Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

“દુર્જનોથી દુર રહેવામાં જ ભલાઈ છે….”-પ્રફુલ ઠાર


દરેક માણસને સારા અને ખરાબ અનુભવો વ્યક્તિ વ્યક્તિ વચ્ચે થતા જ હોય છે. કોઈ વ્યક્તિ સાથે સારો અનુભવ થાય એટલે સ્વભાવિક જ તેની સાથે મેળ રહે અને સબંધ રાખીએ અને વખત આવે તો તેના માટે તન,મન અને ધન પણ ખર્ચવા તૈયાર રહીએ છીએ. પણ ખરાબ, કે જેણે આપણે દુર્જનની ઉપમા આપીએ છીએ તેનું શું?

અનુભવો ઉપરથી સારા માણસો કે જેને આપણે સજ્જન કહીએ છીએ તે માણસોની વાતમાં ઘણી વાર લોકો તેને હાસ્યમાં ઉડાવે છે અથવા મુર્ખમાં ખપાવે છે અને તેને બેસાડી દેવામાં આવે છે અથવા બીજા લોકો પાસે તેને ખોટી રીતે ઉતારી પાડવામાં આવે છે. આવી સાચી વ્ય્કતિને ઉતારી પાડનાર દુર્જન વ્યક્તિ સાથે ગમે તેટલો સદ્દવર્તાવ કે સદ્દવ્યવહાર કરો કે તેની સાથે નરમાશથી કે સારી રીતે વર્તો છતાંય તે કદી પણ તેની દુષ્ટતા છોડશે નહીં અને વખત આવે ત્યારે તે દુર્જન પોતાની જ ખરાબ છબી લોકો સામે છતી કરતો દેખાશે.

સાપને ગમે તેટલું દૂધપિવડાવો છતાંય તે તમારી સામે ડંખવા માટે ઝેર ઓકશે, કારણકે સાપનો તે જન્મજાત સ્વભાવ જ ડંખ મારવાનો છે. આ દ્નષ્ટાંતનો મતલબ માનવજાત સાથે પણ સંકળાયેલો છે. દુનિયામાં બે પ્રકારના માનવો જોવા મળે છે; સજ્જન અને દુર્જન. સજ્જનો કયારેય તેમની સજ્જનતા ચૂકતા નથી અને દુર્જનો તેમની દુષ્ટતા છોડતા નથી કારણકે દુર્જન માણસને બીજાને હેરાન કરવામાં એક પ્રકારનો વિકૃત આનંદ મળતો હોય છે કે જે સામી વ્યક્તિનું સુખ ખમી શકતો હોતો નથી.

મેં એક હંસ અને કાગડાની દ્નષ્ટાંત રૂપી વાર્તા વાંચી હતી.એક હંસ અને એક કાગડો હતા. બન્નેના માળા સામ સામે ઝાડ પર હતા તેથી લોકોની દ્નષ્ટીએ બન્ને મિત્રો દેખાતા હતા. હંસ સજ્જન હતો જ્યારે આમેય કાગડો પક્ષીઓમાં ચતુર અને લુચ્ચા તરીકે જાણીતો છે જે દુર્જન હતો.

હંસના કુટુંબીઓ હંમેશા દુષ્ટ કાગડાથી દૂર રહેવા અને તેની સાથે મિત્રતા નહી બાંધવાની સલાહ આપતા અને કહેતા કે તને તે ક્યારે હેરાન કરશે તે તને ખબર પણ નહી પડે. હંસલો વાત સાંભળતો પણ તે વિચારતો કે તે જ્યારે તેનું ખરાબ કરતો નથી કે ઈચ્છતો નથી તો તે થોડું તેનું બગાડશે? વિચારી મિત્રતા ચાલુ રાખી.

એક વખત, કોઈ એક પથિક મુસાફરીથી થાકીને બપોરના સમયે તે ઝાડ નીચે આરામ કરવા સૂતો. હંસ પણ તે ઝાડની ડાળી ઉપર બેઠો હતો. તેણે જોયું તો તે સૂતેલા પથિકના મોઢા પર સૂરજનો સીધો  તડકો પડતો હતો. તેણે વિચાર્યું, કે જો તે તેની બન્ને પાંખો પથિકના મોઢા પર ફેલાવે તો તે પથિકને શાંતિ મળે અને ચેનથી સૂઈ શકે. આમ વિચારી હંસે બન્ને પાંખો ફેલાવી દીધી. ત્યાં જ, અચાનક દુષ્ટ કાગડો ત્યાં આવી ચઢ્યો અને હંસને કહેવા લાગ્યો બીજાને માટે તું પોતાની જાત પર દુ:ખ વેઠીને શા માટે તેને છાંયડો આપે છે? હંસે સહજતાથી કહ્યું કે તેને ક્યાં આખી જિંદગી તકલીફ વેઠવાની છે? પથિકતો થોડો વિસામો લઈ તેને રસ્તે પડશે. વાત સાંભળીને તે દુષ્ટ કાગડો ઈર્ષાથી સમસમી ગયો. તેનાથી આ ખમાણું નહી એટલે હંસને ખબર ન પડે તે રીતે પેલા સૂતેલા પથિક પર ચરક કરી અને ધીમે રહીને પલાયન થઈ ગયો.

પથિકના મોઢા પર ચરક પડવાથી ગુસ્સાથી સફાળો જાગી ગયો અને જોયું તો ડાળી પર હંસ બેઠો હતો. અને બસ…બાજુમા જ પડેલો એક પથ્થર લઈ હંસને ગાયલ કરી દીધો.

તેવી જ રીતે એક પાત્રમાં કસ્તુરી અને બીજા પાત્રમાં હિંગ મૂકી બંને બાજુબાજુમાં રાખવામાં આવે તો કસ્તુરીની સૂવાસ અલોપ થઇ જાય છે અને વાતાવરણમાં હિંગનીવાસ ફેલાયા વગર રહેશે નહી. માટે જ દુર્જન વ્યક્તિને તમે ગમે તેવી પદવી પર બેસાડશો, ગમે તેટલો સબંધ, મિત્રતા, સદ્દવર્તાવ કે તેના પર વિશ્ર્વાસ રાખશો કે પછી ઉપકાર કરશો છતાં પણ તેની વિચારશ્રેણીમાં કોઈ ફરક પડતો નથી અને સત્તાના અતિરેક મદથી છલકાઈને દુષ્ટતા આચર્યા વગર રહેતો નથી. અને સારી વ્યક્તિને ઉતારી પાડવામાં તે નથી ખચકાતો કે તેને કારણે સામે વ્યક્તિને થતી નુક્શાનીને તે ગણકારતો.

આ બધા દાખલાઓ આપવાનું કારણ એક જ છે કે આજે મુંબઈ જેવા મોટા શહેરોમાં છેલ્લા પાંચ એક વર્ષથી જુના મકાનો માટે રી-ડેવલપમેન્ટ માટેની પ્રક્રિયાઓ ઘણી જગ્યાઓ પર ચાલી રહી છે પણ બદમાસ અને દુર્જન બિલ્ડરો અને સંકુલના સ્વાર્થી અને બિલ્ડર સાથે સાંઠ-ગાંઠ વાળા અમુક સભ્યો, કે પછી સરકાર કાયદાની આંટીઘુંટી લાદી રહીશોને મચક આપતી નથી અને તેને કારણે ઘણાં કુટુંબો આજે કુટુંબના વધવા છતાં, જમીન અને ઘરના ભાવમાં ધરખમ વધારો થવાથી અને સાધારણ સ્થિતી હોવાને કારણે કે કોઈ બીજા એવા ઘણાં અંગત કારણોથી નવા ઘરો લઈ શકતા હોતા નથી અને ન છૂટકે જુના મકાનોમાં રહે છે.

હમણાં જ થોડા દિવસ પહેલાં શહેરના એક પરામાં એક જીનાલયને પચ્ચીસ વર્ષ પુરા થયાનો રજોત્સવ ઠાઠ-માઠથી, રોશનીના જગમગાટ અને ભાત ભાતના પકવાનો સાથે સાત સાત દિવસ સુધી ઉજવવામાં આવ્યો. સાથે સાથે ધર્મ અને ભક્તિ પણ કરવામાં આવી પણ મહોત્સવ મનાવી રહેલા અને જમીનને લગતા ફાયદાઓ વાપરી ખાઈને બેસનાર એ મંદિર બાંધનાર બિલ્ડરના હ્યદયમાં ત્યાંના રહેવાસીઓ માટે જરા પણ દયાનો છાંટો નથી કે નથી સંકુલના રહેવાસીઓને પોતાનો હક્ક આપતા કે સરળતાથી આગળ કામ થાય અને તે માટેની મદદ કરી સહકાર આપતા. ઉપરથી, ઉપકાર કરતા હોય તેમ તેઓ સાથે વ્યવહાર કરે છે.

જોવાની ખૂબી તો એ છે, કે સંકુલમાની ચુનંદી વ્યક્તિઓ પોતે બધી રીતે સુખી હોવાથી અને તેમને નવા બાંધકામની જરૂરત ન હોવાને કારણે તેઓ, તે બદમાસ બિલ્ડરની સાથે ભળી, બીજાને માટે અવરોધ રૂપ બનતા રહે છે. નવાઇની વાત તો એ છે કે, બાબતો દિવા જેવી સાફ હોવા છતાં આમાની ઘણી વ્યક્તિઓ જે સિધ્ધાંતના ચક્રધારી અને ધર્મમાં ચુસ્ત ગણાતા પુરેપુરા ઉપર લખેલી વાર્તાના દ્નષ્ટાંત જેવા કાગડાની જેમ ચરકી જઈ અને મહેનત કરનારાને પાછળ પાડી દેતા શરમાતા પણ નથી હોતા. મને એ લોકો વિશે વિચાર આવે છે તેમ તેમ તેમની બોલવાની અને વિચારવાની વાતો વચ્ચે આસમાન-જમીનનું અંતર દેખાય છે કારણકે આવા સુજ્ઞ મહાનુભાવો જ્યારે જ્યારે નીતિમત્તાની, દાનની, સદાચારની અને સદ્દભાવનાની વાતો કરે અને જે પોતાના લોકોનો પણ નાશ કરતા અચકાતા નથી ત્યારે કોઈ પણ વ્યક્તિ હસવું કેમ કરીને રોકી શકે ? અને ખરેખર તો એમની ધર્મ ગણતરીના દંભોના રહસ્યોને ઉકેલવા માટે તો કદાચ આપણે પી.એચ.ડી કરવું પડે !.

આ સુંદર મજાના મહોત્સવ સાથે મને પ્રશ્નો થયા કે આ તે કેવી ધર્મ ભાવના? આ તે કેવા દુર્જન માનવી? હમણાં જ મેં અમારા બ્લોગીસ્ટ શ્રી ગોવિંદભાઇ મારૂ પ્રકાશિત અને લેખક દીનેશભાઈ પાંચાલે લખેલો લેખ ઈશ્વરની ઈજ્જતની રક્ષા કરીએ વિષે મારા વાંચવામાં આવેલો જેમાં એક સુંદર પ્રસંગ મૂકવામાં આવેલો છે કે ધર્મ અને ભગવાનના માથા પર સૌથી વધુ હથોડા ધાર્મીકોએ માર્યા છે. માણસે ધર્મ અને ભગવાન બન્નેને રાતાં પાણીએ રડાવ્યા છે. એક દાખલો આપતાં લખ્યું છે કે એક માણસ રોજ વહેલો ઉઠીને મંદીરે જાય. ભાવથી પ્રભુપુજા કરે. પણ પાછા આવતી વેળા એની કાકીના ઘર પર એકબે પથ્થરો મારતો આવે. કાકી જોડે જો કે એ બે વચ્ચે કોઈ મીલકત વીષયક મનદુ:ખ હતું. જો કે જે કંઈ પણ હોય પણ શાણો માણસ પ્રભુપુજા અને કાકીના ઘર પર પથ્થર મારવાના આ અધમ કક્ષાની વાતને તે મંદિરમાં પ્રભુપુજાએ જનારને આવકારી શકે ખરો ?

મેં ક્યાંક દુર્જન પર પ્રહાર કરતા શબ્દો વાંચેલા કે કાંટાળા એવા દુર્જનો નો સામનો બે રીતે કરી શકાય એક તો જોડાથી તેનું માથુ ભાંગી નાખવું જોઈએ અથવા તો તેનાથી સો ગણું દૂર રહેવું જોઈએ.

બાકી તો એક વાત જરૂર સાચી છે કે જે ચાલે તે ઠોકર ખાય, પડીપણજાય છેવટે દુર્જનથી થાકી ગયેલો માણસ દુર્જનથી દૂર જ રહેવા સ્વિકારી લે છે અને તેમાં જ તેની ભલાઈ હોય છે.

******

Advertisements

જુલાઇ 8, 2013 Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos | | Leave a comment