Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

શૂન્યમાંથી સર્જન….. પ્રફુલ ઠાર


દરેક વ્યકિત પોતાની રુચિ પ્રમાણેના ક્ષેત્રમાં સફળ થવા ઈચ્છતો જ હોય છે. અને તેને પોતાના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવાની મહત્વકાંક્ષા હોય છે તેથી તે ઉત્સાહ અને લગનથી પોતાના કામમાં રચ્યો પચ્યો થઇ જાય છે. પણ થોડા સમય બાદ, જેટલા ઉત્સાહ અને ઉમંગથી સફળતાને પ્રાપ્ત કરવા નીકળેલો એ વ્યકિત, પોતાના એ ક્ષેત્ર ને લાચારીથી છોડવા મજબૂર થઈ જાય છે. ત્યારે સ્વભાવિક જ જાણતી અજાણતી વ્યકતિને આશ્ર્ચર્ય થઇ આવે છે અને મનમાં એક પ્રશ્ર્ન ઉદભવે છે કે એ વ્યકિતએ જે સપનાંઓ જોયેલા એનું કેમ આવું થઇ ગયું ? એનો ઉત્સાહ ક્યાં ચાલ્યો ગયો ? અને અનેક સારી નરસી અટકળો બાંધી લે છે કે કોને ખબર કે તેને શું અડચણ આવી હશે, પણ એ નક્કી જ છે કે જે પણ હશે; નહીં તો આ દોડતું હરણ આમ ઉભું રહી ન જાય, કારણકે મૃગજળ તરફથી કયાંક તો જાકારો મળ્યો હશે.
સાંભળેલા અને આંખની સામે અનુભવ ઉપરથી કહી શકું કે આવું ગણિત ઘણીવાર બનતું હોય છે. અને તેની પાછળનું રહસ્ય હોય છે… થોડાંક અણઉકેલી શકાય તેવા વિપરિત સંજોગો, કે પછી કોઇકે પ્રપંચ કરીને વિઘ્ન લાદયું હોય, કે જેનો સામનો તે વ્યકતિ ન કરી શકવાને કારણે તેણે પીછેહટ કરવી પડી હોય. સફળતા માટેની મહત્વકાંક્ષા એ સારી જ વસ્તુ છે. પણ કોઇ અપવાદરૂપે એ લક્ષ્ય એ વ્યકતિને કોઇ આપણાંમાનું જ કે જેને આપણે આપણાં હિતેચ્છુ માન્યા હોય અથવા તો ન ધારેલી આવી પડેલી કુદરતી આફતો, જે નિષ્ફ્ળતાનું કારણ તેને બનાવી દે છે. જો માણસ ખરેખર સફળતા ઈચ્છતો હશે તો કદી કોઈ બંધનોમાં બંધાઈ જઈને નાસીપાસ થતો નથી. જો કે તે વ્યકતિનું લક્ષ્ય આકાશ જેટલું વિશાળ હોવું જોઈએ અને જે રીતે એકલવ્યને એ પક્ષીની આંખ વિંધવા માટે આપેલી ચુનોતીમાં તેને તે પક્ષીની આંખ સિવાય બીજું કંઇ જ દેખાતું હોતુ નથી. તેમ મહત્વકાંક્ષીએ પણ તેની સફળતાના લક્ષ સિવાય બીજું કંઇ જ જોવું જોઇએ નહિ. જેવી રીતે પંકજ ઊધાસનું ભજન છે ને !… કે मुजे लागि लगन…..मीरा हो गई….આવી લગન લગાડ્યા પછી ક્યારે, કેટલા સમયમાં, કેવી રીતે, શું બન્યું અને તમે કોઇક એવી સફળતાએ કયારે અને કેવી રીતે પહોંચી ગયા તેનો સ્વપને પણ અંદાજ નહીં આવે. હા…., તમને નિષ્ફળ બનાવે એવા ઘણાં પ્રસંગો, વિધ્નો,અવિશ્વાસ કે પછી ટાણે કોઇ ખપમાં ન આવે અથવા ઘણાં દખેડાં ઉભા કરીને દ્વિતામાં નાખી દે તેવા પણ આપણને મળી જવાની શક્યતા નકારી ન શકાય. પણ, જો આવા સંજોગોમાં પણ ખંત, ધગશ અને આત્મવિશ્વાસ સાથે સાથે કોઇ ઇશ્ર્વરના આશિર્વાદ હશે તો પાછા નહીં પડાય….ચાહે કોઇ પણ તાકાત માણસને પછાડવા ઉત્સુક બન્યાં હશે…
આજથી ઘણાં વર્ષો પુર્વેની એક સાધારણ સ્થિતિનાં એક કુટંબની  વાત છે કે આજના ધારા ધોરણ જેટલા પગાર ધોરણ કે બીજી કોઇ તકો, સગવડો કે વધારાની આવક નહોતી. તેવા દિવસોમાં પણ તે કુટુંબ મુંબઇ જેવા શહેરમાં ફકત પાંત્રીસ રૂપરડીમા હસતાં મોંએ ઘર ચલાવતી. અધુરામાં પુરું, કહેવત છે ને ! કે નબળો માણસ ‘એક સાંધે ને તેર તુટે’ તેમ તેઓ મુંબઇમાં જ્ઞાતીએ ફાળવેલી નાની એવી ભાડાંની જગ્યામાં રહેતા હતાં. પણ એ રહેઠાંણ એવી જગ્યા ઉપર હતું કે, બહારગામથી અને દેશ વિદેશ એવા, આફિ્કા અને એડન જેવા પરદેશમાંથી, કે કોઇ દરિયાઇ જહાજ મારફત, કે કોઇ છુક છુક ગાડી મારફત તો ખરું જ. સાથે સાથે, મુંબઇમાં જ રહેનારા સગાસંબંધી, મિત્રો અને મહેમાનોનું પણ આવાગમન ચાલું જ રહેતું અને પાછું કોઇ જ ખાધા પીધાં કે મહેમાનગતિ માણ્યા વગર તો જતું જ નહિ. ઉનાળો હોય કે શિયાળો કે કંઇ બીજું કારણ હોય પણ સવાર,બપોર કે પછી સાંજ કેમ ન હોય પણ માણસ, ઘડી બે ઘડી આરામ કે કંઇ પેટમા પામીને જ જાય…
‘ મહેમાનો તો નસીબદારને ત્યાં જ આવે ‘ એવી માન્યતા હોય, કે પછી કુદરતની કંઇ પરીક્ષા હોય તેમ અધૂરામાં પુ્રું, મુંબઇ જેવા શહેરમાં ડૉકટરી સારવાર કરવા કે કોઇ બીજા કારણસર પિયરિયાઓનાં ધામા તો હોય જ. આ બધી હસતા મોંની ઉપાધીઓની સાથે સાથે, ઓછી આવકમાં ઘર ચલાવવાનું, ઘરના બાળકોને સંભાળવાનું, મહેમાનોની આવાગમ સંભાળવાની અને સાથે સાથે હૉસ્પિટલોનાં ખાણી પીણીના ટીફિનો સાથે ધક્કા પાંસેરી તો વધારાની જ !………..અને પાછા જવા ટાણે ! અરે પાય પૈસો તો ઠીક, પણ ન તો જિંદગીમાં એવા બે મીઠા શબ્દો કહેતા જાય, કે કંઇ કામ હોય તો જરૂર મુંજાશો નહિ, કે પછી ન તો સાધારણ ઘરમાં આંખે જોયા છતાં પણ, જોઇતી જીવન જરૂરિયાતની વસ્તુ મેલતા જાય ! ધન્ય એ કુટુંબને, કે આવા સંજોગોમાં પણ, ઘણાં બધાનાં સારા પ્રસંગો જેવા કે વેવીશાળ, લગ્ન, શ્રિમંત, સુવાવડો કે કોઇ સગાનાં બાળકોને પોતાને ત્યાં રાખી ભણાવી ગણાવી અને બે ચાર વર્ષ ઘરે રાખીને તેની પાછળ ખર્ચો પણ કરે. જો કે આ ઉમદા કુટુંબની વાતોનો અણસાર સુધ્ધા તે સગા સંબંધી કે મહેમાનોની નવી પેઢીને ખબર જ નથી. ઘરમાં ઘણી વસ્તુઓના ફાં ફાં હોય પણ સહેજે કોઇને કહે નહિ કે કયાંક હાથ લાંબો કરે નહી ! અને આ બધું જ કુદરત પણ ચલાવતી….
એક દિવસ એવો આવ્યો કે કુટુંબના કમાતા ધણીની નોકરીમાંથી સાંઇઠ વર્ષે નિવૃતીના દિવસો નજદિક આવી ગયા અને તે ભલા માણસ તેના પરસનલ ખાતાના મેનૅજર પાસે પોતાના પુત્ર માટે નોકરીની યાચના કરવા ગયા અને એ અભિમાની માણસે તેનું અપમાન કરી અડધુત કરી “હાલ્યા આવો છો” કરીને કાઢી મુક્યાં. જો કે પોતાના પુત્ર માટે નોકરી માંગવા જનાર એ ભલા માણસની આબરૂ, તેની સાથે નાનાથી મોટા કામ કરનારાઓમાં ખૂબ જ હતી અને બધાએ તેને સાંત્વન આપ્યું અને એક દિવસે ઘર ચલાવવાની ચિંતા લઇ માન સાથે નિવૃતિ લીધી દુ:ખની વાત તો એ હતી કે એ અભિમાની પરસોનલ મેનેજરેના પૂછડાએ થોડાં જ દિવસની અંદર તેના સગ્ગા સાળાને નોકરીએ રાખ્યો પણ જેને જરૂરત હતી એને મદદ ન કરી….
દિવસો જતા, તેના મોટા પુત્રને વળી તેના જમાઇની ભલામણથી સારી જાહેરાતની કંપની ચલાવતી કંપનીમાં નોકરી મળી ગઇ જેથી તેણે ઘરની જવાબદારીની ચિંતામાં ને ચિંતામાં કોલેજના તે જમાનાના બે વર્ષ વાણિજ્ય ક્ષેત્રે પુરા કરી ભણવાનું અધૂરૂ છોડી દીધું. અને જોગ સંજોગે, બે વર્ષના ટૂંકા સમયમાં, દરેક કામની સફળતા અને ચપળતાથી તેને તે જાહેરાત વાળી કંપનીમાં ઘણી જ જાણકારી તો પ્રાપ્ત કરી પણ સાથે સાથે દુનિયાદારીના સંબંધો વિક્સાવ્યા. જો કે, પગારની શરૂઆત ઓછી હોવા છતા પિતાશ્રીને રાહત આપવા માંડી. સાથે સાથે તેણે તેના પિતાશ્રી નિવૃત થયા હતા અને જયાંથી જે મેનૅજરે ના પાડી હતી તેની માહીતી કાઢતા કાઢતા તેની લગન અને કુદરતની કુણી નજરથી કોઇક એવો કાયદો આવ્યો કે તેને પિતાશ્રીની જુની ઑફિસમા નોકરી મળી ગઇ. જોગાનું જોગે, જાહેરાત વાળી કંપનીના બે વર્ષના અનુભવે તેને કામની ચપળતા, સુજ અને સાથે કામ કરનારની સાથેના સંબંધો સારા વિકસાવ્યા હોવાથી તે તેની ઓફિસમાં લાડકવાયો થઇ ગયો. જોત જોતામાં બીજા બે વર્ષમાં તેની સાથે જ કામ કરતા એક મિત્ર સાથે ચર્ચા વિચારણા કરી, ઓફિસ કલાકો પછી જે કંઇ સમય મળે તે સમયનો લાભ લઇ પાર્ટનરશીપમાં નાના પાયે બંનેએ મળી ધંધો શરૂ કર્યો. નસીબે બંને મિત્રોમાં સારો બનાવ અને એકા બીજા માટે સારું માન રહેતું અને પરસ્પર કુટુંબ જેવા સંબંધો થઇ ગયા.ખુબ જ મહેનતથી અને મૂડીનું રોકાણ કર્યા વગર ધંધો સારો એવો વધારી દીધો..
એક દિવસ, કોઇ પણ જાતના રોક ટોક કે સંબંધો બગાડ્યા વિના બંને મિત્રો અલગ થઇ પોતપોતાની રીતે એ જ ક્ષેત્રે આગળ વધ્યા. ધંધો બંનેનો સારો હોવા છતાં પોતાની નોકરી છોડી નહિ અને તે પછી, બીજા ઘણી જાતના ધંધામાં પણ જંપલાવ્યું હોવા છતાં બીજા ત્રણ દાયકા નોકરીમાં કાઢી નાંખ્યા અને આજે પણ શૂન્યમાંથી સર્જન કરનારનો મોટો પુત્ર અને નાનોભાઇ જે વર્ષોથી તેની સાથે જોડાયો હતો તે એ હરણફાળ સંજોગોમાં પણ આજના દિવસોમાં ધંધો સંભાળી રહયા છે.
તમે પણ તમારા ક્ષેત્રમાં આટલી તલ્લીનતા કેળવશો, તો દુનિયાની કોઈ તાકાત તમને સફળ બનતા નહીં અટકાવી શકે. શું માનો છો ? બરાબર ને !?! તમારે માત્ર તમારા ક્ષેત્રમાં રસપૂર્વક કામ કરતા રહેવાની જરૂર છે. ઘણા લોકો એમ કહે છે કે સફળતા માટે ધીરજ રાખવી પડે, કોઇ વળી સલાહ આપશે કે ભાઇ, તે આપણાંથી ન થાય, વળી કોઇ સલાહ આપશે કે પ્લાન વગર બધું નકામું. કયાંક કોઇ આપણાં સંબધી કે જેઓ ખુબ જ ટોચના શિખરે બેઠા હોય અને જો આપણે કહેશું કે “તમારી ઉંચી ઉંચી ઓળખાણ છે તો અમને એની પાસેથી ધંધો અપાવો ને!” તો કહેશે “હું તેને એમ કેમ કહું !” “એના કરતા તો આપણી પોતાની મહેનતથી જ જે કાંઇ ધંધો લઇ આવ્યે તેની સાથે ધંધો કરવો વધારે સારો” અથવા તો કહેશે કે “એ વ્યકતિ બહુ મોટી છે એટલે એની સાથેના મારા સંબંધો અલગ પ્રમાણેના છે એટલે મારાથી તેની સાથે કામ પુર્તિ જ વાત થાય”…વગેરે વગેરે…છવટે મદદ તો દૂરની વાત રહી પણ સરખો જવાબ પણ ન મળે !
જોકે, મારું તો એવું માનવું છે કે તમે જો તમારી મહત્વકાંક્ષામાં તમે પોતે જ રસપૂર્વક કામ કરવાની ઈચ્છા અને બધાની સાથેનો લેતી દેતીનો વ્યવહાર જો વ્યવસ્થિત અને ચોખ્ખો રાખ્યો હશે, તો તમારે ધીરજ અને ના ધીરજ જેવા શબ્દોની કે બીજા પાસેથી કોઇ પણ જાતની આકાંક્ષાની પણ જરૂર નહીં પડે. અને ખરી સફળતા તો એ હશે કે, જેઓએ ઉંચી પદવીઓ કે ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરેલો હોય તેવા લોકોને પણ કાંઈ સમજણ ન પડતી હોય અથવા જેમાં તેઓ અટવાયેલા રહેતાં હોય છે તેવા ઉલજન ભરેલા કામમાં પણ તમે રાત દિવસ કે ઘડિયાળની સામે જોયા વગર માથું મૂકીને કલાકો સુધી બેસી શકશો….તો શું એ જ સફળતાનું શિખર નથી ? જો કે સફળતાની મર્યાદા સાથે સાથે બીજા સાથેના સુખ દુ:ખના વ્યવહારમાં પણ ઉભા રહેવું એટલું જ આવશ્યક છે. આજના દિવસોમાં પણ એ કુટુંબના વડવાઓ તો રહયા નથી પણ આજે પણ એજ પહેલા જેવી ઘરમાં આવાગમો, એજ વ્યવહાર, એજ સત્કાર, એજ નિખાલસ પ્રેમ વગેરે વગેરે તો ચાલુ જ છે……બાકીના પ્રસંગોની સફળતા અને નિષ્ફળતાનો પૂર્ણ વિરામ તો એ લલાટે લખેલાં તેના વિધિ ના લેખ જ કરી શકે.
એક વાત તો સાચ્ચી જ છે કે, જન્મથી અંધ વ્યક્તિને કોઇ પણ વસ્તુ બતાવવી, કે પછી તેને તે સમજાવવાનું જેમ અઘરું છે, કે ‘બગલાની પાંખ જેવું’, ‘સફેદ દૂધ જેવું’…. વગેરે… વગેરે… શબ્દોથી તેને ભલા શું ખ્યાલ આવે ? સફેદપણું જ શું છે તે હજારો શબ્દોથી પણ તેને સમજાવી ન શકાય. એ સફેદ પણાની સમજ તો જેને દષ્ટિ હોય તેને જ તેનો ખ્યાલ આવી શકે……ખરું ને?
બાકી તો આગળ આગળ જે કાંઈ ઉંચાઇઓ કે સફળતાઓ તમને મળે , તો એ તમારી સફ્ળતાના પરિશ્રમની કોઇ કદર કરે કે ન કરે પણ તમારું દિલ અને ઇશ્ર્વર તો તમારી કદર જરૂર કરશે
*********
Advertisements

એપ્રિલ 9, 2011 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

4 ટિપ્પણીઓ »

 1. એક્દમ સાચુ કહ્યુ આપે ભાઇ , આજ ના નવયુવાનોને પ્રેરણા આપે એવી વાત કહી આપે .. અભિનંદન ….!

  ટિપ્પણી by chetu | એપ્રિલ 9, 2011 | જવાબ આપો

 2. પ્રફુલભાઈ,
  એક યોગાનુયોગ આર્ટીકલ આ લીંક પર પણ છે પોસિબલ છે કે એમાંથી ઉપાય મળી આવે:

  http://netvepaar.wordpress.com/2011/03/23/the_dip_review/

  ટિપ્પણી by મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! | એપ્રિલ 9, 2011 | જવાબ આપો

  • શ્રી મુર્તઝાભાઇ

   આભાર ! જો કે આપે આપેલી લીંક જોઇ પણ એમાંથી આપ કયા ઉપાય વિશે લખી રહ્યા છો તે મારા ધ્યાનમાં આવ્યુ નહી કારણકે મારા લેખનો વિષય કંઇ અલગ અને મારી આંખની સામેનો પ્રસંગ વર્ણવેલો છે.

   પ્રફુલ ઠાર

   ટિપ્પણી by Praful thar | એપ્રિલ 9, 2011 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: