Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘કુટુંબ એક મેઘધનુષ’-પ્રફુલ ઠાર


કુટુંબ એટલે કે સંબંધો,સમયનો ભોગ અને વ્યવહારો સાચવવાનું મેઘધનુષ. જે આજના યુગના માણસો માટે એક સમસ્યા લાગે છે. કારણકે એવું બનતું રહે છે કે કુટુંબમાં કે કોઇની સાથેના સંબંધોમાં જો મેઘધનુષની જેમ વિવિધરંગી સંબંધો, મિત્રતા કે સગપણો કે બહારથી દેખાડાતા ખોટા પ્રેમ અને લાગણીના સંબંધો  જયારે જોવા મળે છે ત્યારે તેની સાથેના સંબંધોના વિચારોમાંથી આપણે બહાર નીકળી શકતા નથી. અનુભવો પરથી કહી શકાય કે ખોટી અને ઉપર છડી લાગણીના સંબંધો જયારે જોવા મળે છે ત્યારે મને મારા સ્વર્ગસ્થ પિતાનીશ્રીની એ વાતો યાદ આવી જાય છે કે દૂરથી ડુંગર રળિયામણા લાગે તેમ દૂરથી બધું સારું લાગે. પાસે જઈએ તો ત્યાં પથરા જ પથરા હોય છે.
કોઇક પ્રસંગે કે વાર તહેવારે જાતજાતના સ્વભાવના અને પ્રકૃતિના માણસો કે સંબંધીઓ ભેગા થયા હોય ત્યારે તમે કેટલાંના મન સાચવો ! એટલે જ અનુભવી ઓ સાચું જ કહે છે કે, ‘ બધા જ સગાઓ વહાલા નથી હોતા ! અને બધા જ વહાલાઓ સગા નથી હોતા’ પરંતુ શું થાય ? કુટુંબમાં આપણે રહીએ છીએ અને સમાજમાં જીવીએ છીએ એટલે સમાજના કેટલાક ધારાધોરણમાંથી કોઇ જ છટકી શકતું નથી. એટલે જ સબંધોથી છૂટી નથી શકતા, પણ એમનાથી જેટલા દૂર રહીએ એટલું સારું એવું ઘણાં લોકો વીચારતા અને જીવનમાં અપનાવતા થઇ ગયા છે.
હું થોડા મહિનાઓ અગાઉ દશ મહિના માટે પરદેશ હતો અને ઘણાં બધાના પરિચયમાં તથા અનુભવોમાં પલર્યો. ભારત તેમ જ બીજા ઘણા દેશોમાંથી લોકો પરદેશ જઇને વસ્યા છે. અને પરદેશમાં રહેતા ઘણાંના જાત જાતના મંતવ્યો મેં સાંભળ્યા પણ એકંદરે મને અહીં પરદેશમાં આમ શાંતિ લાગી. કારણકે બધાં જ પોત પોતાને રસ્તે. આમ છતાં ઘણાને મોઢે સાંભળતો રહ્યો કે “ભઇ, જોને અહીંની જીંદગી જ ખરાબ છે આ તો પાઉન્ડ મળે છે એટલે અહીં રહીયે છીએ  બાકી જવા દો ને સગાંઓની વાત…! “ “ અહીં તો પોત પોતાને રસ્તે જેટલા દૂર તેટલુ સારું કોઇ માથાકૂટ તો નહીં.” અને એટલે જ થોડે ઘણે અંશે ઘણાં લોકો કુટુંબ પ્રત્યે કે સગાંસંબંધીઓથી દૂર રહેવું એ પરદેશમાં રહીને લોકો શીખી ગયા છે. જો કે પાછા આપણા દેશને છાંવરતા તો જાય જ કે “મજા તો ભારત જેવી નહિ. અહીયાતો ફરવાનો કે જર-જવેરાત પહેરીને બહાર પણ જઇ શકાતું નથી, હોટલોમાં પણ ખાવાની મજા ન આવે બધું ફીક્કુ લાગે” વગેરે…વગેરે.. અને જયારે તેઓ અહીયાં રજા કાઢવા આવ્યા હોય તો પંદર દિવસમાં કામે લાગી જવાના નેજા હેઠળ ભાગી જાય અને પાછા પરદેશ પહોંચ્યા પછી અંદર અંદર ભાઇ મિત્રોમાં પંદર દિવસમાં ભારતમાં હેરાન હેરાન થઇ ગયાની ગાથા ગાતા હોય છે…..અને હાં બહારનું ખાય નહી અને ખાય તો ડરે. વળી પાણી ? પાણી તો બિસ્લરીનું જ પિવે. એમાં તબીયતમાં ગોટાળો થાય તો કહેશે “અમને એટલે જ ભારત આવવાનું મન ઓછું થાય…..”  
એક દિવસ મને અચાનક એક સુરતના વ્યારા જિલ્લાના વકિલનો મને હું પરદેશમાં જયાં રહેતો હતો ત્યાં ફોન આવ્યો. જો કે અમારો પરિચય ભારતમાં જ વિસા ઓફિસમાં બે કલાક પૂરતો થયો હતો અને એણે મને માસા અને મારી શ્રીમતિજીને માસી બનાવી દીધા જાણે કે કોઇ જુનો સંબંધ હોય. વાત એવી હતી, કે તેને જે વીસા માટે અરજી કરી હતી તે માન્ય રાખવામાં આવી ન હતી જે બે મહિના પછી માન્ય રાખવામાં આવી અને તે વકિલ સાહેબ સુખ રૂપ પરદેશ પહોંચી તો ગયા પણ ચાર મહિના પછી ભારત સ્થિત મારા પુત્ર પાસેથી ફોન નંબર મેળવી તેને ફોન કરેલો જો કે તેની વાત સાંભળીને હું જરા અચરજ પામ્યો ! એક વાત તો સહજ છે કે કોઇનો પણ ફોન આવે તો સ્વભાવિક જ પુછાય જાય કે કેમ છો ? કયારે આવ્યા ? કોણ કોણ સાથે આવ્યું ? કયાં ? કોના ઘરે ઉતર્યા વગેરે વગેરે…પછી તો તેણે જે જે હૈયા વરાળો ઠાલવી તે.વાતો સાંભળીને જરા હું વિચારે ચઢી ગયો.
વાત એમ હતી કે મેં તેને સ્વભાવિક પુછયું કે “નોકરી મળી ગઇ ?” તો કહે “ના.” પણ બધે ટ્રાય ચાલુ છે  ખાસ કરીને કોઇ કાયદાની કંપનીમાં મળી જાય તો સારું. પણ હાલ પાર્ટ ટાઇમ માટે સેન્વિચ બારમાં જઉં છું” વળી મેં પુછયું કે “ઘરેથી બધા આવ્યા કે?” મને કહે “ના” “જરા હું સેટ થાઉં પછી વાત” મેં સહજતાથી “પુછયું તમને તમારા કોઇ સંબંધી મદદ તો કરતા હશે ને?” મને કહે કે “જવા દો ને સગાઓની વાત.” મને વાતમાં જરા રસ જાગ્યો. એટલે મેં પ્રશ્ર્ન કર્યો “કેમ આમ બોલો છો !” મને એણે સગાઓ ઉપર ધૃણા દાખવતાં કહયું કે ” અહિંયા હું ફલાણા ફલાણાને ત્યાં રહું છું” “પણ અહિં આવ્યા પછી તેઓ જાણે કે અંદરખાનેથી સત્બધ થઇ ગયા છે એવું મને લાગે છે.” મેં પ્રશ્ન કર્યો “કેમ એવુ લાગે છે?” મને કહે કે “જયારે જયારે તે લોકો ભારત આવતા ત્યારે ત્યારે હું અને મારું કુટુંબ તેઓની પાછળ તન,મન અને ધનથી કોઇ પણ સ્વાર્થ વગર મરી પડતા.અને તેઓ અમારા માટે પરદેશથી લાવેલી પરચુરણ વસ્તુ જે લાવ્યા હોય તે સ્વિકારી અમે તેઓ અમારી માટે યાદ કરીને લાવ્યા હોવાથી આભાર વ્યકત કરીને તે કેમ ખુશ થાય તેમ તેની સરાભરામાં અમે લાગી જતા.”પછી સાંજની કોઇ પળોમાં બેઠાં હોઇએ ત્યારે તેઓ વળી ખુશ મીજાસમાં કહી નાખેં કે “તમારે તો ત્યાં આવી જવું જોઇએ, જોએ તો પહેલાં તમે આવો પછી ઘરનાને બોલાવો.” પાછા કહેશે કે તમારી અને ફેમેલીની લાઇફ બની જશે.” “બીજું જો તમારો છોકરો પણ ત્યાં આવી જાય અને કામે લાગી જાય અને ત્યાંની છોકરી મળી જાય તો પછી કંઇ વાંધો ન આવે.” “જો કે તમારો છોકરો ત્યાં આવે તે પછીની વાત છે. પણ અમે છીયે એટલે તમને વાંધો આવશે નહી.”અને એટલે જ તેઓના કહેવાથી હું આવ્યો છું અને પછી તે વકિલભાઇએ રડમસ અવાજે કહયું “માસા, મારા આવ્યા પછી મદદ તો કરવી દૂરની વાત થઇ પણ સતત કહેતા રહે છે કે તમે નસીબદાર છો કે તમને વીસા મળી ગઇ બાકી બહુ અઘરૂં છે.” “ઉપરથી આપણને નાસીપાસ કરી દે કે અહીંતો સખત મજૂરી કરવી પડે, અહીં લાઇફ ઇન્ડિયા જેવી સરળ નથી તમે જુઓ છો ને?” “અહીં તો ભાઇ બે કમાય ત્યારે ઘર ચાલે, અને તમો જુઓ છો ને કે પતિ પત્નિ એકા બીજાને મળતા પણ નથી એક આવે અને બીજો જાય, અહિં હરવા ફરવાનું કંઇ નથી, ઠંડીમાં ચાર દિવાલોમાં બેસવાનું કે હોટલોમાં પણ ખાવામાં ઠરીયે નહી” વગેરે વગેરે…હું સાંભળતો જ રહયો અને તેની વાતોથી દ્ધિતામાં મુકાઇ ગયો કારણકે મને અનુભવ તેનાથી જુદો જ થયો હતો કે પરદેશમાં એવા કુટુંબ પણ જોયા કે જેઓએ પોતાના ભાઇ ભાંડુળા અને તેના બાળકોને બોલાવી તન, મન અને ધનથી સાથ આપી પગ પર કર્યા. જો કે કુટુંબની કોઇક વ્યકતિ સીધી કે આડકતરી રીતે બધાનું કરી કરી ને પોતે થાકી ગયાની ફરીયાદો પણ કરતી.
ઘણીવાર આવા વકિલ સાહેબ જેવાની પ્રાસંગીક વાતો સાંભળી, અને વિચારોમાં ઘરકાવ થઇ ગયા પછી મને પ્રશ્ર્ન થાય છે કે ક્યાં છે લોકોના હાસ્યવિનોદો, તોફાન-મસ્તી, રિસામણાં-મનામણાં, હાસ્ય અને રુદન ! ઉગ્ર ચર્ચા અને વડીલોનો મક્કમ અવાજ અને કયાંક કયાંક વિરોધ ! અને હાં ! માંદગી કે સુખે દુ:ખે તો, બધા જ હાજર થઈ જાય અને વારાફરતી ફરજ સંભાળી લેતા..અને એ બધામાંથી સ્નેહ  નીતરતો પ્રેમ ! જો કે માનવી પોત પોતાની વાતે સાચો જ છે કારણકે આજના આ ફાસ્ટ ટ્રેકના યુગમાં આ બધું સમજવું અઘરૂં છે અને મનોમન તે વીતેલા દિવસોના સમણાં જરૂર માણસને વિસામણમા નાખી દે છે. ઉંડાણથી વિચાર કરશું, તો મહેસુસ થશે કે ઘણાંના જીવનમાં કૌટુંબિક સંબંધો વ્યકતિ સાથે પોતાના હૃદયમાં થીજીને સખત થઈ ગયેલા ખૂણામાં એવા ઘર કરી ગયા હોય છે કે પછી ભલેને તમને એકબીજા પ્રત્યે એક વખત કેટલોયે ગુસ્સો આવ્યો હોય, છતાં એ સંબંધો તમારા હ્યદયની હાર્ડ ડિસ્કમાં રહે જ છે.
કૌટુંબિક સંબંધને ગાઢ અને આત્મીય બનાવવો જ હોય તો માણસે કુટુંબના સદસ્યોમાં તમારા હ્યદયનાં થોડા સંતોષની ઉષ્માનો અને નવ ચેતનાના સપ્ત રંગો ઉમેરીને પછી અનુભવી જુઓ કે ચિત્ર કેટલું બદલાઈ જાય છે. તમારા સંબંધીઓ સાથે વિતાવેલા સારા સમયને તમે યાદ કરો. એ સુખદ ક્ષણોને તમે તાજી કરો, એને સજાવો. એક વખત તમે એમની સારી બાજુ જોવા માંડશો. એટલે આપોઆપ દુ:ખદ સ્મૃતિઓ ઝાંખી પડી જશે અને એનું સ્થાન નવી મીઠી સ્મૃતિઓ લેશે. ખાસ તો પારિવારના સંબંધોમાં રહેલા મીઠાસને પામવા માટે માણસે બહારથી દેખાડતા ખોટા પ્રેમ અને લાગણીના સંબંધોના એ ખોટા તાણાંવાણાંને ફેંકી દેવા પડે. અને સામેની વ્યકતિની ઘટનાના-પ્રસંગો કે વ્યક્તિના વર્તન પાછળના અર્થને ઊંડાણથી શોધશો તો હકિકત સમજાશે. સૌ કોઇની ભૂલ થાય. આપણે બધા જ માણસો છીએ અને ક્યારેક ને ક્યારેક નિષ્ફળ નીવડતાં હોઈએ છીએ. કરુણાથી જોતાં અને વિચારતાં થઈશું તો આપણે આપણા ભૂતકાળને અને વર્તમાનને, સહાનુભૂતિની નવા પ્રકાશની ઘટનાઓને અને વ્યક્તિઓને જોતા થઇ જઇશું,એટલું જ નહીં આપણે અન્ય લોકોના હ્યદયને વધુ સારી રીતે સમજતાં પણ થઈ જઇશું. કુટુંબની જવાબદારીઓ નિભાવવા માટે અને બદલાતાં જતાં જીવન સાથે તાલમેલ મેળવવા માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે ! કે જે તણાવોની અસર પડ્યા વિના રહેતી નથી.પરિણામે આપણે આપણાં જ સૌથી નિકટવર્તી સંબંધીઓ અને આપ્તજનો કે જેમની સાથે આપણો જન્મના લોહીનો સંબંધ છે, તેને જોઇ શકતા નથી આપણાંએ જ તેઓને આકાર આપવો જોઇએ અને એને હ્યદયની છબીમાં મઢી કૌટુંબિક સંબંધોની તસ્વીરને દિલમાં મઢવી પડે છે..ઘણી વાર કુટુંબ જે કોઇ પરિસ્થિતિઓમાં મૂકાય જાય છે તે પરિસ્થિતિ બધી તેમની સર્જેલી હોતી નથી સર્જનાત્મક તો તેના લખાયેલા વીધિના લેખ હોય છે. કે તેના અણધારેલા આવી પડેલા સંજોગો જ હોય છે.
કેટલીયે વખત કુટુંબીજનો સાથે સંપર્કમાં રહેતા હોઇએ છીએ, પણ તેમાં ઔપચારિકતા અને બધું ઉપરછલ્લું હોય છે.આ સંપર્કને, સંબંધને લાગણીસભર સંયોગમાં બદલવા આપણી વચ્ચે કંઈક અણગમતું કે અનિચ્છનીય બન્યું હોય તેને મનમાંથી ભૂંસી નાંખી અને જેણે આપણાં ખરાબ સમયે હાથ પકડ્યો હોય તેને યાદ કરીએ તો કદાચ દિલના સુરનો તાર જરૂર રણકતો સંભળાશે..
કયારેક કયારેક કુટુંબની સામે પ્રતિકાત્મક વલણ અપનાવનારા કે મુખમાંથી કર્કશ વાણી કે કોઇ આક્રોશ રૂપી ક્રોધ નીકળી પડે તો બે વાતો બેશક વિચારવા જેવી હોય છે કે માણસના હિત માટેની મૂખમાંથી નીકળેલી વાણી તૂરી કે તીખી હોય છે. જયારે ઘણાં માણસને રાજી રાખવા માટેનાં બધાં જ શબ્દોમાં ઉપર છલી એક મીઠાશ હોય છે કે જે ક્યારેક ફાયદાકારક તો  ક્યારેક નુકશાનકારક હોય છે. જે આ બધું ફક્ત એક કુટુંબના હિત ખાતર જ કરવું પડે છે !
દરેક કુટુંબ પોતાની રીતે કયાંકને કયાંક મુસીબતોમાં હોય છે.’ બધા જ કુટુંબોમાં કંઈ ને કંઈ સંઘર્ષ હોય છે અને સાથે સંપીને રહેવામાં તાકાત પણ એટલી જ હોય છે,.દરેક સંબંધમાં બાંધછોડ તો કરવી જ પડે છે, અનુકૂળ થવું પડે છે તો સંબંધીઓ સાથે જ શા માટે નહીં ? કયાંક સંબંધોની ગાંઠ ઢીલી થઈ ગઈ હોય કે એક વખત એમાં તિરાડ પણ પડી હોય તે છતાં એ સંબંધમાં બદલાવ આવી શકે છે. પણ એ માટે આપણાં પણાંની આપણાંમાં તીવ્ર ભાવના હોય તો જ એ થઈ શકે છે… ખરેખર તો જે માણસ પાસે બીજા માટે લાગણી, કે કંઇક કરી છૂટવાની ભાવના કે પ્રેમ નથી તે માણસ ગમે તેટલો ભણેલો કે ધનાધ્ય હોય પણ તે ગરીબ જ ગણાય. બાકી તો આયુષ્યના વર્ષોની આદર્શ ગણિતની મદદથી કરેલી ગણત્રી જોતા સમજાશે કે બહુ ઓછો સમય ઇચ્છા મુજબનું જીવવા મળે છે જે વાત જૂની અને નવી પેઢીને બંનેને લાગુ પડે છે એટલે જ કોઇકે સાચું જ કહ્યું છે કે જો વિશ્ર્વ તમને મદદ કરવાની ના પાડી દે તો હતાશ ના થશો અને આઇન્સ્ટાઇનનાં શબ્દો યાદ કરજો કે “હું બધાનો આભારી છું કે જેમણે મને મદદ કરવાની ના પાડી તેથી એમના કારણે જ હું મારું કાર્ય મારી જાતે કરી શક્યો…..”
**********
Advertisements

જૂન 9, 2010 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

1 ટીકા »

  1. પશ્ચિમના દેશો અને આપણાં દેશના સંસ્કાર અને સંસ્કૃતિમાં પાયાનો ફેર આજ છે. આપણાં સંસ્કારમાં સામાજિક અને પારિવારિક સંબંધોમાં જે ઉષ્મા છે તે ત્યાંના સામાજિક કે પારિવારિક સબંધોમાં નથી. ત્યાં વ્યક્તિગત સ્વતંત્રતા અને પ્રાયવસી અત્યંત મહત્ત્વની ગણાય છે. સામાન્ય રીતે બાળક 16 વર્ષની વયે મા-બાપથી અલગ રહેવાનું અથવા પોતાનો તમામ ખર્ચ અભ્યાસ ઉપરાંત રહેવાનો-જમવાનો વગેરે પોતે જાતે ઉઠાવવા લાગે છે આપણે ત્યાં બાળકને અભ્યાસ કરતા કામ કરી કમાવાની ઈચ્છા વ્યકત કરે તો પણ મા-બાપ તેમ કરવા ભાગ્યેજ સ્વીકારતા હોય છે. આપણાં વર્ષો જૂના સંયુકત પરિવારના સંસ્કારો સગાઓ પાસેથી ઘણી અપેક્ષાઓ જાણ્યે-અજાણ્યે રાખતા હોય છે અને તેમ નહિ થતા નિરાશા અનુભવે છે.ત્યાં સંયુકત પરિવારની પ્રથા નહિ હોવાથી જ વર્ષમાં એક વાર મધર્સ ડે તો એક વાર ફાધર્સ ડે -ગ્રાનડમા કે ગ્રાનડપા ડે ઉજવી યાદ કરી વડિલો પ્રત્યે કૃતઘ્નતા વ્યકત કરી ઈતીશ્રી મનાવામાં આવે છે. પરંતુ કોઈ પણ સમયે ઈશ્વર કરે અને આ બંને સંસ્કાર અને સંસ્કૃતિનું સમનવય શક્ય બને તો માનવ જીવન અત્યત સુંદર બની રહે તે નિઃશંક વાત છે. !

    ટિપ્પણી by arvind adalja | જૂન 10, 2010 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: