Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘ઇશ્વર મોકલે તે ઇ-મેઇલ!’- ડૉ.ગુણવંતભાઇ શાહ


[મારા મિત્ર શ્રી નલીનભાઇ કાટકોરીયાએ મને એક ઇ-મેલ આપણા સૌ કોઇના જણીતા એવા સાહિત્યકાર અને કટાર લેખક ડૉ. ગુણવંતભાઇ શાહ લેખિત એક લેખ ફોરવર્ડ કર્યો છે જે લેખ અમો અહિં પ્રકાશિત કરી રહ્યા છીએ. ડૉ. ગુણવંતભાઇ શાહ દૈનિક પેપર દિવ્યભાસ્કર અને લોકપ્રિય એવા ચિત્રલેખા સામયિક સાથે કામ કરી રહ્યા છે..]
હૃદયનું નિર્માણ તો પૃથ્વી પર ક્યાંક સામે મળી જતા અજાણ્યા આદમીને આત્મીય ગણવા માટે થયું છે એ જ હૃદય ઇશ્વર તરફથી મળતી ઇ-મેઇલ વાંચવા માટે સર્જાયું છે. મન જૂઠું બોલે, હૃદય કદી જૂઠું ન બોલે.ઇ-મેઇલ એટલે ઇશ્વર તરફથી મળતી ટપાલ. એક ઇ-મેઇલ ભક્તકવિને મળતી હતી: સૂની હો મૈને હરિ આવન કી આવાઝ!એ હતી પ્રેમદીવાની મીરાં. કૃષ્ણની ઇ-મેઇલ મીરાંને મળી!
કાનનું નિર્માણ મોબાઇલ ફોન સાથે ચોંટી જવા માટે નથી થયું. આંખનું નિર્માણ ટીવીના પડદા પર ખોડાઇ રહેવા માટે નથી થયું. હૃદયનું નિર્માણ કાર્ડિયોગ્રામ લેનારા યંત્ર પર ધબકારા નિહાળવા માટે નથી થયું. હૃદયનું નિર્માણ તો પૃથ્વી પર ક્યાંક સામે મળી જતા અજાણ્યા આદમીને આત્મીય ગણવા માટે થયું છે એ જ હૃદય ઇશ્વર તરફથી મળતી ઇ-મેઇલ વાંચવા માટે સર્જાયું છે. મન જૂઠું બોલે, હૃદય કદી જૂઠું ન બોલે. ગમે તેવા મવાલીનું હૃદય પણ સત્યવાદી હરિશ્વંદ્ર જેવું સાચાબોલું હોય છે. ઇ-મેઇલ એટલે ઇશ્વર તરફથી મળતી ટપાલ. એક ઇ-મેઇલ ભક્તકવિને મળતી હતી: ‘સૂની હો મૈને હરિ આવન કી આવાઝ!’ એ હતી પ્રેમદીવાની મીરાં. કૃષ્ણની ઇ-મેઇલ મીરાંને મળી!
જગતનું સૌથી પવિત્ર તીર્થસ્થાન એટલે પ્રેમને કારણે ઘાયલ થયેલું હૃદય. સદીઓથી મનુષ્યના હૃદય પર હુમલા થતા જ રહ્યા છે. લશ્કરની કવાયત જોવામાં તો આકર્ષક લાગે છે, પરંતુ કંઇ કેટલાંય હૃદયો માટે તો એ ક્યામતનો સામાન બની જાય છે. એકવીસમી સદીમાં પણ જો માણસ પોતાની મૂર્ખતા ન છોડી શકે, તો માનવતાનું અકાળ મૃત્યુ થઇ શકે છે. પુષ્પતા અને માનવતાનું નિર્માણ કચડાઇ જવા માટે નથી થયું.
મોસમનો પહેલો વરસાદ પડે અને માણસને કોઇ ભીનું સ્મરણ ન પજવે એવું બને ખરું? મેઘદૂત મહોત્સવ પછી ધરતીનું હૃદય તરબોળ થાય ત્યારે માણસના હૃદયને પણ તરબોળ થવાની ઝંખના પજવતી રહે છે. ઘાયલ માણસનું હૃદય વાદળના કુળનું હોય છે. પાણીપોચું અને પેટ છુટું વાદળ ક્યાંક વરસી પડે એ જ એનો વાસનામોક્ષ! એક રૂપવતી યુવતીના ચહેરા પર ઓચિંતો સફેદ ડાઘ પ્રગટ થયો.
કોઢનો વહેમ પડ્યો અને ટ્રીટમેન્ટ શરૂ થઇ ત્યારે એ સ્ત્રીના પ્રેમમાં ડૂબેલા પ્રિયજને કહ્યું: ‘તારા આખા શરીરે કોઢ ફેલાઇ જાય અને તારા દેહનું આકર્ષણ ઓસરી જાય તોય મારા પ્રેમમાં કોઇ જ ફરક નહીં પડે. હું તને પ્રેમ કરું છું, તારી ચામડીને નહીં. આ બાબતે તું નિશ્વિંત રહેજે.’ કાળક્રમે પેલો ડાઘ એક નાનું ટપકું બનીને રહી ગયો. વર્ષો વીતી ગયાં અને એ સ્ત્રીએ એના પ્રેમીને દગો દઇને બીજો લવ-અફેર શરૂ કર્યો. હૈયાસૂના હોવામાં કેટલી નિરાંત!
વરસાદ તૂટી પડવાની તૈયારીમાં છે. હવામાં ભીનાશનો ભાર વરતાય છે અને હૃદયમાં પ્રતીક્ષાની સુગંધ વરતાય છે. પ્રતીક્ષાનું કુળ પ્રાર્થનાનું છે. વૃક્ષનાં પાંદડાંને બધી ખબર પડી ગઇ છે. પાંદડે પાંદડે અફવા ફેલાઇ ગઇ છે કે ભીનાશનું આકાશી આક્રમણ હવે દૂર નથી. પવનનો મિજાજ બદલાઇ ગયો છે. માણસનો મિજાજ ઝટ નથી બદલાતો. એને કાર્ડિયોગ્રામમાં શું આવ્યું તેની ચિંતા થાય છે, પણ વરસાદ સાથે શું શું આવ્યું તેની ગમ નથી પડતી. પ્રતીક્ષા અને પ્રાપ્તિ નામની બે સખીઓ માણસને પ્રાર્થના એટલે શું તે સમજાવે છે. પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી એ વાણિયાવૃત્તિ છે. જેમ તરસ અને તૃપ્તિનું મિલન થાય, તેમ પ્રતીક્ષા અને પ્રાપ્તિનું મિલન થવું જોઇએ. પ્રતીક્ષા એ જ પ્રાર્થના!
મધ્યરાત્રિએ ટહુકા સંભળાય ત્યારે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાનું કાવ્ય ‘મધ્યરાત્રિએ કોયલ’ યાદ આવે છે. ટહુકો દૂરથી વહી આવે ત્યારે મંગલ શબ્દ’ વહી આવતો હોય એવો ભાવ જન્મે છે. આસપાસ ભીનાશનું સામ્રાજ્ય જામ્યું છે. મહાકવિ કાલિદાસ પ્રણયમગ્ન રાજા પાસે કવિતાનું ગાન કરાવે છે. રાજા કહે છે: ‘મારો માલવિકા સાથેનો પ્રેમ એટલે પ્રણયવૃક્ષ. માલવિકા વિશે પહેલી વાર સાંભળ્યું એ એનું મૂળ અને એને પહેલીવાર નજરે નિહાળી એ એનું અંકુર. એના હાથનો સ્પર્શ થયો ને રોમાંચ થયો એટલે જાણે કળીઓ ફૂટી!
હવે આ પ્રેમનું વૃક્ષ મને એના ફળનો આસ્વાદ કરાવે.’ (અનુવાદ: ડૉ. ગૌતમ પટેલ). જ્યારે માણસ નિજાનંદના કલાકો પામે ત્યારે એક દિવસમાં ત્રણ દિવસ જેટલું જીવન રેડાતું હોય એવો અનુભવ પામે છે. આયુષ્યને લાંબું કરવાનો એક માર્ગ એ છે કે દિવસને ભર્યો ભાદર્યો બનાવીને સાર્થક કરવો. સાર્થક જીવનમાં આયુષ્યની લંબાઇનું નહીં, રસદીક્ષાનું મહત્વ હોય છે.
ઘાયલ થવાનું સૌના નસીબમાં નથી હોતું. કોઇ પણ માણસ પોતાની અપ્રામાણિકતા અકબંધ રાખીને ઘાયલ ન થઇ શકે. દર્દ કેટલી પવિત્ર બાબત છે, તે હજી દુનિયાને નથી સમજાયું. લોકો જેને ગઝલ કે શાયરી કહે છે, તે તો વાસ્તવમાં તીરથી વિંધાયેલા હરણની મરણચીસ હોય છે. મોસમનો પહેલો વરસાદ થયો ત્યારે કોનું સ્મરણ થયું? આ પ્રશ્નનો જવાબ ખાનગી રહે તેમાં જ સંસારની સલામતી રહેલી છે. આપણો સમાજ ખૂબ કાનગંદો, મનગંદો અને વાણીગંદો છે. ક્યાંક ઊગેલું પ્રેમપુષ્પ રોગી માણસ નિંદાકૂથલીના ઉકરડા પરથી જ નિહાળતો રહે છે. પુરુષોની એક કુટેવ બડી ખતરનાક છે. એ કોઇ પણ નિર્ભય અને મળતાવડી સ્ત્રીને ‘ચાલુ’ કહીને વગોવવાની ઉતાવળમાં હોય છે. જેઓ સંબંધવંચિત અને પ્રેમવંચિત હોય, એમનો ‘પાસટાઇમ’ સમાજ માટે ખતરનાક સાબિત થાય છે.
સમાજ કેટલો રુગ્ણ છે, તે જાણવું હોય તો પુરુષો ભેગા મળે ત્યારે થતી વાતો સાંભળવી. એ વાતોમાં કાયમ એક ‘ચાલુ’ સ્ત્રીની ટીકા થાય ત્યારે તમને તરત સર્વસંમતિ થતી જોવા મળશે. ધન્ય છે એવી સ્ત્રીઓને, જેમણે આવા ગંદા પુરુષોની અવગણના કરીને પોતાની પર્સનાલિટી જાળવી રાખી છે. તમે જરાક બારીકાઇથી એ ગંદા પુરુષોની દુનિયામાં ડોકિયું કરશો, તો જણાશે કે તેઓ ‘રહી ગયેલા’ લોકો છે. જે સ્ત્રીની તેઓ સ્વાદપૂર્વક અમથી નિંદા કરી રહ્યા છે, તેમને તે સ્ત્રીએ ક્યારેક ‘ના’ પાડવાની ગુસ્તાખી કરી હશે.
સામા પુરુષ સાથે હસીને વાત કરનારી સ્ત્રીની ખાનગીમાં કૂથલી થાય એવા સમાજમાં દર્દમંદ શાયર કેમ કરીને ટકે? ચિક્કાર ઓડિટોરિયમમાં ગઝલ પેશ થાય, ત્યારે ઊછળી ઊછળીને દાદ આપનારાં પતિ-પત્ની ખુરશી પર પાસપાસે બેઠાં હોય છે. બંને જાણે છે કે ગઝલ પ્રિયતમા પર લખાય છે, પત્ની પર નથી લખાતી. જીવનમાં જે પ્રાપ્ત ન થયું, તે ગઝલમાં મળી ગયું! હૃદય સત્યવાદી હરિશ્વંદ્ર બની ગયું!
આજકાલ મારા હૃદય પર કૃષ્ણ સવાર થયા છે. એક એવું પુસ્તક મળી ગયું, જેને કારણે મારો શ્રાવણ સાર્થક થયો. આવું બન્યું તે માટે આપણી ભાષાના મૂર્ધન્ય સારસ્વત અને સાહિત્યકાર ભોળાભાઇ પટેલ જવાબદાર છે. એમણે એક પુસ્તક પ્રેમથી મોકલી આપ્યું: ‘વૃંદાવન મોરલી વાગે છે.’ (સંપાદન: ભોળાભાઇ પટેલ અને અનિલા દલાલ, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ, રૂ. ૧૬૦). સંપાદકોએ ભારતીય કૃષ્ણભક્તિની કવિતાને કેન્દ્રમાં રાખીને જે પ્રાસ્તાવિક લખ્યું છે તે અદ્ભુત છે. અહીં માત્ર એક અંશ પ્રસ્તુત છે:‘ભાગવતના પ્રારંભમાં ભક્તિ નારદમુનિને કહેતી સંભળાય છે:
હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઇ,
કર્ણાટકમાં વૃદ્ધિ પામી.
ક્યાંક ક્યાંક મહારાષ્ટ્રમાં સન્માન પામી
અને ગુજરાતમાં વૃદ્ધત્વને પામી.
પણ પછી પોતે વૃંદાવનમાં સ્વરૂપવાન નવયુવતી થઇ, એવું ભક્તિએ કહ્યું હતું. (અલબત્ત, ભક્તિની આ ઉક્તિ મૂળ ભાગવતના રચનાકાળની છે)’ ભારતનાં બધાં જ રાજ્યોની લોકભાષાઓમાં કૃષ્ણની મોહિની કેટલી પ્રબળ રીતે પહોંચી છે તેનો ખ્યાલ આ પુસ્તક વાંચ્યા વિના ન આવે. કોઇ કૃષ્ણભક્ત ગુજરાતી આ પુસ્તક વાંચવાનું ટાળી ન શકે.
વેદમાં મનુષ્યને ‘ભૂમિપુત્ર’ ગણાવવામાં આવ્યો છે. જે ભૂમિપુત્ર હોય તેણે વૃક્ષમિત્ર, પુષ્પમિત્ર, વરસાદમિત્ર, આકાશમિત્ર અને વિશ્વમિત્ર બનવું જ રહ્યું. આજનો માણસ કેળું ખાય છે, પણ કેળ સાથે એને કોઇ સંબંધ રહ્યો નથી. એ લીંબુનું શરબત પીએ છે, પણ લીંબણમાતા સાથે એને કોઇ લેવાદેવા નથી. રોજ સવાર તો પડે છે, પણ સૂર્યોદય અપરિચિત રહી જાય છે. માણસ સંબંધ વિનાના સંબંધોની ભીડમાં અટવાઇ મરે છે. આજનો સિન્થેટિક માણસ જીવવાની ટેવને લીધે જીવતો રહે છે. અરે! આ ધોધમાર વરસાદ આવી પહોંચ્યો! અસ્તિત્વનો ઉત્સવ શરૂ થઇ ગયો છે.
આપણું સમગ્ર બીઇંગ રોમેરોમથી થનગની ઊઠે એવો અદ્ભુત કલાક પૂરી આક્રમકતા સાથે આવી પહોંચ્યો છે. આવા થનગનતા અને મનગમતા કલાકનું અભિવાદન કરવાનું ચૂકી જાય તે માણસ ‘નાિસ્તક’ ગણાય. જો આવો એક કલાક એળે જાય, તો જીવન પાંજરાપોળ બની જાય એ શક્ય છે. ક્યારેક પાંજરાપોળમાં પણ બધી સગવડ હોય છે. ગમે તેટલી સગવડયુક્ત પાંજરાપોળ પણ ગૌશાળા ન બની શકે. જ્યાં માણસને ઊધ્ર્વમૂલ થનગનાટની અનુભૂતિ થાય ત્યાં ગોપાળકૃષ્ણ માંડ એક વેંત છેટા!
પાઘડીનો વળ છેડે
વિરહ દરમિયાન સ્નેહ ઓછો થાય
એમ લોકો કહે છે,
પણ એવું નથી.
એવું ખરું કે વિરહ દરમિયાન
એ ભોગવવાનું બનતું નથી.
પરિણામે ધીરે ધીરે
રસ એકઠો થતો જાય છે
અને રસ વધે તેમ
પ્રેમનો પૂંજ બનતો જાય છે.
મહાકવિ કાલિદાસ (‘મેઘદૂત’માંથી)
********
Advertisements

સપ્ટેમ્બર 28, 2010 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

6 ટિપ્પણીઓ »

 1. સુંદર (અને વાસ્તવિક) ઉદાહરણ સાથેનો લેખ

  ટિપ્પણી by હિરેન બારભાયા | સપ્ટેમ્બર 29, 2010 | જવાબ આપો

 2. શ્રી હિરેનભાઇ

  આભાર…તમારા બ્લોગ પર પણ થોડી લટાર મારીને આવ્યો. સરસ છે.

  લી.પ્રફુલ ઠાર

  ટિપ્પણી by prafulthar | સપ્ટેમ્બર 29, 2010 | જવાબ આપો

 3. very well written prafull mama… proud to see u

  ટિપ્પણી by Mona | સપ્ટેમ્બર 29, 2010 | જવાબ આપો

  • Dear Mona
   Thank u
   Please forward to your friends and relatives and visit my other articles too.
   Praful Thar

   ટિપ્પણી by prafulthar | સપ્ટેમ્બર 29, 2010 | જવાબ આપો

 4. it is very good thought.

  ટિપ્પણી by sojitra haresh | ઓક્ટોબર 5, 2010 | જવાબ આપો

 5. સોજીત્રા હર્ષ,
  આભાર…
  પ્રફુલ ઠાર

  ટિપ્પણી by Praful Thar | ઓક્ટોબર 5, 2010 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: