Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

“પ્રકાશનો પર્વ એટલે દિવાળી”-પ્રફુલ ઠાર


દિવાળી એ એક ભારતીય સંસ્કૃતિના મુખ્ય તહેવારોમાંનો એક તહેવાર ગણાય છે. દિવાળીના દિવસો આવતાંની સાથેજ પ્રકૃતિનું સૌંદર્ય પણ ખીલી ઉઠતું જોવા મળે છે. આસો માસની અમાસના દિવસે ઘનની દેવી લક્ષ્મીજીની પૂજા થાયછે અને ચારેય બાજુથી આતશબાજીથી વાતાવરણ મેઘધનુષના સપ્તરંગોની જેમ રંગીન થઈ જાય છે.

આધ્યાત્મિક મહત્વ જોતા દિવાળીનો તહેવાર એટલે “પ્રકાશનો પર્વ” ખરા અર્થમાં, માનવીના મનના પ્રકાશની જાગૃતિ” જે સિક્કાની બે બાજુની જેમમનની બીજી બાજુ આવેલી છે, જેને આપણે આત્મા કહીએ છીએ. જે સ્વચ્છ છે અને જે આત્માનો અંત હોતો નથી કારણ કે તે એક ખોળીયામાંથી બીજા ખોળીયામાં આકાર લે છે. આ એક હિન્દુ ધર્મના તત્વજ્ઞાનની વિચારધારા ગણાવી શકાય.

શ્રી રામ ના કાળથી દિવાળીને એક આંતરિક પ્રકાશનો તહેવાર માનવામા આવેછે જેના વિષે ઘણા બધા જાણકારી આપી ચૂક્યા છે. દિવાળીનો તહેવાર અંધકારના વાતાવરણને ઢાળી ઉજાસમય વાતાવરણ બનાવી વર્ષમાં બનેલી ખરાબ ઘટનાઓને ભૂલાવી દે એવી એક માન્યતા છે. અને આત્માના સ્પર્શની એક અનુભૂતિ થતાની સાથે જ સૃષ્ટિ માટેકરુણા,પ્રેમ, આનંદ અને મનની શાંતિની એક જાતની લાગણીનો અહેસાસ અનુભવાય છે.

ભારત તેમ જ પરદેશમાં દિવાળી એટલે હિંદુઓ માટે વર્ષ નો છેલ્લો દિવસ. આ દિવસે વેપારીઓ માટે ખુબ મહત્વ નો દિવસ હોય છે. દેશના દરેકે દરેક વેપારીઓ તે દિવસે સારું મુર્હુત જોઈ ને તેના હિસાબના ચોપડા ની પૂજા કરે છે .પહેલાના વખતમાં તો વેપારીઓ તેમના વ્યાપારના લાલ ચોપડાની પૂજા કરતા હતા જે હજુ પણ કોઈક સ્થળે જોવા મળે છે જ્યારે આજના કોમ્પ્યુટર યુગમાં હાલચોપડાનું સ્થાન લેપટોપે લઈ લીધું છે. ત્યાર બાદલક્ષ્મી-પૂજનકરવામાં આવે છે. તેઅમાસના દિવસે હોય છે એટલે કે ચંદ્ર વગરનો દિવસ. દીવડાઓ દ્વારા અંધારી રાતને પ્રકાશમય બનાવવામાં આવે છે અને સાંજના સમયે કુટુંબ અને મિત્રો સાથે આતસબાજી સાથેફટાકડાફોડવામાં આવે છે.પૂજાપછી હિસાબના નવા ચોપડાઓની શરૂઆત કરવામાં આવે છે. 

મને યાદ છે કે હું જ્યારે ફોર્ટમાં રહેતો હતો ત્યારે અમારા હંમેશા હસતા અને હસાવતા એવા શ્રી જશુભાઈ પટેલ, સ્વ:પ્રાણલાલભાઇ અને મુરબ્બિ સ્વ:મનુભાઈ વોરા વહેલી સવારના પહેલ વહેલા સાલમુબારક કરવા આવી જતા અને તરત જ શેર બજારમાંમુહુર્તના સોદા કરવા નીકળી જતાં.

દિવાની જ્યોત તો દીનદુઃખિયા, નિરાશ લોકોના જીવનમાં સુખ માટેનું આશાનું કિરણછે. દિવા જો સૌના દિલોમાં પ્રગટે તો બધા જ દિવસો દિવાળી બની જાય.ઘરેઘરોમાં, કુટુંબોમાં, શુદ્ધતા-નવિનતા-પ્રેમ-આત્મયિતાનો આધ્યાત્મિકશુભારંગ કરવાનો, નિભાવવાનો એક શુભ અવસર દિવાળી છે. આધ્યાત્મિક, આધિભૌતિક અનેઆધિદૈવિકનો ત્રિવેણી સંગમ અને મહાપર્વોનાસમૂહથી પ્રકાશ ફેલાવતા પર્વ નું નામ જ દિવાળી.

જોકે આપણા દરેક તહેવારો માત્ર ખાઈ-પીને મજા જ કરવી એવું નથીપણ દરેક તહેવારની પાછળ કોઈક સંદેશનું મહત્વ સમાયેલુ હોય છે. દરેક ઉત્સવ પાછળ આપણા જીવનને ઉજાગર કરી શકીએ તે તેની પાછળનો એક મર્મ, એક સંદેહ હોય છે અને તે કૈક ને કૈક શીખવી જાય છે આ દરેક તહેવારો જો સમજી લેવાય તો તેની ઉજવણીનો આનંદ સાર્થક અને અનેરો બની રહે છે.

હિંદુ હોય કે પછી કોઈ પણ ધર્મની પ્રજા, પોતપોતાના ઉત્સવો માટે ઉત્સવપ્રિય ગણાવાઈ છે. અને દરેક સમાજો પરંપરાગત તહેવારો દિલથી ઉજવવા તત્પર હોય છે. આજની આ ચિંતા ભરેલી જીંદગી માં માણસનો સમય, સંજોગો અને સ્થળ બદલાતા રહે છે, પણ ભાવનાઓ બદલાતી હોતી નથી અને બદલાવી પણ ન જ જોઈએ….અને દિલમાં ઉમંગ અને હૈયે હરખ લઈને દરેક તહેવારો ને મન ભરીને માણવા જરૂરી હોય છે……

સમય ના વહેણ સાથે દાયકો અને પેઢીઓ બદલાતી રહે છે, એથી ઉજવણીમાં નવી નવી રીતો પણ બદલાતી જાય છે, ક્યાંક ક્યાંક પરદેશીય તહેવારો પણ એક નવીનતા રૂપે અપનાવાઈ રહ્યા છે.. તેમ છતા આપણા ભારતીય સમાજના લોકોના દરેક પ્રાસંગિક તહેવારોનો જુસ્સો અને આનંદ રૂપી મોજામા ક્યારેય ઓટ આવવી ન જોઈએ. કેમકે તહેવારો અને તેના થકી ચાલતા એકાબીજાના વહેવારો જ માણસને જીવંત રાખવાનું અને કુટુંબ, સગા-સબંધી, મિત્રો અને સ્નેહી ને એક તાતણે બાંધી રાખવાનું એક અદભૂત કાર્ય કરે છે.

આજના માનવીને સવારથી ઉઠીને પથારીમાં પડતા અને રોજબરોજના જીવનને થકવી દેતા તોક્યારેક કંટાળો આપતી ઘટમાળાઓને આવા તહેવારો અને ઉત્સવો જીવનની શ્રેણીમા થોડો આનંદ અને થોડી ફેરબદલી આપે છે સાથે સાથે માનવીના જીવનને નવા આકારથી જીવવાની અને જોવાની તાકાત અને પ્રેરણા પણ આપે છે.

દિવાળીના આ શુભ અવસર પર હું ભારતનાં તથા વિદેશમાં દરેક ભાઈ-બહેનોને હિંદુ કેલેન્ડરના હિસાબે આવતું વિક્રમ સંવત વર્ષ ૨૦૭૦ ના નવા વર્ષની હાર્દિક શુભેચ્છા સાથે પ્રત્યેક ઘરમાંખુશીઓના દીપક પ્રગટે તેવી શુભકામના પાઠવું છું તેમઆવનારું નવું વર્ષ આપણા દરેકના જીવનમાં ખુશીઓ અને સમૃધ્ધિનો ભંડાર લઈને આવે… છેલ્લી મહત્વની શુભકામના….. કે આપણા દેશ પર શુભ શૂભ આશિષ ઉતરે અને દેશ ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બળાત્કાર જેવી મુસીબતોમાંથી બહાર આવે.

ચાલો, આજે આવતા નવા વર્ષે નાનો પણ સુગંધી સંક્લપ કરીએ કે.

કોઈ પણ અપેક્ષા વગર બધાનું સારું કરવા પ્રયાસ કરીએ…

કેમકે, કહેનારાએ સાચું જ કહ્યું છે, કે

જે સુગંધી ફુલો વેંચે છે..તેના હાથમાં સુગંધ રહી જાય છે…..

***********

Advertisements

નવેમ્બર 9, 2013 Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos, prakshno parv etle diwali | | Leave a comment