Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘રણમાં ઊભું કરેલું સ્વર્ગ એટલે દુબઈ’ –પ્રફુલચંઢ્ર ઠાર


પૃથવીના નકશામાં જોશું તો વિશ્ર્વમાં ગણ્યા ગણાય નહી તેટલા જાત જાતના દેશો આવેલા છે અને તે પણ એક એકથી ચઢિયાતા જાણવા મળે છે. અને જ્યારે કુટુંબના સભ્યો, મિત્રો કે પછી કોઈ ગૃપમાં ગયા હોઈએ તો એનો આનંદ ન ભૂલાય તેવો હોય છે અને મને યુરોપ-લંડન પછી દુબઈ જવાનો મને લગાતાર બે વખત અને બે બે મહિના રહેવાનો મોકો મળી ગયો.

દુબઈ એટલે ચામડી બાળી નાખે તેવી ગરમ આબોહવાવાળા રણ વચ્ચે વિરાટ શોપિંગ મોલ્સના એરકંડિશન વાતાનુકૂલિત વાતાવરણમાં બેસીને ઈલાયચીવાળી અરેબીક કોફી કે ફુદીનાવાળી ચા પીતાંપીતાં વિશ્ર્વતરની વસ્તુ ખરીદવાનો કે ફરવાનો આનંદ ક્યાં મળે? તો સહેજે જવાબ મળે કે દુબઈ….દુબઈ….અને ફક્ત દુબઈ.

અમારા બે મહિનાના ગાળા દરમ્યાન, અનુભવે જોવા મળ્યું કે મોટી સંખ્યામાં ભારતીયો, બ્રિટિશ કે દેશ વિદેશના નાગરિકો હજ્જારોની સંખ્યામા દુબઈ પ્રવાસે આવે છે. ખાસ કરીને ઠંડા પ્રદેશના ગોરા લોકો ખાસ સૂર્ય સ્નાન માટે આવતા હોય છે…..…

મુંબઈથી ફક્ત સાડા ત્રણ કલાકમાં વિમાન દ્વારા દુબઈ પહોંચતા તરત જ એરપોર્ટના કર્મચારીઓ અગાઉથી આપેલી વિનંતી મુજબ મારા અને મારી પત્ની માટે વ્હીલચેર લઈને ઉભા હતા અને અમોને ધ્યાન રાખી સગવડથી બેસાડ્યા અને બીજા પોર્ટરોએ સામાન લીધો અને અમને ક્યાંય ઈમિગ્રેશનમાં તકલીફ ન પડે એ રીતે પાસપોર્ટ, વીઝા વગેરે લઈ ઓફીસર પાસે રજુ કરી શાંતીથી બહાર લઈ ગયા જ્યા મારો પુત્ર નયન અને લંડન વસતા મારા સાળાનો દિકરો કાર્તિક કે જે દુબઈમાં લગ્નાર્થે દુબઈમાં હતો તેઓ અમને લેવા આવ્યા હતા. બહાર નીકળતાની સાથે જ જાણે સ્વર્ગમા આવ્યા હોય એવું લાગ્યુ. બહાર મોટી ટેક્ષી માં બેસી અમો અમારા સબંધી શ્રી આશીતભાઈ કે જેઓ આજે બાર વર્ષથી ત્યાં સ્થાઈ થયેલા છે ત્યાં તેઓએ આપેલા ઉતારા પર લઈ ગયા જ્યાં કુટુંબના બધા સભ્યો મળ્યા.

બીજે જ દિવસે સાળાના દિકરાના રજીસ્ટર લગ્ન દુબઈની લાડી સાથે હતા તેથી અમો ઈન્ડિયન કાઉન્સિલમાં સર્વે ગયા અને ત્યાં જોયું તો ઘણાં બીજા લોકો પણ રજીસ્ટર લગ્નાર્થે આવેલા અને એક પછી એક નામ બોલાય તેમ સપથ વિધી અને સહી સીક્કા થતા ગયા અને છેલ્લે અમારો વારો આવ્યો અને બસ….. પછી તો મજા આવી ગઈ….

બીજે દિવસે લાડીના ઘરવાળાઓએ દુબઈમાં વસતા ભાઈ મિત્રો માટે એક જાણીતી હોટલ રેડીસન્સના વિસમા મજલા પર રિસેપ્સન સેરેમની રાખ્યું અને સરસ ડીનર સાથે નાચ-ગાન અને મજા કરી રાતના ચાર વાગ્યા સુધી કરી છુટા પડ્યા. જો કે આ એક યાદગાર પ્રસંગ રહ્યો.

બે દિવસ પછી અમો કુટુંબ પોત પોતાને સ્થાને એટલે કે લંડનથી આવેલા તેઓ લંડન જવા રવાના થયા અને હું, પત્નિ અને મારો પુત્ર દુબઈથી નીકળી એલીન એટલે કે એ એક દુબઈનું રળિયામણું, નાનું અને સુંદર ઉપનગર છે ત્યાં જવા રવાના થયા.

એલીન એટલે એક દુબઈનુ ઉપનગર છે જે દુબઈ શહેરથી લગભગ ૬૦ કિલો મિટર ના અંતરે અવેલું છે જયાં પહોંચતા લગભગ બે થી અઢી કલાક થાય જે ત્યાંના સાંજની ટ્રાફીક ઉપર અવલંબે છે.

એલીન પહોંચતા જ એક ખૂબ જ શાંતીના વાતાવરણમાં અમો આવી પહોંચ્યા જ્યાં હોટલ ટોપ એપાર્ટમેન્ટમાં અમારો ઉતારો હતો કારણકે ત્યાંથી ચાલીને ફક્ત સાતથી દસ મીનીટના રસ્તે જ મારા પુત્રની ઓફીસ હતી જેથી અમોને પણ ટેકો રહેતો કે એમના કોઈ કર્મચારી સમય સમયે જોઈતી વસ્તુ આપી જતા.

એલીન એટલે દુબઈનુ ખૂબ જ નાનુ, સ્વચ્છ, ચારેય બાજુ ગ્રિનરીથી છવાયેલું અને સાથે સાથે કડક કાયદાઓથી સજાયેલુ છે જેથી ગુનાનું પ્રમાણ નહિવત્ત છે જો કે આખા યુએઈમાં કાયદો સજ્જડ છે. અને ત્યાં ત્યાં વસ્તિ નાની અને મકાનોની ઉંચાઈ ઓછી છે તેથી હવા પણ ખૂશનુમા રહે છે.

ત્યાં એટલી ડીસીપ્લીન છે કે રસ્તો ઓળંગતા રાહદારીઓ સરળતાથી ભય વગર રસ્તો ઓળંગતા અને રાહ્મદારીઓ પણ કાયદાનું પાલન કરતા. વાહનો પણ કાયદાની રૂએ હંકારતા અને ભુલ ન થાય એનો ડર રાખતા કારણકે ત્યાં દંડની જોગવાઈ ખૂબ આંકરી છે.

જોવાની ખૂબીની વાત તો એ હતી કે અમો લગભગ ૨૦ દિવસ રહ્યા પણ કોઈ ઝગડતા કે મારામારી કરતા કે  પોલીસ નજરમાં ન આવ્યા અને જ્યારે આ પશ્ર્નમેં મારા પુત્રને પૂછ્યું તો એને એટલું જ કીધું કે તમારી બાજુમાં પોલીસ ઉભો હોય તોય તમને ખબર ન પડે કારણકે તેઓ સાદા વેશમાં જ હોય છે.

બીજી એક વાત ધ્યાનમાં લેવા જેવી આવી અમો ત્યાંના પ્રાણી સંગ્રાલયમાં ગયા જે વિશાળ વિસ્તારમાં પથરાયેલું છે અને મારા પુત્રએ અંદર જવાની ટીકીટ કરીદી અને અંદર દાખલ થવાના દરવાજા પર અરબીયન લેડી હતી કે જેને તરત જ અમને વ્હીલચેર પર જોઈને પુત્રને કહ્યું નો ધેર ઈઝ નો ચારજીસ ફોર હુ ઈઝ ઓન વ્હીલચેર એન્ડ પરસન વિથ ધેમ. આભાર માનતા મારો પુત્ર તરત જ ટિકીટ પાછી આપી ભરેલા પૈસા પાછા ફક્ત એક મીનીટમાં લઈ આવ્યો.અને અમો અંદર દાખલ થયા.

અંદર દાખલ થતાં ત્યાં અંદર ફેરવવા બગી ગાડી હતી કે જે હાલી ચાલી ન શકે તેને તેમા બેસાડી તમને ફેરવે અને એક અરબીક ડ્રાઈવરે અમને ફરાવ્યા.

ઓગણીસમાં દિવસે પુત્રની કંપનીનો નવો વિશાળ શો રૂમનું ઉટઘાટન હતું અને મેનેજમેન્ટના બધા ત્યાં હતા જેઓએ અમોને ખૂબ જ માન આપ્યું કે જે મોલનો આખો પ્રોજેક્ટ મારા પુત્ર દ્ધારા બનાવવામાં આવ્યો હતો.

૨૦ દિવસ પછી મારા પુત્રની ટ્રાન્સ્ફર નવા પ્રોજેક્ટ માટે દુબઈ થઈ અને એલીનની એક યાદગાર સફર સાથે અમો દુબઈ આવ્યા।……..

દુબઈમાં અમો એસ્ક્લુઝીવ હોટલ એપાર્ટમેન્ટ નામની હોટલમાં આવ્યા જ્યાં બધી જ સગવડ હતી.

આજે દુબઈ રણમાંથી અદભુત અને કલ્પના ના કરી શકો એવું શોપિંગ અને ટુરીસ્ટો માટેનું સુંદર સ્થળ બની ગયું છે. ભલે ત્યાંની ભાષા અરબીક, ઉર્દુ કે ફારસી છે પણ દુબઈએ લાખો માણસોને અલગ અલગ દેશોમાંથી અને તેના પ્રાંતોમાંથી લોકોને કામ આપી સમાવેલા છે એટલે ત્યા હીન્દી ભાષી, ગુજરાતી, કેરેલીયન, પાકીસ્તાની, બંગલાદેશી, ફીલીપિયન્સ, રાજસ્થાની, પંજાબી જાપાનીસ, ઈન્ગલેન્ડના યૂરોપીયન્સ, ફ્રાન્સ વગેરે વગેરે માનવ મહેરામણ સ્થાયી થયા છે. જેથી ભાષાકીય લગભગ ક્યાય વાંધો આવે નહી. અને બધી જ કોમના માણસો ખૂબ જ શાંતીથી વાતો કરે અને રિસ્પેક્ટ આપે અને બધાને જ ત્યાના સખ્ખત કાયદાઓનો ડર હોય છે.

જો કે ત્યાંના કાયદા પ્રમાણે બહારના વ્યવસાવિકને પોતાની વિઝા સમય સમયે રિન્યુ કરાવવી જ પડતી હોય છે પછી ભલે તેઓ ઘણાં વર્ષોથી રહેતા હોય કારણકે નહીતો વિઝા પૂરા થયા પછીના દરેક દિવસના ૩0૦ દેરામનો દંડ ભરવો પડે છે અથવા જેલ ભેગા કરી દે છે. જો કે આવુ કોઇ કરતું નથી. ફાયદામા ઇન્ગલેન્ડ નાગરીક માટે એક મહિનો રહેવા માટે કોઈ વિઝાનો ચાર્જ લેવામાં આવતો નથી અને ઓન એરાયવલનો થપ્પો મારી વિઝા આપે છે એ પણ કોઈ પણ જાતની રોક ટોક વગર. પણ જો તેઓએ વધારે રહેવું હોય તો એક મહિના પછી વિઝા માટે ૮0૦ દેરામ ભરી બીજા એક મહિનાની વિઝા એકસ્ટેન કરી આપે છે. અથવા પાછા દુબઈ બહાર જઈ પાછા દાખલ થઈ શકે તેની જોગવાઈ કરવામાં આવી છે.

દુબઈ તેના નયનરમ્ય દરિયા કિનારા, ગગનચુંબી ઈમારતો, ભવ્ય શોપિંગ આર્કેડસ અને બાંધકામ ક્ષેત્રે અજાયબ કારીગરી દ્વારા વિશ્ર્વભરના લોકોનું મનગમતું પ્રવાસી સ્થળ બની ચૂક્યું છે. અને વિશ્ર્વમાં લગાતાર ‘ મસ્ટ વિઝિટ’ નું બિરુદ જાળવી રાખેલું છે.

યુકેમાં વસેલા લોકો રજાઓ ગાળવાઓ માટે દુબઈને પ્રથમ પસંદગી આપી રહ્યા છે અને યુકથી અવતા પર્યટકોની સંખ્યા સૌથી વધુ નોંધાઈ છે.

એક જાણકારીના આધારે દુબઈના શાસક હિઝ હાઈનેસ શેખ મોહમ્મદ બિન રશિદ અલ મકતુમ કહે છે કે ‘ વાતો ઘણા કરે છે, પણ અમે કોઈ પણ સાહસ માટે કામ કરીએ છીએ. લોકો ફ્કત આયોજન કરે છે પણ અમે એ સિદ્ધ કરીને બતાવ્યે છીએ. વ્યક્તિ પાસે ધીરજ અને દ્દઢતા હોય તો ગમે તેવા અવરોધો હોવા છતાં સ્વપ્નને હકિકતમાં પલટાવી શકાય છે, જે અમે સાબિત કરીને બતાવ્યું છે. દુબઈ એનું જીવંત ઉદાહરણ છે. અમારા અર્થતંત્ર અને સમાજના દરેક ક્ષેત્રોની સફળયામાં દુનિયાભરના લોકોએ યોગદાન આપ્યું છે.’

૧૯૭૧માં બ્રિટન પાસેથી આઝાદ થયા પછી બનેલું  યુએઈ સાત રાજયનું ફેડરેશન છે જેમાં અબુ ધાબી, દુબઈ, અજમન, ફુજૈરાહ, રસ અલ, ખૈમાહ, શારજાહ અને ઉમ્મ અલ કવૈઈન નો સમાવેશ થાય છે.

દરિયા વચ્ચે માનવસર્જિત કૃત્રિમ ટાપુ બનાવવાના વિચારને માત્ર દુબઈના શાસકો જ હકિકતમાં ફેરવી શકે એ એક સિધ્ધ થઈ ચુક્યુ છે.

ફુટબોલ સ્ટાર ડેવિડ બેકહામે જ્યારે દુબઈ ખાતે પામ ઝુમેરામાં વિલા ખરિદ્યું ત્યારે દુનિયાને એની જાણ થઈ. કૃત્રિમ પામ અકારના આ પેનિન્સ્યુએલામાં તે પછી તો માઈકલ ઓવન, એન્થીઆ તર્નર, ગ્રાન્ટ બોવેરી,તેમજ બોલિવુડન‍ા મેગાસ્ટારો પણ અહીંના પામ ઝુમૈરા ટાપુના ટાઈરા રેસિડન્ટને પોતાના નિવાસ્થાનો બનાવ્યા છે જ્યાં માનવસર્જિત આ પામ ટાપુમાં સ્પિડ બોટ પાર્ક કરીને સ્વીમિંગ પૂલમાં ડુપકી પણ મારી શકાય છે.ઉપરાંત અદ્યતન સુવિધાઓ, મોલ્સ, સિનેગ્રહો, હોટલો વગેરે આવેલુ્ છે.

મજાની વાત તો એ છે કે દુબઈની ‘ઓપન પૉર્ટ પૉલિસી’ સમગ્ર વિશ્ર્વના વેપારીૌને દુબઈમાં વેપાર કરવા આકર્ષે છે. અને દુબઈમાં વેપાર કરવા ઈચ્છતા વેપારીઓને ત્યાંના નિયામુસાર પરવાનો આપવામાં આવે છે. દુબઈમાં એક ફાયદો વેપારીઓનો મુખ્ય છે કે સત્તાવાળાઓ ઓછી ઈમ્પોર્ટ ડયુટી અને ટેક્સ ફ્રીની સુવિધાનો લાભ મળે છે અને એટલે જ દેશ-વિદેશથી હજારો નાગરિકો ત્યાં ખરિદવા આવે છે.

ત્યાં એક ખાસ જોવા મળ્યુ કે ત્યાં ફક્ત શુક્રવારના દિવસે દુકાનોના સમયમાં ફેરફાર હોય છે કારણ કે નમાઝ સમયસર પઢવી પડતી હોય છે.અને લગભગ બધી જ ઓફીસોમાં શુક્રવારની અઠવાડિક રજા હોય છે.

દુબઈમાં ખાસતો ગોલ્ડ અને ડાયમંડ માટે ખુબ જ જાણીતું છે અને જ્વેલરી લવર્સ પેરેડાઈઝ તરીકે દુબઈ જાણીતું છે અને ખુબ જ વિશાળ જગ્યામા પથરાયેલું ધ ગોલ્ડ સાઉક માટેનું સેન્ટર ડેરા પ્રાંતમા આવેલું છે અને દુબઈ જનારા બધાજ તેની મુલાકાત લઈ હોલમાર્ક બ્રાન્ડિગ અને ગુણવતા વાળું સોનાના આભૂષણો લીધા વગર આવતા નથી..

દુબઈમાં સોના ઉપરાંત મિડલ ઈસ્ટમાંથી આયાત કરેલા વિવિધ જાતના સૂકા મેવા અને ખજુર ખરીદવાનો ક્રેસ મોટા પ્રમાણમાં છે.

દુબઈની મુલાકાતમાં ખાસ તો ફરવાના સ્થળો જોવા જેવા અને એક જુવો અને એક ભૂલો એવા રહેલા છે.

ધાઉ ક્રુઝ

ધાઉ ક્રુઝ એટલે જ્યાં અરબી સમુદ્રનું પાણી પાછુ પડીને એક ખાડીની રચના કરે છે જેનાથી  દુબઈના ‘બર દુબઈ’ તેમજ ‘દેરા દુબઈ’ એવા બે ભાગ થાય છે અને એક વિશાળ સરોવર જેવી રચના થાય છે. આ સરોવરના પાણીમાં વિશાળ સ્ટીમર, જેનો ગ્રાઉંડ ફ્લોર કાચની દિવાલોથી રચાયેલો એ.સી. રુમ હોય છે અને ફર્સ્ટ ફ્લોર ખુલ્લો (ઓપન ટુ સ્કાય) હોય છે. એમાં રાત્રે ડાઈનિંગ ટેબલ પર બેસીને દરિયાઈ સફર કરતા-કરતા, દુબઈની રોશની નિહાળતા ડિનરની મજા માણવાની. જો તમે વેજીટેરિયન છો અને તમે ડિનરમાં નવી નવી વાનગીઓ માણવાની ઈચ્છા ધરાવતા હો તો વાંધો આવતો નથી. વેલકમ ડ્રિંકથી શરૂ કરીને સુપ ટુ ડેઝર્ટ ભોજન બુફે સ્ટાઈલથી માણવાનું છેલ્લે જાદુગર કમ જગલરની કારામતો તેમજ અરેબિયન ડાન્સ જોવાની ખૂબ જ મજા આવે છે.

દુબઈ સિટી ટુર

દુબઈ સિટી ટુરમાં આખું દુબઈ શહેર તમે ફોર વ્હીલરમાં બેઠા બેઠા જોઈ શકો છો અને તે ઉપરાંત વિવિધ સ્થળોએ ફોટો સેશન કરી શકો છો. ‘દુબઈ ક્રીક’ જે ‘બેક વોટર ઓફ અરેબિયન સી’ દ્વારા રચાયેલ ખાડી, જે દુબઈના બે ભાગ કરે છે, જ્યાં તમે રાત્રે ધાઉ ક્રુઝની મજા માણી ત્યાં બપોરે ફોટો સેશન કરવાનું હોય છે. ‘પામ જુમેરા’ એક બીચ આઈલેંડ છે. દરિયામાં રેતીનું પુરાણ કરીને આખેઆખો એક કૃત્રિમ આઈલેંડ તૈયાર કરાયો છે, જે વનસ્પતિના વિશાળ પાનના જેવો આકાર ધરાવે છે. ત્યાં જવા માટે ફોર વ્હીલર છોડીને મોનો ટ્રેનની મુસાફરીની મજા માણતા-માણતા તમે પહોંચી શકો છો. ત્યાંની જમીન પર ‘એટલાંટીસ હોટેલ’ જે વિશાળ મોલથી પણ વધુ મોટી છે તેની મુલાકાત લઈ શકો છો. બીચ આઈલેંડ પર આવેલી વિશ્વપ્રસિદ્ધ હોટેલનો બાહ્ય દેખાવ પણ અતિશય સુન્દર હોય  છે, દુબઈના વિઝનરી રાજા જે શેખ તરીકે ઓળખાય છે, જે સુલતાન તરીકે ઓળખાય છે, તેઓનો કિંગપેલેસ દુરથી જોવાનો લ્હાવો પણ મળે છે.

બુર્ઝ ખલીફા

જે રીતે યુરોપના પેરિસમાં ઊંચો ટાવર એન્ફીલ ટાવરથી ઓળખાય છે એ રીતે દુબઈનો ૨૦૦ માળનો ટાવર ‘બુર્ઝ ખલીફા’  ટાવરથી ઓળખાય જંયાં ટિકિટ બુક કરાવાની હોય છે જે ઉપર સુધી જવાના વ્યકતિ દીઠ ૧૫૦ થી ૨૦૦ દેરામ લે છે. બુર્ઝ નો અર્થ એટલે મિનારો. પ્રવાસીઓને બુર્ઝ ખલીફા ઈમારતના ૧૨૪ મા માળે લઈ જઈને દુબઈનું દૂરદર્શન કરાવવામાં આવે છે.  જોવાની ખુબીની વાત તો એ છે કે ૧૨૪મા માળે જવા માટે લિફ્ટ માત્ર ચાલીસ સેકંડ જ લે છે. રાત્રે ૧૨૪મા માળે જઈને દુબઈ જોવાનું થાય તો સાથે-સાથે સવારે એ કેવું લાગે છે એ જોવા તેમજ સવારની ટિકીટ મળી હોય તો રાત્રે દુબઈ કેવું લાગે છે એ જોવા માટે તમે ટેલીસ્કોપ કમ કેમેરાની મદદ લઈ શકો છો. ગ્રાઉંડ ફ્લોર પર તેમજ ૧૨૪મા માળે જઈએ તો ત્યાં ફોટો ગ્રાફરો હોય છે જે તમને અલગ અલગ ફોટા પાડી આપી પછી કોમ્પુટરમાં બતાવે છે   અને જે જે પાસ કરો તે ૧૦ થી ૧૫ મિનીટમાં ૨૦૦ થી ૩૦૦ દેરામ લે છે અને પેન ડ્રાઇવમાં પણ કોપી કરીને આપે છે.

દુબઈ મોલ

બુર્ઝ ખલીફાના ગ્રાઉંડ, ફર્સ્ટ તેમજ સેકંડ ફ્લોર દુબઈ મોલ તરીકે ઓળખાય છે. અતિશય મોંઘો મોલ છે. ત્યાં વિશાળ એક્વેરિયમ છે જેમાં અંદર જઈને જોવા માટે ૨૦૦ દિરહામ લે છે. વિશાળ સ્કેટિંગ રેંક, કેટ વૉક રેંક વગેરે ભરપૂર છે. દુબઈ મોલ, એમિરેટ્સ મોલ વગેરેની મુલાકાત લઈએ તો લાગે કે દુનિયાભરનું સૌંદર્ય અહિં ઠલવાયું છે.એમિરેટ્સ મોલ પણ વિશાળ છે જ્યાં હાલમાં મારો પુત્ર એક સ્ટોરમાં કામ કરે છે જેની કંપનીનો જ સ્ટોર ૬૦ હજાર સ્કવેર ફીટમાં પથરાયેલો છે. ત્યાં આઈસ સ્કીઈંગ માટેનો આખો વિભાગ છે. માઈનસ ડિગ્રી ટેમ્પરેચર મેઈંટેઈન કરીને બરફના રસ્તા વગેરે ક્રીએટ કરીને ઉત્તર ધૃવ કે દક્ષિણ ધૃવમાં ફરતા હો એવો આનંદ ૪૫ ડિગ્રી તાપમાન ધરાવતું દુબઈ તમને માણવા આપે છે. આ ઉપરાંત મોલની બહાર એક વિશાળ તળાવ છે જે રાતના હજારો પર્યટકો મ્યુજિકલ લાઇટ ઉપર ચાલતા ફુવારાનો ૧૫ ૧૫ મિનીટના શો નો આનંદ લઇ શકે છે…

ડેઝર્ટ સફારી

દુબઈથી ૭૦ થી ૮૦ કિલોમીટરના અંતરે રણપ્રદેશ શરૂ થાય છે. ત્યાંના આરબ ડ્રાયવરો ત્યાંની રેતીમાં પુરઝડપે લેંડક્રુઝર ટોયોટા ગાડી દોડાવીને પ્રવાસીઓને ઉત્તેજીત કરી રોમાંચિત કરતોહોય છે. રણપ્રદેશમાં ઉંચી-ઉંચી ટેકરીઓ અને એ ટેકરીઓની પાછળ ઉંડી-ઉંડી ખીણો આવેલી હોય છે. છેક ટેકરી પર પહોંચીએ ત્યાર બાદ જ આપણને ઉંડી ખીણ દેખાય અને ખીણની ખરેખર ઉંડાઈ તો ગાડી સરકીને નીચે પહોંચે ત્યારે ખબર પડે. ૧૮૦ ડિગ્રીએ સીધું ચઢાણ ચઢતી ગાડીને જોઈને એવું જ લાગે કે ગાડી આગળના ભાગેથી પલટી ખાઈને ઉંધી પડશે. છેક ટેકરી પર પહોંચ્યા બાદ ગાડીને ખીણમાં ઉતારવાને બદલે કોઈ વાર જમણી બાજુએ તો કોઈ વાર ડાબી બાજુએ અચાનક એટલી બધી નમાવવામાં આવે કે ગાડીનું પલટી ખાઈ જવું નક્કી જ લાગે. પરંતુ ડ્રાયવરને ખબર હોય કે રેતી સરકતી હોવાથી રણ વિસ્તારમાં ગાડીનું પલટવું શક્ય હોતુ નથી. છતાં આવું બને એટલે પ્રવાસીઓ ચીસાચીસ કરી મુકે અને ડ્રાયવરને પ્રવાસીઓને પુરો સંતોષ આપ્યાનો આનંદ આવે છે. ડ્રાયવરને પોતાની કાબેલિયત પર ત્યારે જ વિશ્વાસ બેસે કે જ્યારે તે પુર ઝડપે જતી ગાડીનું સ્ટીયરિંગ વળાવીને ગાડીને એટલો બધો વળાંક આપે કે આગળના ટાયર વડે રણની રેતી ઉછળીને ગાડી પર ઉડે અને એનાથી આખી ગાડી પર રેતી છવાઈ જાય, એક પણ કાચની બહારનું કશુંય દેખાય નહિ ને પછી ડ્રાયવર ગાડીને ફુલ સ્પીડે સીધી દોડાવી મુકે જે એક વાત તો ધ્રાસ્કો જ પડી જાય છે.

બેલેનૃત્ય

ત્યારબાદ પ્રવાસીઓને થોડે દુર રણ વિસ્તારમાં ઉભા કરાયેલા એક નાનકડા ગામડામાં લઈ જવામાં આવે છે. અસલ કાઠીયાવાડી ગામડા જેવું જ લાગે. સુકા કરગઠીયા, વાંસની પટ્ટીઓ, વગેરેથી બોર્ડર બનાવી હોય. ચોગાનની અંદરની બાજુ ફરતે નાના-નાના અનેક સ્ટોલ્સ બનાવાયા હોય. હુક્કાની બેઠકો હોય, વિવિધ શાકાહારી વાનગીઓના સ્ટોલ્સ, રણ વિસ્તારની સ્પેશિયાલિટીસ જેવી કે મેંદાના તળેલા પોચા લાડુ પર મધનો સૉસ વિથ બ્લેક કૉફી, ચા, ઠંડા પીણા, વાઈન વગેરે તમે ખાઇ પી શકો છે જે બધું જ એન્ટ્રિ ફ્રીમાં આવી જાય છે. જે ખાવું-પીવું હોય એ સ્ટોલ્સ પર જઈને ઉભા રહેવાનું – તમને તે-તે વાનગીઓ પીરસવામાં આવે. મોટેરાઓ માટે ઊંટસવારી તો નાના બાળકો ફોરવ્હીલર બાઈક સવારીની ભરપુર મજા માણી શકે છે. ખુલ્લા રણ વિસ્તારમાં પુરઝડપે બાઈક દોડાવવનો રોંમાંચ બાળકો માટે અવિસ્મરણીય હોય છે. રાત્રે આઠથી દસ એમ બે કલાક આ વાતાવરણમાં નિરાંતે ગાળવા મળે છે. નવ કલાકે બુફે ડિનર શરૂ થાય છે. વેજીટેરિયન અને નોન-વેજીટેરિયન એવા બે ભાગમાં ભોજન સજાવવામાં આવે છે. સાથે-સાથે ફ્રુટ્સ અને શીરાનો વિભાગ અલગ. ચા-કોફી તેમજ ઠંડા પીણા ભોજન સાથે લેવા હોય તો લઈ શકો. આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય ને આપણે જેમ મહેમાનોની આગતાસ્વાગતા કરીએ ને તેઓની ભોજન આદિની વ્યવસ્થા બરાબર સચવાય છે કે નહિ એનું ધ્યાન ત્યાંના નિવાસી આરબો કાળજીપૂર્વક રાખે છે. ધાઉ ક્રુઝની તુલનામાં ડેઝર્ટ સફારીનું ડિનર ખરેખર સારું હોય છે. ગામઠી પહેરવેશમાં પ્રવાસીઓ ખરેખર તો બેલે ડાંસ જોવા તત્પર હોય છે. એ પહેલા ત્યાંના સ્થાનિક યુવાન દ્વારા એક અદ્ભુત નૃત્ય રજૂ થાય છે જેમાં સર્કસમાં જોવા મળતી વિવિધ કરામતો તેમજ અંગ કસરતના ખેલો માણવા જેવો આનંદ આવે. બેલે નૃત્ય દરમિયાન પાર્શ્વભૂમિમાં અરેબિયન ટ્રેડિશનલ સોંગ વાગે અને ડાંસ શરૂ થાય.

દુબઇ મિરીકલ ગાર્ડન

આ ગાર્ડન ખરેખર ફરવા જેવું છે જેમાં ખુબ સુંદર ફુલો અલગ અલગ આકારમાં બનાવ્યા છે. અને તેમાં મુયુઝિકલ લાઈટો છે જે ૭૨૦૦૦ સ્કવેર મિટરમાં પથરાયેલું છે.

બટર ફલાય ગાર્ધન

જેમાં હજ્જારોની સંખ્યામાં નાનાથી મોટા પતંગિયા ખુલ્લા હોય છે જે તમારા ઉપર આવી બેસે તમારા હાથમાં રાખી તમે તેનો ફોટો પણ લઇ શકો.

હેલિ પેડ

હેલિપેડ એટલે ત્યાં હેલિકોપ્ટરમાં ટુરિસ્ટ હેલિકોપ્ટરની રાઈડ માણી શકે છે અને આખા દુબઈની ઉપરથી મજા માણી શકે છે જે અગાઉથી બુક કરાવવું પડે જેનો ચાર્જ વ્યક્તિ દીઠ ૫૦૦ દિરામ લેવામાં આવે છે અને તેમાં પાંચ પેસેન્જરથી વધારે લેવામાં આવતા નથી. સાથે તમો ઉપરથી વિડિયો અને ફોટા પાડી શકો છો.

મરિના વોક

મરિના વોકમાં તમે ફરી શકો અને ત્યાં ફોટા લઈ શકો જ્યાં ઘણી બધી રેસ્ટોરન્ટ અને સ્ટોર આવેલા છે.

ગુરુનાનક દરબાર

ત્યાં શિખ સમાજનું ગુરુનાનક દરબારનું સુંદર નક્શિકામ સાથે મંદિર આવેલું છે જ્યાં રોજના ઘણી સંખ્યામાં ટુરિસ્ટો દર્શન કરવા આવે છે અને ખુબજ સુંદર સ્થળ છે. આવનારા યાત્રિઓને આરતી પત્યા પછી પ્રસાદ લેવા માટેની મોટી વ્ઞવસ્થા રાખવામાં આવી હોય છે અને પ્રસાદમાં પંજાબી ફુલ ભોજન સાથે સ્વિટ ડીસ અને આઇસ્ક્રિમ પણ આપવામાં આવે છે અને જો તમારે ઈચ્છા હોય તો ડોનેશન લખાવી શકો છો.

દુબઇ ફિસ શો

દુબઇમાં ફિસ શો બતાવવામાં આવે છે જેની ટીકીટ બુક કરાવવી પડતી હોય છે અને અનેકો મોટામાં માટી ફિસ શો બતાવવામાં આવે છે જે ખરેખર નવાઇ પમાડે તેવો હોય છે.

મોલ ઓફ અમિરત

આ મોલ ખુબ જ મોટામાં મોટો મોલ છે જેમાં હજારોની સંખ્યામાં જાત જાતના સ્ટોર્સ ખરીદી માટે આવેલા છે તદ્દ ઉપરા્ત ખાણી પીણીના સ્ટોર્સ આવેલા છે.

જુમેરા બિચ

જુમેરા બિચમાં પાણીની અંદર જુ બાંધવામાં આવ્યું છે અને તેની મજા માણી શકો.

આવા અનેકો સ્થળ છે જયાં તમને દુબઈમાં ફરવાની મજા આવતી હોય છે જે એક જુઓ અને એક ભુલો કહી શકાય.

દુબઈની ખાસ વિશિષ્ટતાઓ જાણતા આનંદ થાય કે દરિયાનું ખારું પાણી મીઠું કરીને સમગ્ર અરબસ્તાનમાં પીવામાં, રસોઈ બનાવવામાં તેમજ પર્યાવરણની જાળવણીમાં એનો ઉપયોગ થાય છે. આ કાર્યમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવો પડતો હોવાને કારણે ત્યાં પાણી પેટ્રોલ કરતા પણ મોંઘુ છે. છતાં દુબઈમાં જે રીતે પર્યાવરણની જાળવણી કરવામાં આવે છે, વૃક્ષો-છોડવાઓને પાણી સીંચવામાં આવે છે, બાગ-બગીચાઓની જે રીતે કાળજી રખાય છે એ જોઈને કોઈ કહી ન શકે કે આ રણ વિસ્તાર છે. પ્રકૃતિ સંપૂર્ણ રીતે વિરુદ્ધ હોવા છતાં એમાં અનુકૂલન સાધીને તેઓએ જે સ્વર્ગ સજાવ્યું છે તેને નમસ્કાર કરવાનું મન થાય છે. આખા વર્ષમાં દુબઈમાં માત્ર એક કે બે દિવસ વરસાદ પડે છે અને એ પણ માત્ર થોડા છાંટા જ. આથી દુબઈમાં વરસાદના પાણીની નિકાલની સમસ્યા નથી. વનસ્પતિ પણ નહિવત હોવાને કારણે દુબઈમાં પવન બિલકુલ નથી માત્ર હવા છે. આથી રેતી કે ધૂળ ઉડીને રસ્તા પર કે ઘરમાં આવી જતી નથી. આથી સફાઈની કોઈ સમસ્યા દુબઈમાં નથી. ભેજ તેમજ વનસ્પતિ બિલકુલ ન હોવાથી એક પણ જીવજંતુ દેખાતું નથી.

આખું જ દુબઈ સેન્ટ્રલાઇઝ એ.સી. પર ચાલે છે એટલે લગભગ ગરમી જેવું લાગતું જ નથી. વર્ષભર દુબઈનું તાપમાન ૩૫ થી ૫૦ ડિગ્રીની વચ્ચે રહે છે. ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં તાપમાન સૌથી નીચું ૩૫ ડિગ્રી હોય છે. આથી આ સમયગાળા દરમિયાન વિશ્વભરના પ્રવાસીઓ દુબઈ ઉમટી પડે છે. દુનિયાભરના દેશોની ટોચની મલ્ટીનેશનલ ઉત્પાદક કંપનીઓ પોતાની સર્વોત્તમ પ્રોડક્ટ્સ ઓછામા ઓછા ભાવે દુબઈ ફેસ્ટીવલમાં વેચીને પ્રસિદ્ધિ મેળવવા માટે પોતાના સ્ટોલ્સ રાખે છે, જેનો સીધો ફાયદો ગ્રાહકોને-પ્રવાસીઓને મળે છે. વિશાળ રસ્તાઓ, વૈભવી ઈમારતો, ટ્રાફિક સિગ્નલ્સ એ દુબઈની ખાસિયત છે. કોઈ પણ વ્યક્તિ નાનામાં નાનો ગુનો – કાયદાનો ભંગ કરી શકતો નથી. કારણ કે આખું દુબઈ સી.સી. ટી.વી. કેમેરાની ચાંપતી નજરમાં કેદ છે. નાનકડો ખુણો પણ એનાથી બચી શકતો નથી. ત્યાંના કાયદા એટલા બધા કડક છે કે ભલભલા ગુનો કરવાથી થથરે છે. ટેક્નોલોજી એટલી બધી પાવરફુલ છે કે તમારી ગાડી કાયદાનું ઉલ્લંઘન કરે એટલે આપોઆપ તેના પર દંડની રકમનું સ્ટીકર લાગી જાય. વર્ષમાં એક વાર ગાડી રીન્યુ કરાવવી જ પડે. એ સમયે કોઈ દંડ ભરવાનો બાકી હોય તો પકડાઈ જાય. ભારે વ્યાજ સાથે એને વસૂલ કરવામાં આવે. એ દંડ એટલો બધો હોય કે તમારે ગાડી વેચી દેવી સસ્તી પડે. એટલે દંડ થાય કે તરત ભરપાઈ કરવામાં બધા શાણપણ સમજે. પેટ્રોલ એટલું પ્યોર કે સહેજ પણ ધુમાડો નિકળે નહિ. રસ્તાઓ પર માત્ર નવી નક્કોર ગાડીઓ જ ફરતી જોવા મળે. સહેજ પણ ટેકનિકલ ખામી હોય તો ગાડી રીન્યુ થાય જ નહિ. ત્યાં ડ્રાઈવિંગ લાયસંસ મેળવવાની પ્રક્રિયા પણ એટલી જ અઘર હોય છે જે છ-છ તો લેખિત પરીક્ષાઓ આપવી પડતી હોય છે. ત્યાંની પાર્કિંગ વ્યવસ્થા પણ આકર્ષક છે. પાર્કિંગ માટે તમારે મોબાઈલ ફોનમાં રીચાર્જ કરાવવું પડે. તમે ચોક્કસ જગ્યાએ પાર્કિંગ કરો એટલે કલાકના હિસાબે નાણા કપાઈ જાય. તમે વધુ સમય પાર્કિંગ ઈચ્છતા હો તો મોબાઈલ ફોનથી જ એક્સ્ટેંસન કરાવી શકો.

ચોરીની સમસ્યા તો ત્યાં છે જ નહિ. કાયદાનો ડર. કેમેરાની નજર. તમે ગાડીમાં તમારી અગત્યની ચીજ વસ્તુ ભુલી ગયા તો ડ્રાયવરને જાણ થાય કે તાત્કાલિક એ તમને શોધવાનો પ્રયત્ન કરે અને તમારી વસ્તુ તમારા સુધી પહોંચે ત્યારે જ એ રાહતનો દમ લઈ શકે. અન્યથા ટુરિસ્ટની એક ફરિયાદ અને ડ્રાયવરને સજા નક્કી. દુબઈ મુખ્યત્વે ટુરિસ્ટની આવક પર ચાલે છે આથી ટુરિસ્ટને પ્રથમ સાંભળવામાં આવે છે. એને ફર્સ્ટ પ્રાયોરિટી. કારમાં જનાર કોઈ પણ ચાલક, પછી એ ટેક્સી ડ્રાયવર હોય કે કાર ઓનર, તમને રસ્તો ઓળંગતા કે રસ્તા પર ઉભેલા જુએ એટલે પોતાની ગાડી ધીમી પાડીને હાથથી વિવેકપૂર્ણ રીતે ઈશારો કરીને તમને રસ્તો ઓળંગવા કહે. તમે રસ્તો ક્રોસ કરો ત્યારબાદ એ આગળ વધે.

દુબઈમાં તમે ટુરિસ્ટ તરીકે પ્રવેશી શકો, તમે ત્યાં વેપાર-ધંધો કરી શકો કે નોકરી પણ કરી શકો, ત્યાં તમે કાયમી નિવાસ પણ કરી શકો પરંતુ તમે ત્યાંનું નાગરિકત્વ મેળવી શકો નહિ અને તમે ત્યાં કોઈ સ્થાવર મિલકત પણ ખરીદી શકો નહિ. ત્યાં રહેવાનું લાયસંસ તમારે દર વર્ષે રીન્યુ કરાવવું પડે. અલબત્ત હવે જ્યારે કંસ્ટ્રક્શનનું કામ પુરજોશમાં ચાલે છે ત્યારે દુબઈના સુલતાને થોડા વધુ લિબરલ બનવાની તૈયારી બતાવી છે. તેઓએ પ્રોપર્ટીને ભાગીદારી વેચાણ કરારની મંજુરી આપી છે. દા.ત. આરબ ને તમે પાર્ટનર રાખો તો એ માટે તમે સંયુક્ત માલિકીની પ્રોપર્ટી ખરીદી શકો. ઉપરાંત ડીપોઝીટ જમા કરાવીને પચાસથી સો વર્ષ સુધીના ભાડા પટ્ટે (લીઝ)થી તમે પ્રોપર્ટી રાખી શકો. શોપિંગ ગુજ્જુઓ મોટે ભાગે બર દુબઈની જાણીતી થ્રી સ્ટાર હોટેલમાં રોકાય છે. ત્યાંથી વોકિંગ ડિસ્ટંસ સુધી જઈને નાની-મોટી ખરીદી કરે છે. ‘ગોલ્ડ સુક’ એ દુબઈનું ગોલ્ડ માર્કેટ છે. બર દુબઈથી બોટમાં બેસીને દેરા દુબઈ ‘ગોલ્ડ સુક’ જઈ શકાય છે. દુબઈમાં દાગીનાનું સોનું શુદ્ધ હોવાની ગેરંટી હોવાથી ઘણા લોકો ત્યાં સોનાના દાગીનાની ખરીદી કરે છે. ભાવ પણ પ્રમાણમાં ઓછા હોય છે. ઈલેક્ટ્રોનિક આઈટમ્સ જેવી કે સ્માર્ટ ટી.વી., પ્લાઝ્મા ટી.વી., થ્રી ડી. ટી.વી., મોબાઈલ ફોન્સ, રિસ્ટ વોચ, ટી.વી. ગેમ્સ, કોમ્પ્યુટર ગેમ્સ વગેરેના ભાવોમાં ખાસ્સો તફાવત હોવાથી આપણા લોકો ત્યાંથી એની પુષ્કળ પ્રમાણમાં ખરીદી કરે છે. વળી દુબઈની ખરી ઓળખ એટલે ત્યાંની જ્યુસી ખજૂર અને વિવિધ બ્રાંડ તેમજ ફ્લેવરની ચોકલેટ્સ. એના વિના ખરીદી અધુરી ગણાય. ૨૦ દિરહામની કિલો, ૩૦ દિરહામની કિલો તેમજ 60 દિરહામની કિલો(900 રુપિયા)ના ભાવે ચોકલેટ્સ મળે. ‘કેરીફોર’ નામનો એક મોલ છે જેની ચેઈન દુબઈમાં ઘણી જગ્યાએ છે ત્યાં પ્લાસ્ટીકના પારદર્શક આકર્ષક ગીફ્ટ પેક ડબ્બામાં એ જ ભાવે અનેકવિવિધ સ્વાદિષ્ટ ચોકલેટ્સ મળે છે જેની ક્વોલિટીમાં પણ ઘણો ફર્ક હોય છે. એ મોલમાં પ્લાસ્ટીકના સુંદર પોલીથીન પેકમાં ૧૦ થી ૧૫ દિરહામની કિલો ના ભાવની ચોકલેટ્સ મળે છે. બર દુબઈમાં બે દુકાન એવી પણ છે જ્યાં ઊંટડીના દુધની ચોકલેટ્સ પણ મળે છે. ઊંટડીનું દુધ પચવામાં ભારે હોવાથી એની ચોકલેટ્સ ખાતાં જ પેટમાં ભાર લાગે છે. એને પચાવવા માટે પણ તાકાત જોઈએ.

ટૂંકમાં એટલું કહી શકાય કે ‘રણમાં ઊભું કરેલું સ્વર્ગ એટલે દુબઈ’

*************

Advertisements

મે 14, 2018 Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos | Leave a comment