Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘મૂઠી ઉંચેરા માનવી’- લેખક શ્રી ગિરિશભાઇ ગણાત્રા


સંપાદક પ્રફુલ ઠાર
[આ પ્રેરક પ્રસંગની વાત જલારામ જ્યોતને સાભારી છે જેના લેખક શ્રી ગિરિશભાઈ ગણાત્રા છે.. આ વાત ‘મૂઠી ઉંચેરા માનવી’ નામની કૃતિમાંથી લીધેલી છે. માણસ હર વખતે, હર સમય માટે ખરાબ હોતો નથી પણ તેના સંજોગો અને તેના વિધીના લેખ તેને ખરાબ બનાવી દે છે એ નક્કી જ છે…]
ઉમેશભાઇ પ્રજાપતિ લગભગ બે મહિના પછી તેની ઓફિસનાં પગથિયાં ચડ્યા હશે. જે ઓફિસમાં એણે દસ વર્ષ સુધી નોકરી કરી હતી, જયાં ઓફિસના સ્ટાફની દરેકે દરેક વ્યકિત તેને ઓળખતી હતી અને જેની સાથે નોકરી દરમ્યાન ચા-પાણી, નાસ્તો, પિકનિક અને એક નિખાલસ સબંધો હતાં પણ તે દિવસે સૌની નજર ચુકવીને એને ઓફિસમાં જવું પડયું હતું !
વાતની બિના એ ધડી હતી કે ઉમેશભાઈની કંપનીએ તેમને નોકરીમાથી બરતરફ કર્યા હતાં.કારણ એ હતું, કે એકાઉન્ટસ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટંટ એકાઉન્ટ્સ ઓફિસર તરીકેની એની ફરજ દરમ્યાન કંપનીના હિસાબમાં એણે રૂપિયા ૭૩,૦૦૦  નો ગોટાળો કરેલો. ગોટાળો એને એવી સિફતતાથી કર્યો હતો કે કંપનીના ઓડિટરો પણ પકડી ન શક્યા ! જો કે કમનસિબે બીજે વર્ષે ઓડિટરની કંપનીમાંથી ઓડિટ કરવા આવેલા એક ભેજાબાજ કલાર્કના હાથમાં એ ગોટાળો ધ્યાનમાં આવ્યો.
કંપનીના સેક્રેટરી ગોહિલસાહેબે જયારે ઉમેશભાઇને એની કેબિનમાં બોલાવ્યા અને ઓડિટરોની હાજરીમાં જ તે તોંતેર હજાર રૂપિયાની એન્ટ્રીનો નિર્દેશ કર્યો અને માત્ર ગણતરીની સેકંડોમાં ઉમેશભાઇએ કહી દીધું કે ‘સાહેબ, મેં કંપનીના આ રૂપિયા ગોટાળો કરી મારા અંગત કામ માટે વાપરેલા હતા.’
આ એકરારથી કંપનીના સેક્રેટરી ગોહિલસાહેબ ડઘાઇ જ ગયા ! કારણકે એણે તો માત્ર તોંતેર હજારનો માત્ર તાળો અને એન્ટ્રીઓની ઊલટ-સૂલટ ક્યાં થઇ ગઇ છે તે જાણવા જ ઉમેશભાઇને તેની કેબિનમાં બોલાવ્યા હતાં.
જો કે આ ‘પોતે જ ગોટાળો કર્યો છે’ એવા બેધડક ઉમેશભાઇના ખુલાસાથી કેબીનમાં સૌ ચોંકી ગયા અને મુંઝાઇ ગયા. હવે શું કરવું ? ખૂબ જ પ્રામાણિક, હોંશિયાર અને કાર્યમાં કુશળ ઉમેશભાઇની અધિકારીમાં ગણનાં થાય તે જ જો આવું કરે તો બીજું શું થઇ શકે ?
ખૂબ વિચાર કર્યા પછી ગોહિલસાહેબે, ઊમેશભાઇને કહ્યું કે ‘આપે કંપનીમાં ઠગાઇ કરી છે તેમ લખી આપશો ?’
ઉમેશભાઇએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ગોહિલસાહેબની વાતનો સ્વિકાર કરી ભુલની ક્ષમા માગી અને કંપની જે પણ સજાનો નિર્ણય લે તે તેને માન્ય છે અને ત્યાં પડેલા પેડમાં કબુલાતનામું લખી આપ્યું.ઉમેશભાઇના એકરારથી મુંઝાય ગયેલા ગોહિલસાહેબ એક જ નજરે બે ત્રણ વખત  કબુલાતનામાને વાંચી ઉમેશભાઇને બેસવાનું કહી પોતે કંપનીના મેનેજિંગ ડિરેકટર શ્રી મહેતાસાહેબ પાસે દોડી ગયા.
આખરે તે સાંજે ઉમેશભાઈના હાથમાં કંપનીમાંથી તેને બરતરફ કર્યાનો ઓર્ડર પકડાવી દેવામાં આવ્યો.
જે વ્યકતિ પાસે દરેક કર્મચારી પગાર, પ્રોવિડંડ ફંડ, ઇન્કમટેક્ષ કે એવી ઘણી બાબતો માટે સલાહ લેતી તે વ્યકતિએ કંપનીમાં ગોટાળો કર્યો છે તે બધા જ જાણતા થઇ ગયાં. તે બે મહિના પછી પગથિયાં ચઢતાં સૌ કોઇ ઉમેશભાઇથી આંખ ચોરી લેતા જોવા મળ્યા, ન તો કોઇએ વાત કરી કે ન તો પાસે જઇ વિવેક દાખવવાની હિંમત કરી.
આખરે ઉમેશભાઇ ગોહિલસાહેબની કેબિન સુધી પહોંચ્યા, પણ અંદર જવું કે ન જવું તે વિચારતા હતાં ત્યાં જ ગોહિલસાહેબ બહારથી આવતા હતાં અને તેની નજર ઉમેશભાઇની ઉપર પડતાં તેને કેબિનમાં આવવાનું જણાવ્યું.
આજે ગોહિલસાહેબે જ ઉમેશભાઇને બોલાવ્યા હતાં કહેવા કે વિજીલન્સ ડિપાર્ટમેન્ટે તેમની સામે ચાર્ટશિટ તૈયાર કરી છે જે વાંચી તેમાં સહી લેવાની હતી જે ઉમેશભાઇને આપી કોપી ઉપર સહી કરવા જણાવ્યું અને આભાર માની ચા કે કોફી શું લેશો તે એક વ્યવારિક પૂછ્યું.
ચાર્ટશીટ વાંચી ગયા પછી ઉમેશભાઇને પ્રશ્ન કર્યો ‘સાહેબ ચાર્ટશીટમાં માંગેલી વિગતો હું પહેલાં જ લખીને આપી ચૂક્યો છું તો આનો જવાબ પાછો આપવો જરૂરી લાગે છે ?’
ગોહિલસાહેબે જવાબ આપતાં કહ્યું કે ‘તમે કદાચ કોઇ આવેશમાં કે દબાણ હેઠળ લખી આપ્યું હોય તો આ એક મોકો છે કે આપ આપનો બચાવ કરી શકો છો.’
ઉમેશભાઇએ ખૂબ જ સ્વસથતાથી કહ્યું ‘એણે જે કંઈ લખી આપ્યું છે એમાં એણે કંઇજ ઉમેરવાનું નથી કે કાઢવાનુ નથી અને જે છે તે સત્ય છે.’
ગોહિલસાહેભે પાછું પુછયું ‘ખરેખર ?’ જવાબમાં ‘હાં સાહેબ..’
એક મિનિટ કહી ગોહિલસાહેબ બહાર ગયા અને વીસ મિનિટ પછી પાછા આવી ઉમેશભાઇને થોડી વાર બેસવાનું કહી કેન્ટીનમાંથી ચા મંગાવી..
અડધા કલાક પછી ઇન્ટરકોમ પર કોઇની સાથે વાતો કરી ઉમેશભાઇને કહ્યું કે ‘કંપનીના ડારેકટર ઇચ્છે કે તમે તેને મળો.’ ઉમેશભાઇ પ્રશ્ન કર્યો ‘શા માટે ?’ વળતા જવાબમાં ગોહિલસાહેબે કહ્યું કે ‘તે તો મને ખબર નથી પણ હમણાં જ મને ફોન પર સંદેશો મળ્યો છે કે તમારા કાગળો તેઓ પાસે પહોંચ્યા છે એટલે મહેતા સાહેબે તમને બોલાવ્યા છે.’ ‘તો તમને ક્યારે ફાવશે ?’ જવાબમાં ઉમેશભાઇએ કહ્યું ‘સાહેબને જે સમય અનુકૂળ હોય તે સમયે મળીશ.’
ફોન ઉપર બીજી વ્યકિતઓ સાથે વાતો કરી ગોહિલસાહેબે ઉમેશભાઇને બે દિવસ પછીનો રાત્રે આઠ વાગ્યે મહેતાસાહેબના બંગલે મળવા જવા જણાવ્યું.
ઉમેશભાઇ. મહેતાસાહેબને બંગલે પહોચ્યા ત્યારે મહેતાસાહેબ તેમની ફાઇલ જ જોઇ રહ્યા હતાં. ઉમેશભાઇ પહોંચતા જ સાહેબે ઠંડુ મંગાવી ઉમેશભાઇને ફાઇલ જોતાં જોતાં કહ્યું કે ‘તેમને વાત જાણીને ખૂબ જ દુ:ખ થયું છે અને ઠપકો આપતા ઉમેર્યું કે તેઓએ આવું કોઇ દિવસ ધાર્યું ન હતું’ સાથે સાથે કહ્યું કે ‘આજથી દસ વર્ષ પહેલાં તમે કંપનીમાં જોડાણા તે પહેલાં કંપની સધ્ધર ન હતી પણ તમારા જેવા મહેનતું અને પ્રામાણિક માણસો થકી ઉંચાઇએ આવી છે.’
ઉમેશભાઇ માફી માગ્યા સિવાય કશું બોલ્યા નહિ.
થોડી વાર પછી મહેતાસાહેબે તેના હિત માટે ક્યાં પૈસા વાપર્યા એની પાછળનું રહસ્ય જાણવાની એક કંપનીના વડા હોવાથી ઇંતેજારી દાખવી કે ‘એવા કયા સંજોગો હતાં કે તમારે આવું પગલુ ભરવું પડ્યું અને તે પણ તોંતેર હજાર જ કેમ વધારે કે ઓછા કેમ નહી ?’
થોડી ક્ષણો વિચાર કરી ઉમેશભાઇએ પોતાના દિલનો પ્રદાર્શ કર્યો. ‘સાહેબ છ એક વર્ષ પહેલાં મારા લગ્ન ગરીબ ઘરની એકતા સાથે થયાં.અને અમે આમ તો સાધારણ કુટુંબના કહેવાયે’ ‘મારી પત્નીને પહેલી પ્રસૂતી પછી જાણવા મળ્યું કે મારી પત્નીને કેન્સર છે એટલે મારા ભાવિ બાળકને એની અસર હોય. એની સારવાર માટે મેં ઘણો ખર્ચ કર્યો પણ નસીબે કેન્સર મારી સારવારના ખર્ચ કરતાં પણ ખૂબ આગળ વધી રહ્યું હતું. પછી પહેલું ઓપરેશન કરાવ્યું જેનો ખર્ચ મોટો થયો અને આ માટે મેં સગા સબંધી, મિત્રો વગેરે પાસેથી ઉછીના પૈસા લઇને ઓપરેશન કરાવવું પડ્યું હતું.’‘પરંતુ થોડા મહિના પછી એક બીજું મોટું ઓપરેશન કરાવવાનું હતું જેનો ખર્ચ ખૂબ જ મોટો હતો. એ આરસા દરમ્યાન એક બાજુ મારી માઁ દમના રોગથી પીડામાં હતી, બીજી બાજુ પિતા છેલ્લા આઠ વરસથી માંદગીને ખાટલે છે.’ ‘એક બાજુ ઘરના ખર્ચનો ભાર અને જો પત્નિ માટે ખર્ચ ન કરું તો તે મૃત્યુને આરે હતી.આ માટે બીજા ઓપરેશનના ખર્ચ માટે બધી બાજુથી ઓળખાણ વટાવી ચૂક્યો પણ હું નિષ્ફળ ગયો.’
મહેતાસાહેબે તરત જ કહ્યું ,’પણ તમે કંપની પાસેથી લોન લઇ શક્યા હોત.’
ખૂબ જ કચવાતા અવાજે ઉમેશભાઈએ વાતની ચોખવટ કરી કે ‘તેમણે અરજી તો કરી હતી પણ તે વખતના કંપની સેક્રેટરી બંસલસાહેબે મારી અરજી નો અસ્વિકાર કત્યો હતો આપ જોશો તો મારી અરજી ફાઇલમાં હજી પણ પડી હશે.’
મહેતાસાહેબે અફસોસ વ્યક્ત કરતાં જણાવ્યું કે ‘તેઓને ખબર હોત તો કદાચ કંપનીમાંથી નહી તો કોઇ ટ્રસ્ટમાંથી પણ સગવડ કરી આપી હોત..’
માફી માંગતા ઉમેશભાઇ કહ્યું કે ‘તેણે આ પગલું ન છૂટકે લીધું હતુ.’
મહેતાસાહેબે ઉમેશભાઇની પત્નિ, બાળક અને કુટુંબના ખબર અંતર પછી તેને જવા કહ્યું.
પોતાની સાથેની ચર્ચા કરી ઉમેશભાઇના ગયા પછી મહેતાસાહેબ પોતાને હિંચકે ઝૂલતાં ઝૂલતાં વિચારે ચઢી ગયાં. પોતાને એક કંપનીના વડા તરીકે કર્મચારી માટેના એક પરિવારની જેમ તેની ફરજ અને માણસ શા માટે પતનને માર્ગે ચઢી જાય છે તે પશ્ર્નો તેની સામે ઉભા રહી ગયા.
જો કે અઠવાડિયા પછી ઉમેશભાઇને પાછા બોલાવી કહ્યું કે ‘પોતે કંપનીના કાયદા પ્રમાણે તે કોઇ પણ જાતનો બચાવ કરી શકે તેમ નથી અને તમને આપવાના હિસાબમાંથી કંપની પૈસા વાળી લેશે.’.‘હવે તમે જીવનનિર્વાહ કેમ કરશો ?’
ઉમેશભાઇએ કહ્યું ‘મહેતાસાહેબ મેં એમ.કોમ કરીને એકાઉન્ટસ સંભાળ્યું, હવે રિક્ષા ચલાવવાનું નક્કી કરી લીધું છે કારણકે જીવનનો સંધર્ષ બધા કામોને ફાવતા કરી દે છે કારણકે આપણી કંપનીએ બરતરફ કર્યા પછી મને નોકરી મળવી મૂશ્કેલ છે.’
મહેતાસાહેબે એક ઘનસ્ફોટ કર્યો…’ મેં મારા પૂત્રને તમારી બધી હકિકત કહી છે અને તે નવી કંપની ખોલી રહ્યો છે કે જેના રજીસ્ટ્રેશન માટે તેણે તમારી મદદ લીધી હતી અને તે તમને વાધો ન હોય તો તે તેની કંપનીમાં તમને કાલથી જ લેવા માંગે છે.’ ‘બોલો તમારો શું વિચાર છે ?’
ઘણા મહિનાઓ પછી જે આંસુઓના ધોધ બહાવી આંખને સૂકી કરી દીધી હતી તેવા ઉમેશભાઇના આંખમાંથી આંસુઓ બહવા લાગ્યા. અને ગળગળા સ્વરે કહ્યું કે ‘સાહેબ તમારી આ કંપની ભવિષ્યમાં ખૂબ ઉંચા સ્થરે હશે કે જેના વડા પોતાના કર્મચારીનાં સૂખ-દુ:ખનાં મૂળમાં ઉતરે છે એ કંપનીને અંદરથી જ ટેકો મળી રહે છે સાહેબ આનાથી વધારે હું શું ભવિષ્ય ભાખી શકુ ?’
આભારની લાગણીઓ સાથે ઉમેશભાઇ એટલું જ ભોલ્યા ‘સાહેબ ભવિષ્યમાં કોઇ પણ કર્મચારીનો કાગળ તમારી પાસે આવે ત્યારે ફક્ત કાગળ ઉપર જ નજર ન નાંખતાં તે કાગળ ઉપર એક દાસ્તાનની વિતકથાને ધ્યાનમાં જરૂર લેશો..’ ‘આજે આપે મને પોલીસ લોકપમાં મોકલવાને બદલે અને એક ઉંદરડાની જેમ ફેંકી દેવાને બદલે મારી આંગળી પકડી એ બદલ જન્મો જન્મ ઋણી રહીશ…’
આજે, મહેતાસાહેબની હરીફ કંપનીમાં એક ફાઇનાન્સર કંટ્રોલર તરીકે કામ કરતાં એ ઉમેશભાઈના ટેબલ ઉપર અરવિંદ આશ્રમના માતાજી અને મહેતાસાહેબની છબીઓ ઉપર ઉમેશભાઇ ફૂલો પધરાવી અગરબત્તી પ્રગટાવે છે કે જેથી કર્મચારીઓ પણ વિસામણમાં છે કે માતાજીને પૂજે એ તો બરાબર છે પણ હરીફ કંપનીના મેનેજિંગ ડિરેક્ટરને ઉમેશસાહેબ કેમ પૂજતા હશે ? આ સવાલનો જવાબ શું હોઇ શકે ?
માણસ હર વખતે, હર સમય માટે ખરાબ હોતો નથી પણ તેના સંજોગો અને તેના વિધીના લેખ તેને ખરાબ બનાવી દે છે એ નક્કી જ છે….
જય જલારામ..
*********
Advertisements

ઓગસ્ટ 23, 2010 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

2 ટિપ્પણીઓ »

  1. Saras che…

    ટિપ્પણી by "માનવ" | ઓગસ્ટ 23, 2010 | જવાબ આપો

  2. સાવ સાચી વાત છે માનવી દરેક વખતે ખરાબ નથી હોતો ! સંજોગોનો ગુલામ બની જતો હોય છે ! અલબત્ત મહેતા સાહેબ જેવા સાહેબો જ્વલ્લે જ જોવા મળે છે કદાચ આવા સાહેબો સંખ્યામાં ઓછા મળે પણ કર્મચારીના સુખ દુઃખ સમજી ઉદાર વલણ દાખવનાર સાહેબો હોય છે ખરા ! વાર્તા કરતા પણ કદાચ આ સત્ય કથા પણ હોઈ શકે ! મહેતા સાહેબની ખેલદિલીએ આંખ ભીની કરી દીધી ! ધન્યવાદ !

    ટિપ્પણી by arvind adalja | ઓગસ્ટ 24, 2010 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: