવારના ઉઠતાંની સાથે જ હાય હોયના સમાચારો વાંચવા કે સાંભળવામાં આવતા હોય છે. પણ ઘણીવાર કોઇક એવું વાંચન કે શબ્દો અનાયાસે વાંચવામાં જો આવી જાય તો માણસનો દિવસ પ્રસન્નમય થઇ જાય છે. આવું જ કંઇ થયું. મારા મિત્ર શ્રી સંદિપ શાહ જેઓ વ્યવસાયે એક સિવીલ એન્જીન્યર અને કામમાં વ્યસ્ત રહેતા હોવા છતાં તેણે મને એક મેલ મોકલ્યો. વાંચીને મેં તેને ફોન કર્યો કે સરસ મેલ મોક્લ્યો પણ તેનો લેખક કોણ છે? તેણે વળતો જવાબ આપ્યો કે “મને તો તમારા જેવા એક મિત્રએ મેલ મોકલ્યો છે એટલે મને તેના લેખક વિષે ખબર નથી. પણ મને ગમ્યો એટલે બીજા બે માણસો પણ વાંચે ” જો કે આ એક બોધ આપતી સુંદર વાર્તા છે જે આપણે સૌ જાણતા હોવા છતાં અજાણ રહીએ છીએ.]
એક  દિવસ વહેલી સવારે  એક બિઝનેસમૅને પોતાનો રેડિયો ઑન કર્યો. આમ તો દરરોજ એ એટલો બધો બિઝી (વ્યસ્ત) રહેતો કે રેડિયો, ટી.વી. કે એવા અન્ય કોઈ મનોરંજનના સાધનોને એના જીવનમા સ્થાન જ નહોતું. રાતદિવસ પોતાના ધંધાના વિચારોમાં જ ખોવાયેલો રહેતો. એના બાળકો તેમ જ પત્ની એ પણ ભૂલી ગયા હતા કે છેલ્લે જોડે ભોજન ક્યારે  લીધું હતું ? પછી ફરવા જવાનો કે પિકનિકનો તો સવાલ જ ક્યાંથી આવે ?
એક શનિવારે એણે આમ જ રેડિયો શરૂ કર્યો. ઘરના બાકીના સભ્યો હજુ સૂતા હતા. જો કે રેડિયો સાવ અમસ્તો  જ નહોતો શરૂ કર્યો !  હકીકતમાં એ વખતે એણે બહારગામના કોઈ બિઝનેસમૅન જોડે મિટિંગ રાખેલી. કોઈ કારણોસર પેલાની ફ્લાઈટ કેન્સલ થઈ.. એટલે હવે સવારના એક કલાકમાં શું કરવું એવી અવઢવમાં જ એણે રેડિયો ઑન કરેલો.  રેડિયો ઑન કર્યો ત્યારે એના પર કોઈ વૃદ્ધ માણસ એક હજાર લખોટીઓની વાત કરી રહ્યો હતો. એ માણસના અવાજમાં અને એની વાતમાં એવું કંઈક હતું કે બિઝનેસમૅનને ધ્યાનથી સાંભળવાની ઈચ્છા થઈ આવી. એ વૃદ્ધ માણસ રેડિયો પરથી ટોમ નામના પોતાના કોઈ મિત્રને સંબોધીને કહી રહ્યો હતો કે, ‘ટૉમ ! તું જ્યાં હો ત્યાંથી આ ક્ષણે જો મારી વાત સાંભળી રહ્યો હોય તો હવે પછી હું જે કંઈ કહું છું એના પર બરાબર ધ્યાન આપજે.હું જાણું છું કે તું ખૂબ જ બિઝી (વ્યસ્ત) રહે છે અને અઢળક પૈસા કમાઈ રહ્યો છે, પરંતુ તેં ક્યારેય વિચાર્યું છે કે એના કારણે તારે તારા ઘર અને કુટુંબથી કેટલો બધો વખત દૂર રહેવું પડે છે ? ઘણોખરો વખત તું બિઝનેસ ટ્રીપ પર જ હો  છો. તારા ઘરના આનંદના પ્રસંગોમાં પણ તું ગેરહાજર હો છો. તને યાદ હશે કે ગયા અઠવાડિયે તારી દીકરીના નૃત્યના કાર્યક્રમમાં તું હાજરી આપી શક્યો નહોતો,  ખરું ને ?’ એ વૃદ્ધે બોલતા બોલતા થોડો વિરામ લીધો. પેલા બિઝનેસમૅનને પણ હવે એની વાતમાં બરાબરનો રસ પડ્યો હતો. થોડુંક વૉલ્યુમ વધારી એ ધ્યાનથી સાંભળવા લાગ્યો. રેડિયો પરથી પેલા વૃદ્ધે આગળ કહ્યું, ‘ટૉમ ! મારા ભાઈ ! હું તને એક એવી વાત કહેવા માગું છું કે જેણે મારી જિંદગી જ બદલી નાખી  છે. વાત એમ છે કે એક દિવસ મેં થોડુંક ગણિત માંડી જોયું. પુરુષની સરેરાશ ઉંમર પંચોતેર (75) વરસની હોય છે. જો કે કેટલાક આનાથી વધારે તો વળી કેટલાક ઓછું પણ જીવતા હોય છે, પરંતુ સરેરાશ ઉંમર પંચોતેર વરસની હોય છે. હવે એ 75ને  52 વડે ગુણી નાખ્યા, કારણ કે એક વરસમાં 52 શનિવાર હોય છે. ગુણાકાર આવ્યો 3900.. એટલે કે આટલા શનિવાર સરેરાશ 75 વરસ જીવતા માણસને એની આખી જિંદગી દરમિયાન મળે. ( પરદેશમાં શનિવાર સૌથી આનંદનો દિવસ ગણાય છે, કારણ કે એના બીજા દિવસે રજા હોય છે ! ) જ્યારે મેં આ હિસાબ માંડેલો ત્યારે મારી ઉંમર હતી 55 વરસ ઉપર. એનો અર્થ કે એટલા વખત સુધીમાં હું લગભગ 2900 શનિવાર તો પસાર કરી ગયો હતો ! હવે જો હું 75 વરસ સુધી જ જીવવાનો હોઉં તો મારી પાસે ફક્ત 1000 શનિવાર બચ્યા હતા ! એનો સાવ સાદો અર્થ એટલો જ કે મારી પાસે આનંદ અને રજાના માત્ર એક હજાર દિવસ જ બચ્યાં હતાં ! મને આઘાત લાગ્યો કારણ કે મારી પાસે મારા કુટુંબ અને મિત્રો સાથે ગાળવાના ફક્ત એટલા જ દિવસો બચ્યા હતા. હું વિચારમાં પડી ગયો.ઘણો વખત વિચાર્યા પછી એ જ દિવસે ગામમાં જઈ, બેચાર સ્ટોરમાં રખડીને હું એક હજાર લખોટીઓ લઈ આવ્યો. એ લખોટીઓને મારા ટેબલ પર એક કાચની બરણીમાં ગોઠવી દીધી. દર શનિવારે હું એમાંથી એક લખોટી કાઢીને ફેંકી દઉં છું. જેમ જેમ હું એ બરણીને ખાલી થતી જોઉં છું તેમ તેમ મને મારા મિત્રો, સગાંવહાલાં અને કુટુંબીજનો માટે વધારે ને વધારે સમય ફાળવવાની ઈચ્છા થતી જાય છે. અગત્યના અને કરવા જેવાં કામોની મેં યાદી પણ બનાવી લીધી છે અને હા, તમારી જિંદગીના ઘટતા જતાં દિવસોની સંખ્યા તમને બાકીના દિવસોને જીવવા જેવા કઈ રીતે બનાવવા એ આપોઆપ સમજાવી દે છે !’
રેડિયો પર એકાદ ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. પછી ફરીથી એ વૃદ્ધનો અવાજ આવ્યો, ‘હા તો ટૉમ ! આજે મારી એ કાચની બરણીમાંથી મેં છેલ્લી લખોટી કાઢી ! મારા દોસ્ત ! આજે મને 75 વરસ પૂરાં થયાં. અત્યારે હું મારી વહાલી પત્ની તેમ જ બાળકોને શહેરના મોટા અને આધુનિક રેસ્ટોરંટમાં નાસ્તો કરવા લઈ જવાનો છું. હવે મારી બરણી ખાલી છે. હવે પછીનો દરેક શનિવાર મને ભગવાન તરફથી મળેલ ભેટ હશે. હું ખરેખર ખૂબ જ આનંદથી જીવું છું. હું ઈચ્છું કે તું પણ તારા કુટુંબ સાથે આનંદથી જીવી શકે. એના લીધે પંચોતેરમાં વર્ષે શું ગુમાવ્યું એનો અફસોસ ન રહે ! તું એવું કરી શકે એના માટે તને મારી શુભેચ્છાઓ ! હું હવે રજા લઉં છું દોસ્ત ! બાય !’ રેડિયો પર વાર્તાલાપ પૂરો થયો. એની અસર એવી હતી કે પેલો બિઝનેસમૅન ઊંડા વિચારમાં પડી ગયો. થોડી વાર પછી એ ઊભો થયોબેચાર ફોન કરી કંઈક વાત કરી પછી ઉપરના માળે જઈ પોતાની પત્ની તેમ જ બાળકોને ઉઠાડ્યા. બધાને નવાઈ લાગી. કોઈ પણ વાર હોય, સવારના પાંચ વાગ્યામાં જ બિઝનેસની પળોજણમાં પડી જતાં એ માણસને આજે હળવા મૂડમાં  જોઈ બધાને ખૂબ જ આશ્ચર્ય થતું હતું. છતાં કંઈ પણ બોલ્યા વિના બધા તૈયાર થવા લાગ્યા.  ઘરના બધા જ સભ્યો તૈયાર થઈને નીચે બેઠકખંડમાં આવ્યા એટલે બિઝનેસમૅને એમને કહ્યું કે એ દિવસે બધાએ શહેરની સારામાં સારી હોટલમાંનાસ્તો કરવા જવાનું  છે અને એ પછી બાજુના દરિયાકિનારે પિકનિક પર ! ઘરની દરેક વ્યક્તિ આનંદના આઘાતમાં સરી ગઈ. પણ કોઈએ કંઈ જ દલીલ કરી નહીં. એમની જિંદગીમાં પ્રથમ વખત આવેલી  એ પળોને દલીલોથી દુષિત કરવાની કોઈની પણ ઈચ્છા નહોતી. બધા હોંશે હોંશે ગાડીમાં ગોઠવાયા. દરેકનો ચહેરો હસતો હતો. મનમાં કંઈક જુદા જ પ્રકારની ખુશી હતી. બજારમાંથી પસાર થતી વેળાએ એક સ્ટોર પાસે એ બિઝનેસમૅને ગાડી ઊભી રાખી. બધા ચૂપ થઈ ગયા. એની પત્નીથી ન રહેવાયું એટલે એણે પૂછી જ લીધું કે, ‘કેમ તમારો વિચાર બદલી ગયો કે શું ? અહીંયા કેમ ઊભા રહી ગયા ?’ બિઝનેસમૅન થોડી વાર વહાલથી એની સામે જોઈ રહ્યો. પછી હસીને બોલ્યો, : ‘નહીં વહાલી ! વિચાર નથી બદલ્યો ! આ તો મારે થોડીક લખોટીઓ ખરીદવી છે !!’
MORAL OF THE STORY: Go get your marbles today and start enjoying life with your loved ones.
“There Is Sufficiency in the World for Man’s Need but Not for Man’s Greed”
Advertisements

ફેબ્રુવારી 25, 2010 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

2 ટિપ્પણીઓ »

  1. મૂળ અંગ્રેજી લેખનું ગુજરાતી રૂપાંતરણ ડૉ.આઈ.કે.વીજળીવાળાએ કર્યું છે અને અમૃતનો ઓડકાર પુસ્તકમાં પ્રસિદ્ધ થયું છે.

    ટિપ્પણી by વિનય ખત્રી | માર્ચ 3, 2010 | જવાબ આપો

  2. શ્રી વિનયભાઇ,
    જાણકારી આપવા બદલ આપનો આભાર ! અને વધારામાં આપે મારી સાઇટ ઉપર મુલાકાત લીધી તે બદલ પણ આભાર…
    લી.પ્રફુલ ઠાર

    ટિપ્પણી by prafulthar | માર્ચ 3, 2010 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: