Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘યોગ-વિયોગ’ -પ્રફુલ ઠાર


આપણે કોઇ મોટેરાંને ઘરે આવવાનું આમંત્રણ આપશું તો અચુક તેના મોઢામાંથી સાંભળવા મળશે કે ભાઇ યોગ હશે તો જરૂર તમે બોલાવો છો તો આવશું અને હસતાં હસતાં કહેશે કે જો તમે નહી પણ બોલાવો અને એના યોગ હશે તો આવી જ જશું.
માણસ પોતે ઘણું કરવા ઇચ્છે પણ યોગ જ ન હોય તો તે તેના કાર્યમાં પાછળ પડી જાય છે અને તેની દોડ જોઇને અનુભવી કહેશે કે ભાઇ, ખોટી દોડ-ધામ શાને કરે છે ? એનો યોગ આવશે ત્યારે તે સમયે થઇ જશે. જો કે એક પ્રશ્ન જરૂર થાય કે તો શું તેની રાહ જોઇને બેસી રહેવાનું ?
મન ( નામ બદલીને કાલ્પનિક નામ છે.) અને હું બાળપણના મિત્રો. જોગાનું જોગે આવો જ એક યોગ આવ્યો અને અમો કાયદાકિય સ્થાઇ થવા, યુ.કે.નો હક્ક લેવા અમો બંને મિત્રો, શ્રીમતિ સાથે લંડનમાં જ હતાં અને સંજોગોના વિયોગે અમો બંને પાછા માદરે વતન પાછા ફરેલા.
એક સમી સાંજે મુંબઇની એક હોટલમાં અમે એકા-બીજાના અનુભવની વાત કરતાં બેઠાં હતાં અને મારા મિત્રએ પોતાના દિલની તેના અનુભવની વાત મને કરવાની શરૂ કરી..!
દોસ્ત, તેને યાદ છે કે લંડનમાં બેઠા બેઠા એક રાતે તેણે પોતાની જાતને એવો પ્રશ્ન પૂછ્યો હતો કે શું તેણે ભારત પાછા ચાલ્યા જવું જોઇએ ? છેવટે તેણે તેની વહારે આવવા ઇશ્ર્વરને પ્રાર્થના કરીને પ્રશ્ન કર્યો કે લંડનમાં જ રહીને જ તેના નસીબમાં લખ્યા હોય તે તમામ વિકલ્પોનો સામનો કરી લેવો અને ત્યાં રહેવું કે ભારત પાછા ફરવું ? અને ભગવાનની મરજીથી અંતે તેણે નિર્ણય લીધો કે તેણે ભારત પાછા જવું અને જઇને બધી જ મુશ્કેલીઓ વેઠીને સંજોગોનો સામનો કરવો. વિચારોના વમળોથી તેણે વિચાર્યું કે ‘પ્રભુ જ્યારે કોઇ પણ કામ માટે ના કહે, ત્યારે એમ વિચારવું કે ઇશ્ર્વરને એથી પણ કોઇ મોટી વાત હા માટેની હશે.’ ‘ ઇશ્ર્વરનો એ નકાર હોતો નથી, ફક્ત તેમાં દિશા બદલાયેલી હોય છે.’ અને મારા મિત્રએ તેનામાં એક ચેતનાના ચમકારાની જાગૃતી થતી જોઇ અને તેઓ. અનેકો યાદોની પોટલી બાંધી……પાછા ફર્યા.
યાદ તાજી કરતાં બોલ્યો, “૨૦૦૮ ની ઓગસ્ટ મહિનાની ૧૦ તારીખની સાંજે તેઓ લંડન ના હિથ્રો ઈન્ટરનેશનલ એરપૉર્ટ પર તેઓ તેઓના સબંધી સાથે ઊભા હતા. જેઓ તેઓને મૂકવા આવ્યા હતા. થોડું દિલમાં દુ:ખ હતું, અને કેમ ના હોય ? ખાસ્સા મહિના લંડનમાં જેની સાથે તેઓએ ગાળ્યા હતા પછી તેઓ પાછા ભારત પાછા ફરી રહયા હતા.”
મારો મિત્ર તેની શ્રીમતિ સાથે ૨૦૦૨ ની સાલમાં પણ ટુકા ગાળા માટે ફરવા લંડન ગયેલો એટલે તેને ત્યાં એરપોર્ટ પર ઉભા ઉભા જ તેને તેના મનમાં પ્રશ્ન થયો કે કયાં એ ૨૦૦૨ની સાડા ચાર મહિનાની યુરોપ-લંડનની યાદગાર મીઠી સફર અને કયાં ૨૦૦૭-૮ ની ખાટી-મીઠી સફર..? ૨૦૦૨ માં તેઓના સ્વાગતની ખુશી અને વળાવવાનું દુ:ખ હતુ. જયારે આ વખતે ૨૦૦૨ કરતા ……….વાત કરતાં કરતાં જરા તેની આંખમાં પાણી આવી ગયા
પ્લેન ઉપડતાંની સાથે જ તેને માટે લંડન તો જાણે એક સ્વપ્ન ની દુનિયા બની ગઇ !! તેની સમજ પ્રમાણે તો ત્યાંની સુખ-સાહેબી, સમૃદ્ધિ,,પૈસો, શાંતિ, બીજી બધી સુવિધાઓ અને ત્યાંના ઠંડા વાતાવરણના સ્વપ્નો જોતાં લાખો માણસો આખા વિશ્વમાંથી ત્યાં રોજ-બરોજ કામ માટે, ભણતર માટે, સહેલગા માટે કે હંમેશ માટે સ્થાયી થવા ત્યાં આવે છે. પણ તેમ છતાં મારા મિત્રની શ્રીમતી માટે તો લંડન અણગમાં સમાન હતું કારણકે ત્યાં રહીને તેની લાગણીઓ અને સંવેદનાઓને તેણે દબાવી દીધી હતી. આનું કારણ એટલું જ, કે તેઓ બીજાના ઘરે રહેતા હતા. બોલવામાં તો જાણે તેની શ્રીમતીજીના પક્ષે લોહિનો સંબંધ હોવાથી પોતાનું જ ઘર કહેવાય. જો કે લંડન જતાં પહેલાં તેઓને ખુશી એટલી હતી કે તેઓ સગા સબંધી, મિત્રો કે જાણતા અજાણતા દરેક ભાઇ, મિત્રો કે સગા-સબંધીઓને ખુશીથી કહેતા કે તેઓ ત્યાં હંમેશના વસવાટ કરવા જઇ રહયા છે.. કારણકે તેના દિલની અંદરની ભાવના ખુબ જ શુધ્ધ હતી. કે તે પોતે ભારતમાં ઘણી બધી સમસ્યાઓથી ખરેખર કંટાળી ગયો હતો. તેને તો ભારતમાં રહેવાની જરાય ઈચ્છા ન હતી. પણ, લંડનમાં ઘણાં મહિનાઓથી તેઓ અન્યના ઘરમાં રહેતા હતા તેથી એક સંકોચનો અનુભવ થતો હતો. પરંતુ, ખાસ કરીને ત્યાંના ધોળીયાઓ કે પછી જયાં જયાં કોઇ ત્યાંના ચોક્કસ માણસોને મળવાનું થતું ત્યારે તે લોકોની વાત કરવાની અદા અને માન તેને ગમતું. કારણકે અહિંના કરતાં તદ્દન ત્યાં ભિન્ન હતું. સાચું શું છે ! તે પોતે પણ નથી જાણતો. પણ, કદાચ લાગણીના પ્રવાહમાં દરેકને આવી જ અનુભૂતિઓ થતી હોય છે. ઈચ્છાઓ તો તેને નવું કંઇક કરવાની બહુ થતી હતી, ક્યાંક પોતાની રીતે જીવવાની….અને તેના કુટુંબના બધાને ત્યાં બોલાવીને સ્થાઇ થવા સાથે ક્યાંક કોઈકનો હૂંફાળો સાથ મેળવવાની…. પરંતુ તેના આ બધા સ્વપ્નો સાકાર થયા નહિ. કારણકે તેના દિલમાં એક એવા વ્યક્તિનું વ્યકતિત્વ જોવા મળ્યું કે જે પહેલાં કરતાં સાવ જ જુદો તરી આવ્યો હતો અને આથી આ અચાનક અનુભવથી પગ મૂક્યાના થોડા જ મહિનાઓમાં  તેનામાં રહેલી લાગણીઓ મૃત્યુ પામી.
આમ તો બધાં જ પ્રેમના સંબંધો કોઇક આઘાતની લાગણીઓની સાથે સાથે તેનામાંથી લુપ્ત થઈ ગયા હતા. તેનું દિલ તૂટી ગયાની વાતનો સ્વીકાર તેને પોતાને ન થતા તેણે સબંધોની ગાંઠો અને લાગણીઓનો પ્રવાહ ચાલુ જ રાખ્યા કારણકે તે હેબતાઇ ગયો હતો. તેને લાગેલો ઝાટકો એટલું જલદીથી તે માની શકે કે ભૂલી શકે એવી પરિસ્થિતીમાં તે હતો જ નહિ. કારણ કે કયાંક કયાંક કોઇક વાતો કાને સાંભળીને કે અનુભવો થતા ગયા ત્યારે તેનું મન આપોઆપ એ વિચારોથી મરતું ગયું. લંડનમાં આવીને તેની જિંદગીને મળેલા આવા અણધાર્યા વળાંક પર તેણે દિલમાં ગાંઠ વાળી લીધી કે લંડનના તેના અનુભવોનું ભાથું બાંધીને, જીવનના અણધાર્યા વળાંકોમાંથી કંઈક શીખીને, તે જાણે કે વેકેશન ગાળવા ભારત જઈ રહ્યો છે એવું તેને લાગવા માંડયું હતું. ખરેખર લંડનમાં બનેલી બધી જ ઘટનાઓ તેની આંખ સામે જાણે તરવરી રહી હતી.
મુંબઇ એરપૉર્ટ પહોંચ્યાના એનાઉન્સમેન્ટ થતાં જ તેણે મને કહ્યું જ્યારે તેની વિચારધારા તૂટી ત્યારે મનમાં સતત એમ થયા કરતું કે હવે ફરી લંડન પાછો જશે કે નહિ ? કારણકે લંડન અને લંડન ના લોકોએ જે શીખવાડવા જેવું હતું એ બધું જ તો તેને શીખવાડી દીધું હતું !! ખાસ તો લાગણીના સંબંધો અને જાણતા અજાણતા માણસોના મન પત્યે તે જરા ગંભીર બન્યો હતો.
ભારત આવીને તેના મનમાં એક અજંપા સાથે લંડન એક સ્વપનું હતું એમ સમજીને જીવન જીવવાનું નકકી કરી લીધું હતું. તેવામાં તે આવ્યાના પંદર દિવસની અંદર જ તેના નાના પુત્રે લંડન ભણવાના બહાને જવા માટેનો પ્રસ્તાવ મૂક્યો. કે જે તે અને બધાં જ લાગતા વળગતા એવી ભ્રમણામાં હતાં કે કોઇ પણ સંજોગામાં તેના પુત્રને હવે કોઇપણ જાતની જવા માટેની વિઝા પાસ નહિ થાય કારણકે આગળ જે કારણસર વિઝા નકારવામાં આવી હતી તે તેનું મુખ્ય કારણ હતું. બીજી બાજુ, બધા લાગતા વળગતાં પાછા કયારે જાવાના છો તેવો પ્રશ્ન પુછતાં ત્યારે તેનું કંઇ નક્કિ નથી કહેતા ત્યારે હિતેચ્છુઓ અફસોસ વ્યકત કરતાં અને કહેતાં તમે ફોગટનાં અહિં આવ્યા છો. જો કે મારા મિત્રના મનમાં શું ચાલતું હતું  એ બાબતે તો તેનો નાનો પુત્ર અને તેના ઘરના અને બીજા બધાં જ તદ્દન અજાણ હતા. તે હજી લંડન જવું કે નહિ તેનો કોઈ નિર્ણય આપી શક્યો નહતો. તે તેના પુત્રની વાતથી વિચારોમાં આવી પડ્યો અને તે કંઈ જવાબ ન આપી શકતો. પણ ગણતરીના દિવસોમાં જ બધાના જ આશ્ચર્યની વચ્ચે, તેનો પુત્ર કોઇ પણ જાતની મુસિબત વેઠ્યા વગર ફક્ત ચાર દિવસમાં સ્ટુડંટ વિઝા લઇને આવ્યો અને સાથે સાથે મારા મિત્રને પણ સાથે આવવા વિચારવાનું કહ્યું. જો કે તેની અને તેના શ્રીમતીજીના મનની અભિલાષાઓ તુટી ગઇ હતી. કારણકે તેને તો લંડન જઈને કંઈક બીઝનેસ કરીને કુટુંબ સાથે લંડનનાં જીવનમાં સ્થાયી થવાની ઈચ્છા થઈ હતી એટલે જ તો કોઇ અચાનક જ આવી પડેલો લંડન જઇ સ્થાઇ થવાનો ફાયદો સ્વિકારી લઇ નાણાં બગાડીને તેઓ લંડન પહોચ્યાં હતાં. ઘણી બધી વાતો યાદ આવતાંની સાથે જ તેની આંખોમાંથી આંસુ સરી પડતાં અને છેવટે તેણે કચવાતા હૈયે તેના પુત્રને જવાની પરવાનગી આપી. પુત્રએ લંડન જઈને નસીબ અજમાવવાની ઈચ્છા વ્યક્ત કરી. મારા મિત્રને અંદરથી આનંદ થયો કે ચાલો, છેવટે તેનો પુત્ર જઇ રહયો છે. જો કે તે કંઈ પણ વધુ કહેવા માટે લાચાર હતો કારણકે તે નિર્ણય કરી ચૂક્યો હતો. જો કે મારા મિત્રએ તો બધો જ ઉત્સાહ, પ્રેમ,લાગણી,સચ્ચાઇ અને બધાનો વિસ્વાસ ખોઈ ચૂક્યો હતો તેથી ફરી લંડન તો શું પણ તેને તો કયાય નથી જવું ફકત આ જીવનની યાત્રા જલદી પુરી થાય તેની રાહ જોઇને બેઠો છે. તેને તેના પુત્રની વાતમાં ડર હતો છતાં, તેના પુત્રને એક દિવસ લંડન જવાની વિદાય આપીને તેના ઘરના બધાં ફરી પાછા તેને શુભ આશિષ આપીને મુંબઇ એરપોર્ટ પરથી ઘરે આવી ગયા.
મારા મિત્રએ એક વાત ઉમેરતા કહ્યું કે એક વાત તો નક્કિ જ છે કે આજ સુધીના વર્ષોની આદર્શ ગણિતની મદદથી કરેલી ગણત્રી જોતા તેને સમજાયું કે નિર્ણય ખોટાં પડવાના ડરથી નિર્ણયો લેવાનું કેન્સલ ન કરવું કે મુલતવી ન રાખવું. તમારા નિર્ણયથી કદાચ સફળતા કે નિષ્ફળતા મળશે, પણ નિર્ણય નહીં લ્યો તો કંઈ જ મળતું નથી.. સારું-નરસું વિચારીને જે સાચો લાગે એ નિર્ણય લ્યો અને તમારા નિર્ણયનું ગૌરવ જાળવો. નિર્ણય કદાચ ખોટો સાબિત ઠરે તો એનો અફસોસ ન કરો. નિષ્ફળ નિર્ણયોમાંથી બહાર આવવા વધુ વિશ્ર્વાસથી નિર્ણય કરો. માણસને અંતે તો તેના નિર્ણયો જ સફળ બનાવતા હોય છે. ‘બહુ ઓછો સમય ઇચ્છા મુજબનું જીવનમાં થતું હોય છે અને તેથી જ ક્યારેક ક્યારેક વિચાર આવે છે કે પોતીકાનો જેને સાથ હશે તો તેને સિગારેટની જેમ ફૂંકાઇને ફેંકાઇ જવાનું હોતુ નથી પણ અગરબત્તીની જેમ સળગીને સુવાસ પાથરતા જવાનું હોય છે અને એ જ  મિશન હોવું જોઇએ !
કોઇકે સાચું જ કહ્યું છે કે…..
‘કોઇ મને ચાહે ને સમજે,
માણસનો એક જ અભિલાષ,
માણસમાં તો માધવનો વાસ.’
આ અભિલાષઓ જ માનવીને અનેક નવા પરિચયો તરફ આકર્ષે છે. અને પરિચયમાંથી જ સંબંધો જન્મે છે. કયારેક એ જીવનભર જળવાતા રહે છે. તો કયારેક પાનખરમાં ખરી પડતા પર્ણની જેમ ખરી પડતા હોય છે. કયારે, કોની સાથે લાગણીના તાણાવાણા જોડાઇ જાય એ કહી શકવું અશક્ય છે. કયારેક વરસોના પરિચય પછી પણ એક આત્મીયતા પાંગરી શકતી નથી, તો કયારેક એક નાનકડી મુલાકાત પણ જીવનભરના સંબંધોથી જોડાઇ જાય છે. ઘણીવાર કોઇ પ્રવાસમાં કે ટ્રેનમાં થયેલ ક્ષણિક મુલાકાત પણ બે કુટુંબોને હંમેશ માટે જોડી રાખે છે. એવો અનુભવ ઘણાંને થાય જ છે ને ? બની શકે આપને પણ એવો કોઇ અનુભવ કે એવો કોઇ સંબંધ મળ્યો જ હોય.
જીવનમાં પરિચય તો બિલાડીના ટોપની જેમ ગમે ત્યાં થતા રહે છે. પરંતુ એ પરિચયનું સંબંધમાં રૂપાંતર કંઇ એમ જ આસાનીથી નથી થઇ શકતું. એ માટે બંને પક્ષે પ્રયત્નોની જરૂર પડે છે. બંને વ્યક્તિની ઇચ્છા વિના સંબંધોમાં એક ડગલું પણ આગળ વધી શકાતું નથી. બંનેની માનસિકતા ઘડાય, એક થાય, વિચારો મળે ત્યારે પરિચયની દુનિયા વિકસે અને સંબંધોની દુનિયામાં એક પગલું આગળ વધાય.
સંબંધો જાળવવા સમયનો ભોગ આપવો પડે છે. એક સાવ સામાન્ય, સાદી સીધી વાત છે. કોઇ માટે તમને જો પ્રેમ ન હોય તો કોઇને તમારે માટે પ્રેમ શા માટે હોય ? આજે દરેક માનવી પ્રેમનો ભૂખ્યો હોય છે.
છેવટે હોટ ડ્રિંક્સની છેલ્લી ચૂસકી સાથે બોલ્યો, હાં ! એક વાત તો સ્વિકારવાની જ રહી કે ખરેખર ! લડંન એટલે સ્વપ્નો ની દુનિયા તો છે જ કે જયાં  દરેક ને કંઈક નવું જ શીખવતું આ શહેર…… કોઈ ને કદાચ ફળે, તો કોઈને ન પણ ફળે !. બાકી તો થયેલા અનુભવોની વાત જેટલી યાદ રહે એટલી પરેશાની વધારે…અને છેવટે એક ખુબજ જાણીતું ગીત યાદ આવી ગયું ‘જીંદગી કા સફર, હૈ કૈસા સફર…  કોઇ સમજા નહિ…  કોઈ જાના નહિ…’ તમને શું લાગે છે?
*********

 

 

Advertisements

નવેમ્બર 28, 2010 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: