Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘જિંદગી એક ઉત્સવ’-પ્રફુલ ઠાર


શું જિંદગીના રંગનો ઉત્સવ મનાવવો છે?
હૃદયની ભાવનાની ખુશ્બૂનો વિસ્તાર કરવો છે?
હું આવ્યો છું અહિયાં એક જીંદગીના ઉત્સવના ફૂલો લઈ,
તમે થોડું હ્યદય દો તો જીંદગીના ઉત્સવનો ગુલઝાર કરવો છે.

વાંચક મિત્રો, દરેક ધર્મમાં અનેકો તહેવારો આવે છે જેને આપણે ઉત્સવ તરીકે મનાવીએ છીએ. પણ એક જીવન જીવવું એટલે પણ એક ઉત્સવ જ છે. જીવનની વ્યાખ્યા એટલે જ ‘એક ધબકાર,આઝાદી,આનંદ,ઉત્સાહ અને સ્નેહ’. આ બધા જ રૂપમાં ઉત્સવ સમાયેલો છે.
આપણે બારીની અટારીએ ઉભા હોઇએ અને ઠાઠથી કોઈ વ્યકિત કે કુટુંબને બહાર જતા જોઇએ છીએ કે તરત જ વિચાર આવી જાય છે કે કેવો આનંદ લઈ રહ્યો છે!, નસીબદાર છે ભઇ…બધી રીતે સુખી છે એટલે….વગેરે..વગેરે….વિચાર આવી જ જાય છે.
જ્યારે એનાથી કંઈક વિરૂધ્ધ કે જે સાધારણ સ્થિતિનો છે, કે કોઈ સંજોગોને હિસાબે બહાર નીકળી શક્તો નથી પણ ઘરમાં પણ હસતા ચહેરા સાથે આનંદ માણતો હોય છે અને એને જોઇને કે મળીને આપણને પણ પ્રસન્તાનો અનુભવ થાય છે અને આપણાં મોઢામાંથી નીકળી જાય છે ‘બીન્ધાસ્ત’ છે ખરો આનંદ માણે છે……
કોઈકે સાચું જ લખ્યું છે કે જિંદગીને પાણી જેવી બનાવો, પાણી જે રંગમાં ભળે એ રંગનું થઈ જાય છે. જિંદગીમાં પણ જે રંગ આવે તે રંગને જાણી અને માણી લેવાનો હોય છે.
જ્યારે જ્યારે મેરેથોન દોડનો ઉત્સવ વર્ષમાં ઉજવાય છે ત્યારે મને એક દિવસ વિચાર આવ્યો કે આ જીવનનો એવો કયો ઉત્સવ છે? અને મેં એ જાણવાની ઈચ્છા કરી અને મને જાણવા મળ્યું કે એક અપંગ માણસે દુનિયામાં એક એવી ક્રાંતિ લાવી દીધી કે લોકો આજ સુધી જીવનનો ઉત્સવ મનાવી રહ્યા છે.
આપણે એવી ઘણી વ્યકિતના પરિચયમાં આવ્યા હશું કે તેના સંજોગો જોઈને એક આહ નીકળી જ જાય કે એક વ્યક્તિ એકલે હાથે શું કરતો હશે? અને એમાં પણ જ્યારે એ કોઈ અસાધ્ય રોગથી પીડાતો હોય અને વધારામાં એક પગ સર્જરી કરીને દૂર કરવામાં આવ્યો હોય તો? આ જાણીને કોઇને પણ સહેજે પ્રશ્ર્ન થાય અને અચકાઈ જઈ એની કલ્પના પણ ન કરી શકીએ. જેનો એક પ્રસંગ હું આપની સમક્ષ જે મારા વાંચવામાં આવ્યો હતો તે રજૂઆત કરી રહ્યો છું…કારણકે જીંદગી માનવી સાથે કેવી સંતાકુકડી રમતી રહે છે!!!!…
એક વ્યકિત જેનું નામ છે ટેરી ફોક્સ. ટેરી ફોક્સ કહેવાય છે કે આમ તો તે મુળ કેનેડાનો વ્યકિત કે જેનો આખા વિશ્વને વિચાર પણ ન આવી શકે.
વાત જાણે કે એવી હતી કે ટેરી ફેક્સ નો જીવન કાળ ૨૩ વર્ષનો રહ્યો અને અનેકો વ્યથાઓ વચ્ચે સમગ્ર માનવ જગતને તેણે એક ખેલ-કૂદની એક નવી દિશા બતાવીને અનેકો સિધ્ધીઓ હાંસલ કરી હતી.
નસીબના એ બળીયાને ૧૯૭૭ માં કેન્સરનો રોગ લાગુ પડ્યો અને કેન્સરમાં એક ઓપરેશન કરી એમનો એક પગ કાપી નાખવામાં આવ્યો, પણ એમનામાં અંદર રહેલો એક ખેલ-કૂદનો જુસ્સો જળવાઈ રહ્યો. અને કૃત્રિમ પગ બેસાડી તેના સહારે ઓપરેશન થયાના થોડા દિવસોમાં જ ફરી કૃત્રિમ પગ વડે ચાલવાનું, દોડવાનું અને વ્હીલચેર બાસ્કેટ બોલ રમવાનું શરૂ કરી દીધું.. અને જોતજોતામાં ત્રણ વખત રાષ્ટ્રીય ચેમ્પીયનશીપ પણ મેળવી.
થોડા વખત પછી કેન્સર રોગની સારવાર માટે એણે માનવી માટે એક લોક જાગૃતિ અને રોગગ્રસ્ત માટે ઇલાજના પૂરતાં નાણા માટે કૃત્રિમ પગ સાથે મેરેથોન ફોર હોપ શરૂ કરી. કેનેડાના એક છેડેથી બીજા છેડા સુધી. ૫૦૦૦ માઇલ દોડવાનો પુરુષાર્થ આરંભ કર્યો જો કે સંજોગોએ એ પુરુષાર્થ પુર્ણ થવા ન દીધો પણ જે કંઈ દોડ કરી તે દરમ્યાન એમના સાહસ અને નામથી મીલયનોમાં કેનેડીયન ડોલર એકઠા થયા અને કમબસીબે ૧૯૮૧માં અવસાન પામ્યો. પણ આજે તેઓ તેમના આ કાર્યથી તેનું નામ જીવંત રાખી એમનું નામ રોશન કરી ગયો. આજે તેમના નામ સાથે દુનિયામાં અનેક સ્થળે મેરેથોન ફોર હોપ યોજાય છે. જેમાં હજારો લોકો જે અપંગો હોવા છતાં ભાગ લે છે કારણકે તેમાં હાર કે જીત પ્રશ્ર્ન હોતો નથી. પણ. એક જાણકારીના આધારે તેમને કેનેડાનો ખેલ જગતનો સર્વોચ્ચ ખિતાબ પણ મળ્યો. અને આજે તેના નામે અનેક પાર્ક, મકાન અને રોડના નામ અપાયા છે.અને તેઓ એક રાષ્ટ્રીય હીરો તરીકે સ્થાપિત થયા છે.
આજે પણ મેરેથોન ફોર હોપ કે જે હવે ટેરી ફોક્સ રનના નામથી વિશ્વના અનેક દેશોમાં એક રાષ્ટ્રીય ઉત્સવ બની ગયું છે જે મેરેથોન ઉજવાય છે.
જાણીતા લેખક કૃષ્ણકાંત ઉનડકટ સાહેબે સરસ લખ્યું છે કે જે વ્યકિત જે વસ્તુને પ્રાપ્તિ સમજે છે તેવી પ્રાપ્તિથી ‘સંતોષ’ માને છે – જિંદગીની કીમતી ક્ષણો વટાવીને તેના બદલામાં તે ખોટા સિક્કા કમાય છે, પણ આ દુનિયામાં આ જ ચલણ માન્ય છે એટલે એનો વહેવાર બરાબર ચાલે છે
આજે માનવીઓ વિસ્મયની લાગણી ગુમાવી બેઠા છે. અને જીવનના એ ઉત્સવમાં ખરેખર જીવતા જ નથી અને નાની-મોટી ઝંખનાઓ પાછળ આંધળી દોટ દોડી જીવવાનું જ ભૂલી ગયા છે. આ પૃથ્વી ઉપર કેટલા બધા મનુષ્યો જીવે છે અને છતાં એમાંથી કેટલા થોડા માણસો ખરેખર જીવે છે ! માણસ ભરપૂર જીવન જીવતો જ નથી. જિંદગીમાં અનુભવવા જેવું તો ઘણુંબધું છે, પણ લોકો બહુ થોડું જ જાણે કે અનુભવે છે. શુદ્ધ પ્રેમપદાર્થનો પણ કોઈ અનુભવ એણે કર્યો નથી. એ પીડાથી બચીને જીવવા માગે છે, એ જોખમથી દૂર રહીને ચાલવા માગે છે, તે ઉપરછલ્લા આનંદોની વચ્ચે એક સલામત જિંદગી જીવવા માગે છે. એનામાં કોઈ નવીનતા, ઉમંગ કે થનગનાટ નથી – કોઈ વિસ્મય જ નથી – કારણ કે તેની પાસે સમય જ નથી અને આકાંક્ષાઓ તેને છોડતી નથી……..
માનવીમાં જિંદગીની બધી જ પરિસ્થિતિને અપનાવી સ્વીકારવાની સહજતા હોવી જોઈએ. કોઈ સમસ્યાથી નાસીપાસ ન થવું જોઇએ અને તેને એક જીવનનો ઉત્સવ સમજવો જોઈએ ચાલો આપણે આજે જીવનના ઉત્સવનો એવો નિર્ણય કરીએ કે આપણે જિંદગીની દરેક પરિસ્થિતિને પૂરી આનંદથી ઉજવીએ……

*********

Advertisements

ઓક્ટોબર 9, 2014 Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos | | Leave a comment