Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

શ્રી સ્ત્રી સંસ્થાઓએ ઝીલવાના છે નવા પડકારો! -કોકિલાબેન અંબાણી


[હમણાં જ થોડા દિવસ પહેલા મંબઇની સાંતાક્રુઝ સ્ત્રી મંડળે ‘સાંપ્રત સમાજ અને સ્ત્રી સંસ્થાઓ’ વિશે એક સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું હતું અને મુંબઇની ઘણી સ્ત્રી સંસ્થાઓએ હાજરી આપી હતી અને પોતાના મંતવ્યો રજૂ કર્યા હતાં. જેમાના એક ભાગ રૂપે ‘શ્રી કોટ હિન્દુ સ્ત્રી મંડળ’ના પ્રમુખ શ્રીમતી કોકિલાબેન ધીરુભાઈ અંબાણીનો પ્રતિભાવ અહિ પ્રકાશિત કરતા આનંદ અનુભવ્યે છીએ.]

મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આવેલી મોદી સ્ટ્રીટના એક ખૂણે આવેલું ‘શ્રી કોટ હિન્દુ સ્ત્રી મંડળ’ નું ચાર માળનું મકાન આજે વિવિધ પ્રવૃતિઓથી ધમધમે છે. પરંતુ આજથી સાત દાયકા પહેલાં ૧૯૩૮ની સોળમી જુને તેની સ્થાપના થઇ ત્યારે આ મકાનની એક રૂમમાં જ તેનું અસ્તિત્વ સમાયેલું હતું. સ્વ:ગુણવંતીબેન ગાંધી અને સ્વ:કલાબેન પારેખ જેવી સંપન્ન પરિવારની બે મહિલાઓએ પોતાના નવરાશના સમયમાં કંઇક સમાજોપયોગી પ્રવૃત્તિ કરવાના ઇરાદા સાથે શ્રી કોટ હિન્દુ સ્ત્રી મંડળની સ્થાપના કરી હતી. તે દ્વારા ગુજરાતી સમાજની બહેનોને સામાજિક પ્રવૃતિમાં પલોટવાનો અને આત્મનિર્ભર બનાવવાનો તેમનો ઉદ્દેશ હતો. શરૂઆત માત્ર આઠ સભ્યોથી થઇ અને ૨૦૧૩ના જુન મહિનામાં મંડળ ૭૫ વર્ષ પૂરા કરી રહ્યું છે ત્યારે સભ્યસંખ્યા ૧૬૦૦ જેટલી થઇ ગઇ છે.

આજે સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ઇત્યાદી વિવિધ પ્રવૃત્તિઓથી મંડળનું મકાન ધમધમે છે. આ પ્રવૃત્તિઓ કરતી બહેનોને જોઉં છું ત્યારે વિચાર આવે છે કે આજે જે ‘વીમેન એમ્પાવરમેન્ટ’ ની જોર-શોરથી ચર્ચાઓ થાય છે તેની શરૂઆત મંડળે તો છેક પંચોતેર વર્ષ પહેલાં કરી દીધી હતી! પોણી સદી પહેલાં મોટા ભાગની સ્ત્રીઓનો સમય ઘરના કામ-કાજ, પારિવારિક ફરજો અને વ્યવહારોમાં જ વહેંચાઇ જતો. એ સમયે આવાં સ્ત્રી-મંડળો તેમની ભીતર રહેલી શક્તિઓને બહાર લાવવાની તાલીમ અને તક આપી પોતાના પગ ઉપર ઊભા રહેવાની ક્ષમતા કેળવતાં. એ પાયાનું કામ સ્ત્રીઓના જીવનમાં આગળ જતાં અત્યંત ઉપયોગી બન્યું છે તેની પ્રતીતિ  આત્મવિશ્વાસથી કામ કરતી સભ્ય બહેનોને જોઇએ ત્યારે થાય છે.

અમારા શ્રી કોટ હિન્દુ સ્ત્રી મંડળની જ વાત કરું તો આજે મંડળમાં ગૃહ-ઉદ્યોગ, હુન્નર ઉદ્યોગ, બાળમંદિર, દવાખાનું, ફિઝિઓથેરાપી યુનિટ, કોમ્પ્યુટર ક્લાસ, અને સીનિયર સિટિઝન્સની જિંદગીને સભર બનાવતી અનેક પ્રવૃત્તિઓ ચાલે છે. અન્ય મહિલા મંડળો પણ બહુધા આ પ્રકારની પ્રવૃત્તિઓમાં કાર્યરત છે.

પરંતુ હવે સ્ત્રીમંડળોનું કાર્યક્ષેત્ર માત્ર આટલા પૂરતું નથી રહ્યું. છેલ્લા એક દસકામાં શિક્ષણ અને ઇનફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રે જે અદ્ભુત પ્રગતિ થઇ છે તેના પરિણામે માનવીની જિંદગીમાં ગજબનું પરિવર્તન આવ્યું છે. અનેક નવી દિશાઓ ઊઘડી છે. આ પરિવર્તન અને સીમાઓ સાથે બહેનોએ પણ કદમ મિલાવવાના છે. અને આજની સ્ત્રી એ માટે પ્રયાસ કરી રહી છે. ઘર અને વ્યવસાય એમ બન્ને મોરચે એ સક્રિય છે. નવા વાતાવરણ સાથે જ નવા પડકારો પણ આવતા હોય છે. અને આસપાસ નજર કરીએ તો આપણે જોઇએ છીએ કે સ્ત્રીની પ્રગતિને સમાજમાં દરેક ખૂણામાંથી પોઝિટિવ પ્રતિભાવ નથી મળ્યો. હા, ક્યાંક ક્યાંક જરૂર તેનું મૂલ્ય થાય છે અને કદર પણ થાય છે પણ હજી પણ ઘણી જગ્યાએ એનું સન્માન જળવાતું નથી.આજે શિક્ષણના ક્ષેત્રનો જ વિચાર કરીએ તો છેલ્લાં કેટલાય વરસોથી બોર્ડની પરીક્ષાનાં પરિણામ આવે ત્યારે છોકરીઓ છોકરાઓ કરતાં બહેતર પરિણામ લાવતી રહી છે. આજે અનેક બેંકોમાં મુખ્ય અધિકારીના સ્થાને મહિલાઓ છે. આમ છતાં સ્ત્રીઓને પાત્રતા છતાં ઉચ્ચ હોદ્દાથી દૂર રાખવાની ઘટનાઓ આજે પણ અનેક ક્ષેત્રમાં બની રહી છે. આ પ્રકારના અન્યાયો સામે લડવા આજની સ્ત્રીએ માનસિક રીતે ઘણું મજબૂત થવું પડશે. સ્ત્રી-સંસ્થાઓએ એ દિશામાં ભૂમિકા ભજવવી જોઇએ.

છેલ્લા થોડાક સમયથી તો સ્ત્રીઓની સલામતી સામે જે જોખમો ઊભા થઇ રહ્યા છે એ એક સળગતી સમસ્યા જેવાં બની ગયાં છે. એટલે જ આજની સ્ત્રીએ માત્ર શિક્ષણ, વ્યવસાય, વ્યાપાર કે કલા ઇત્યાદિના ક્ષેત્રે આગળ પડતાં થઇ જવાનું પૂરતું નથી; તેણે પોતાની સુરક્ષા અને સલામતી અંગે પણ સજાગ બનવું પડશે. એ અંગે જાગૃતિ અને સજ્જતા કેળવવી પડશે. આ તમામ પ્રકારની જાગૃતિ અને સજ્જતા કેળવવાનું કામ પણ સ્ત્રીસંસ્થાઓએ પોતાના એજન્ડા પર રાખવું પડશે.

અને છેલ્લે, આ બધું કરતાં-કરતાં સ્ત્રીએ એટલું તો જરૂર યાદ રાખવું પડશે કે આ સૃષ્ટિ પર જ્યાં વહાલ, કરુણા અને મમતાભરી કાળજીની જરૂર લાગી ત્યાં ઇશ્વરે પોતાના પ્રતિનિધિ તરીકે સ્ત્રીને મોકલી છે. અને તેણે એ સંસ્કાર વારસો પોતાનાં સંતાનોને આપી આગળ ધપાવવાનો છે. સ્ત્રી સંસ્થાઓ આ દિશામાં પણ અનુભવ અને યૌવનનો સુમેળ સાધીને નવી પેઢીનું માર્ગદર્શન કરી શકે..

************

Advertisements

માર્ચ 28, 2013 Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos | | Leave a comment